બુધવાર, 27 માર્ચ, 2024

ભક્તિને હિલોળે - દેવદત્ત પટ્ટનાઈક

પંઢરપુર આઠ સદી પહેલાં શરૂ થયેલ ભક્તિ સંપ્રદાયનું કેન્દ્ર છે. મરાઠી સાહિત્યનો જન્મ પણ આ ભક્તિ ભાવનામાંથી જ થયો હતો. સદીઓથી, દર વર્ષે, વરસાદની થોડા જ દિવસો પહેલાં, વારકરી તરીકે ઓળખાતા હજારો તીર્થયાત્રીઓ, હરિપથ (ભગવાન કૃષ્ણ-વિષ્ણુનો માર્ગ) ના અનુયાયીઓ, ગ્રામીણ મહારાષ્ટ્ર અને કર્ણાટકથી પંઢરપુર સુધી લાંબા અંતરની મુસાફરી કરે છે. દિંડી તરીકે ઓળખાતું, આ યાત્રાધામ ઉનાળાના આકાશમાં લહેરાતા ધ્વજની લાંબી લાઈનો, ભવ્ય ફૂલોથી સજ્જ બળદગાડાં અને પાલખીઓ, સફેદ વસ્ત્રો પહેરેલા, ચંદનથી અભિષેક કરાયેલા, તુલસીની માળા પહેરેલા, લ્યૂટ અને કરતાલ વગાડતાં વગાડતાં, પરંપરાગત ભજનો ગાતા પુરુષો અને રંગબેરંગી નવવારી સાડીઓમાં પોતામાં માથાં પર તુલસીના છોડ રોપેલ તાંબાપિત્તળના ઘડાઓને સંતોલન કરતી મહિલાઓ થકી જોવાલાયક બની રહે છે. તેઓ સ્થાનિક રીતે પાંડુરંગ વિઠ્ઠલ તરીકે ઓળખાતા કૃષ્ણને વંદન કરવા પ્રવાસ કરે છે. ભક્તો, કવિઓ પાસેથી તેમનો સંકેત લઈને, તેમને પ્રેમથી વિઠ્ઠા-આઈ તરીકે સંબોધે છે, જેનો અર્થ થાય છે માતા કૃષ્ણ. આમ કરીને ભક્તો તેમને, તમામ જાતીય જડતાને અતિક્રમીને, અમર્યાદ માતૃ શાણપણનું શ્રેય આપે છે.

વિઠ્ઠલ શબ્દની વ્યુત્પત્તિ રહસ્યમય છે. વિષ્ણુ, વિથુનું અપભ્રંશ હશે? ઈંટ માટે મરાઠી વિટ, જેના પર તે ઊભા છે, પર આધારિત હશે? અથવા તો પછી કદાચ વેદ પર? વધુ ગૂંચવણભર્યું તો એ છે કે શ્યામ-વર્ણવાળા કૃષ્ણને પાંડુરંગ - ગોરા રંગવાળા - કહેવામાં આવે છે; જોકે રંગની વિગતો ભક્ત માટે વાંધાકારક નથી. મહત્વની બાબત એ છે કે કૃષ્ણ પુંડલિક નામના ભક્તને મળવા માટે આ પ્રદેશમાં આવ્યા હતા, જેઓ તેમના વૃદ્ધ માતા-પિતાની સંભાળ રાખવામાં ખૂબ વ્યસ્ત હતા તેથી તેમના દિવ્ય મહેમાન તરફ બહુ ધ્યાન આઆપી શકતા ન હતા. તેથી તેણે કૃષ્ણની દિશામાં એક ઈંટ ધકેલી અને તેને કહ્યું કે જ્યાં તે તેની ફરજો પૂર્ણ ન કરે ત્યાં સુધી રાહ જુઓ. તેથી બે હાથ વાળીને કૃષ્ણ રાહ જોતા રહ્યા, અને તેમના આદિરૂપ ભકત પોતાની રફ ફરે એ માટે હજુ પણ રાહ જોઈ રહ્યા છે. આમ, એ સમયનાં સાંસારિક નાટક દ્વારા, ઉચ્ચ પરમાત્મા ભક્ત સાથે જોડાય છે. મંદિરના જટિલ માનવશાસ્ત્રીય અને સમાજશાસ્ત્રીય સ્તરો વિશેની માહિતી આ વિષય પર રાં ચી. ઢેરેના પુસ્તક, વિઠ્ઠલ - એક મહાસમન્વય (હવે અંગ્રેજીમાં પણ, વિઠ્ઠલ - રાઈઝ ઑફ અ ફૉલ્ક ગોડ તરીકે અનુવાદિત) માં મળી શકે છે.
પંઢરપુરના વિઠ્ઠલા સાથે મારું જોડાણ ૧૯૩૦ અને અ૯૪૦ના દાયકામાં નિર્મિત બ્લેક એન્ડ વ્હાઇટ મરાઠી ફિલ્મોથી શરૂ થયું આ ફિલ્મોમેં બાળપણમાં દૂરદર્શન પર ટેલિકાસ્ટ થયેલી જોઈ હતી. આ ફિલ્મોમાં જ્ઞાનેશ્વર, તુકારામ, એકનાથ, સખુબાઈ, ચોખાનો મેળો અને ગોરા કુંભાર સહિત વિવિધ ભક્ત સંતોની વાર્તાઓ કહેવાઈ છે. મને યાદ છે કે આ બધાં પુરુષો અને સ્ત્રીઓ કેવી રીતે વિવિધ પૃષ્ઠભૂમિમાંથી આવ્યા છે: જેઓ ખેડૂતો, કુંભારો, મોચી અને પુજારીઓ હતાં. આજે મને અહેસાસ થાય છે કે ભારતની આઝાદી સમયે બનેલી આ ફિલ્મોમાં ફિલ્મ નિર્માતાઓ ભક્તિને સદીઓ પહેલા હતું એ રાજકારણ સાથે જોડી રહ્યા હતા. તેઓ આજે બહુ જ ફેશનેબલ છે એમ ગુસ્સો કરીને, આંદોલન કે હિંસા દ્વારા નથી કરતા , પરંતુ ભયાનક દુ:ખોનો સામનો કરીને પણ નમ્ર, પ્રેમાળ કોણીના ધક્કા દ્વારા, વિશ્વાસ અને ધીરજથી જન્મેલ, સામાજિક સુધારણાની વાત કરે છે.

ઉદાહરણ તરીકે ૧૩મી સદીના સંતકવિ જ્ઞાનેશ્વર અને તેમના ભાઈ-બહેનોની કથા લો. તેમના પિતા સંન્યાસી બની ગયા હતા પરંતુ તેમના ગુરુને જાણવામાં અવ્યું કે જ્ઞાનેશ્વરના પિતાએ પોતાની પ્ત્નીનો ત્યાગ કરીને સંન્યસ્ત લીધું છે ત્યારે તેમને ગૃહસ્થ જીવનમાં પાછા ફરવાનો આદેશ આપ્યો. બ્રાહ્મણ સમુદાયે આ રીતે પાછા ફરવાને સ્વીકાર્યું નહીં અને દંપતીને બહિષ્કૃત કર્યું. આ રીતે તેમના બાળકોનો ઉછેર બ્રાહ્મણોની જેમ જ પણ બ્રાહ્મણ જ્ઞાતિની બહાર થયો હતો, માતાપિતાને કહેવામાં આવ્યું હતું કે જો માતાપિતા તેમના પાપ માટે 'પ્રાયશ્ચિત' તરીકે પોતાનો જીવ દઈ દે તો આ સજા બદલી શકે. માતાપિતાએ તેમના બાળકોના જીવનને સુરક્ષિત કરવા માટે આત્મહત્યા કરી લીધી હતી, પરંતુ દુર્ભાગ્યે અનાથ બાળકો હજુ પણ જાતિના દરજ્જાથી વંચિત હતા. તેથી તેઓ બહારના જ રહ્યા. શું તેમનો ઉછેર 'નીચી જાતિ'ના મહારો દ્વારા કરવામાં આવ્યો હતો? આપણે તો ફક્ત અનુમાન કરી શકીએ છીએ. આવા બાળકોને મનમાં કડવાશ અને ગુસ્સો આવવો જોઈતો હતો પણ તેઓને એવી કડવાશ ન આવી. તેમના ગીતોમાં માત્ર પ્રેમ છે, માતા પ્રત્યેની ઝંખના છે, જેના કારણે કૃષ્ણ માતા-કૃષ્ણ બને છે. ભક્તિની શક્તિ આવી છે, ઘણી વાર તેનું ભાષાંતર સ્વાર્પણ તરીકે કરવામાં આવે છે, જે એકનિષ્ઠાને બદલે સામંતવાદી ભાવનાને ઉત્તેજિત કરે છે. જ્યારે હકીકતમાં તો તે તેના બાળક માટે માતાની જેમ સ્નેહ પણ છે.

પરંતુ જ્ઞાનેશ્વરે જ્યારે ભગવદ ગીતાનું ભાષાંતર કર્યું, જોકે ખરેખર તો એમ કહેવું જોઈએ કે તેના બદલે ફરીથી અર્થઘટન કર્યું, અને તેને સ્થાનિક મરાઠી ભાષામાં સુલભ બનાવ્યું ત્યારે તેમણે પ્રેમથી ભરપૂર એવો બળવો જ કર્યો હતો. દેવોની ભાષા, સંસ્કૃત,ને સામાન્ય લોકોની ભાષા દ્વારા બદલવામાં આવી હતી. આ પહેલા ક્યારેય પણ આવું કરવામાં આવ્યું ન હતું. ભાવાર્થ દીપિકા તરીકે જાણીતી, તે જ્ઞાનેશ્વરી તરીકે લોકપ્રિય બની. તેણે ભારતની આસપાસના ઘણા લોકોને પ્રાદેશિક ભાષાઓમાં ભારતની સંસ્કૃતિનાં વિવેકવિચારનો સંચાર કરવા માટે પ્રેરણા આપી.

સ્થાનિક ભાષાઓમાં ગીતો દ્વારા ભગવાનનો શબ્દ લોકો સુધી પહોંચાડવાની આ પ્રથા વ્યાપકપણે લોકપ્રિય બની હતી. આ ભક્તિ ગીતો આપણા માનવ અને દૈવી સ્વભાવ વચ્ચેના વિક્ષેપ (ભંગ)ને ઉલટાવે છે, એટલે એ ભક્તિગીતો અંભગ તરીકે ઓળખાય છે. મારું મનપસંદ ભક્તિગીત તુકારામનું ૧૭મી સદીમાં રચાયેલું ‘वृक्षवल्ली आम्हां सोयरीं[1] છે. અહીં કવિ કહે છે કે કેવી રીતે જ્યારે તે જંગલમાં એકાંતમાં ભટકતો હોય છે, પક્ષીઓ અને પ્રાણીઓનો સંગ માણતો હોય છે, તેના પગ નીચેની ધરતી અને ઉપરનું આકાશ, કૃષ્ણની કહાનીઓઓથી પોષાતું હોય છે, ત્યારે તેને ખ્યાલ આવે છે કે તેની શ્રેષ્ઠ વાતચીતો અને સૌથી ખરાબ દલીલો કેવી છે. પોતાના મન સાથે. આ રીતે ભગવાનની ભક્તિ આત્મ-ચિંતન અને આત્મ-સાક્ષાત્કારને સક્ષમ કરે છે.

તુકારામની વાર્તાઓમાં, લાંબા સમયથી દુઃખો સહન કરી રહેલી તેમની પત્ની વ્યાવહારિક, જુસ્સાદાર, દલીલો છે. પંતી કહે છે કે ભગવાનની ભક્તિમાં ડૂબી જવાને બદલે ભૂખથી ટળવળતાં પોતાનાં બાળકોને ખવડાવવો. બીજા શબ્દોમાં કહીએ તો, વિઠો-બા (આત્માના દેવ) થવા કરતાં પેટો-બા (પેટના દેવ) બનવું વધુ મહત્વપૂર્ણ છે. ભૌતિક વસ્તુઓ પ્રત્યે સંન્યાસીના આદર્શવાદી અભિગમ અને ગૃહસ્થના વ્યવહારુ અભિગમ વચ્ચેનો આ તણાવ જ્ઞાનેશ્વરની બહેન મુક્તાબાઈ દ્વારા રચિત ગીતોમાં પણ જોવા મળે છે, તેઓ જેઓ આગ્રહપૂર્વક કહે છે કે તેનો ભાઈ જ્યાં ધ્યાન કરી રહ્યો હોય તે ખંડનો દરવાજો ખોલે અને અન્ન રાંધવામાં તેને મદદ કરે.

દંતકથાઓ, અને તે દંતકથાઓ પર આધારિત ફિલ્મો, આપણને જણાવે છે કે જ્ઞાનેશ્વરે 'સમાધિ' લીધી અને સ્વેચ્છાએ તેમના નશ્વર દેહનો ત્યાગ કર્યો તેમાં તુકારામને વિષ્ણુએ પોતે જ પોતાના ગરુડ પર ઉપાડ્યા અને વૈકુંઠ લઈ ગયા એમ બતાવાય છે. આનો મતલબ શું થયો? ઈતિહાસકારો અને તર્કવાદીઓનું માનવું છે કે તુકારામની હત્યા બ્રાહ્મણો દ્વારા કરવામાં આવી હતી અને જ્ઞાનેશ્વરે ધાર્મિક આત્મહત્યા કરી હતી આ દૃષ્ટિકોણનો ભક્તો દ્વારા હિંસક વિરોધ કરવામાં આવ્યો હતો. કદાચ આપણે નથી ઈચ્છતા કે આવા કઠોર વર્ણનો આપણા જીવનને વધુ ક્ડવાશ ભર્યું કરે. જ્યારે આપણે સમજીએ છીએ કે સમાનતા શક્ય નથી, ત્યારે આપણે બધા મુક્તિની ઝંખના કરીએ છીએ. કેટલાક તેને વાસ્તવિકતાનો અસ્વીકાર કહે છે, તો અન્ય કેટલાંક લોકો તેને યાત્રાળુઓના શ્રધ્ધાના માર્ગ પર આગળ વધતાં રહેવું કહે છે.

  • મુંબઈ મિરરમાં ૧૯ માર્ચ૨૦૧૬ના રોજ પ્રકાશિત થયેલ
  • દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, Moved by bhakti નો અનુવાદ પ્રાયોગિક પુરાણશાસ્ત્રવિદ્યા

·        અનુવાદકઃ અશોક વૈષ્ણવઅમદાવાદ ‖  ૨૭ માર્ચ ૨૦૨૪



[1] 'અભંગ તુકાયચે' આલ્બમમાં લતા મંગેશકરના સ્વરમાં, સંગીત - શ્રીનિવાસ ખળે

ચંદ્રકાન્ત કુલકર્ણી દ્વારા દિગ્દર્શિત મરાઠી ફિલ્મ 'તુકારામ'માં તુકારામ તરીકે જીતેન્દ્ર જોશી; પાર્શ્વ સ્વર - અનિરુધ જોશી - સંગીતઃ અશોક પટ્કી અને અવધૂત ગુપ્તે 

બુધવાર, 20 માર્ચ, 2024

મારી દૃષ્ટિએ (૧૯૪૩ - ૧૯૪૪) : ભાગ ૧ - જ્યોર્જ ઑર્વેલ [૩]

 જ્યોર્જ ઑર્વેલના બિન-કાલ્પનિક નિબંધ, As I Please (1943 – 1944) : Part Iના આંશિક અનુવાદ  મારી દૃષ્ટિએ (૧૯૪૩ - ૧૯૪૪) : ભાગ ૧ ના અંશ (૨)થી આગળ

હવે, મારે તો જોઈએ છે હકીકતો. આ છોકરા છોકરીઓને હકીકત સિવાય બીજું કશું શીખવાડશો નહીં. જીવનમાં જરૂર માત્ર હકીકતોની જ છે. બીજું કશું વાવશો નહી, અને તે સિવાયનું બધું ઊખેડીને ફેંકી દો. તર્કશીલ દિમાગ ધરાવતાં પ્રાણીઓનું ઘડતર માત્ર હકીકતો વડે જ થઈ શકે : એ સિવાય એમની બીજી કોઈ સેવા ન હોઈ શકે. આ સિદ્ધાંત પર જ મેં મારાં સંતાનોને ઉછેર્યાં છે અને આ સિદ્ધાંત પર જ હું આ છોકરાંઓને ઊછેરવા માગું છું. સાહેબ, હકીકતોને જ વળગી રહો !

પુસ્તક પહેલુંઃ બીજ રોપણી - પ્રકરણ પહેલું: કરવા લાયક એક બાબત - હાર્ડ ટાઈમ્સ, ચાર્લ્સ ડિકન્સ[1]


 +                 +                      +                      +

જો ભૂતકાળ કોઈને કોઈ આકારમાં અથવા બીજાં સ્વરૂપે હંમેશા પાછો ફરતો હોય તો ભવિષ્ય જ્યારે પણ આવશે ત્યારે કંઈક અંશે પરિચિત જ હશે.

'તમે જે કહી શકો છો અથવા વિચારી શકો છો તે બધું પહેલાં કહેવામાં કે વિચારવામાં આવી ચુક્યું છે'.

વિચારો બદલાતા નથી, પરંતુ વિચાર(નાં અર્થઘટન કે અમલ પર) પર મુકાતો ભાર સતત બદલાય છે.

 +                +                      +                      +

ટ્રિબ્યુન, ૧૯૪૪

૨૫ ફેબ્રુઆરી, ૧૯૪૪


ચેસ્ટરટન દ્વારા એવરીમેન એડિશનમાં ચાર્લ્સ ડિક્ન્સની હાર્ડ ટાઈમ્સનો પરિચય જોઈને, હું સામાન્ય અર્થમાં આખાબોલું કહેવાય એવું સ્પષ્ટ નિવેદન નોંધું છું: 'તેમાં કોઈ નવા વિચારો નથી.' (જોકે, ચેસ્ટરટનનો ડિકન્સનો પરિચય તેણે અત્યાર સુધી લખેલ લગભગ શ્રેષ્ઠ લખાણ છે) ચેસ્ટરટન અહીં દાવો કરે છે કે ફ્રેન્ચ ક્રાંતિને જીવંત કરતા  વિચારો નવા ન હતા પરંતુ તે અગાઉ વિકસી ચુકેલ સિદ્ધાંતોનું પુનરુત્થાન હતું જે પછીથી ત્યજી દેવામાં આવ્યું હતું. પરંતુસૂર્ય હેઠળ કંઈ નવું નથીએવો બુદ્ધિશાળી પ્રતિક્રિયાવાદીઓનો દાવો એક સદા તૈયાર દલીલોમાંની એક છે. કેથોલિક ક્ષમાપ્રાર્થીવાદીઓ 'તમે જે કહી શકો છો અથવા વિચારી શકો છો તે બધું પહેલાં કહેવામાં કે વિચારવામાં આવી ચુક્યું છે'નો ખાસ કરીને, લગભગ આપમેળે, ઉપયોગ કરે છે. ઉદારવાદથી ટ્રોસ્કીવાદ સુધીના દરેક રાજકીય સિદ્ધાંતને પ્રારંભિક ચર્ચમાં કેટલાક પાખંડના વિકાસ તરીકે દર્શાવાઈ શકે છે. ફિલસૂફીની દરેક પ્રણાલી આખરે ગ્રીક લોકોમાંથી જ આવે છે ને! (જો આપણે લોકપ્રિય કેથોલિક અખબારોને માનીએ તો) રોજર બેકન અને અન્યોએ તેરમી સદીના દરેક વૈજ્ઞાનિક સિદ્ધાંત પહેલેથી જ જાણી લીધા હતા. કેટલાક હિંદુ ચિંતકો તેનાથી પણ આગળ વધે છે અને દાવો કરે છે કે માત્ર વૈજ્ઞાનિક સિદ્ધાંતો જ નહીં, પરંતુ એરોપ્લેન, રેડિયો જેવી પ્રયોજિત વિજ્ઞાનની પેદાશો અને યુક્તિઓની આખી થેલી પ્રાચીન હિંદુઓ જાણતા હતા, આવી બધી યુક્તિ-પ્રયુક્તિઓ ધ્યાન આપવા યોગ્ય નથી એમ કહીને એ લોકોએ તેમને પડતી મુકી દીધી..

આ વિચારનું મૂળ પ્રગતિ માટેના ભયમાં છે તે જોવું બહુ મુશ્કેલ નથી. જો સૂર્યની નીચે કંઈપણ નવું નથી, જો ભૂતકાળ કોઈને કોઈ આકારમાં અથવા બીજાં સ્વરૂપે  હંમેશા પાછો ફરતો હોય તો ભવિષ્ય જ્યારે પણ આવશે ત્યારે કંઈક અંશે પરિચિત જ હશે. પહેલાં જે ક્યારેય નથી આવી, અને માટે કોઈપણ રીતે ક્યારેય આવશે નહીં, તેવી નફરત અને ભયજનક વસ્તુ છે - મુક્ત અને સમાન માનવોની દુનિયા. પ્રતિક્રિયાશીલ વિચારકોને ખાસ કરીને દિલાસો આપનારો એ ચક્રીય બ્રહ્માંડનો વિચાર છે, જેમાં ઘટનાઓની એક સરખી સાંકળ વારંવાર બને છે. આવા બ્રહ્માંડમાં લોકશાહી તરફની દરેક દેખીતી પ્રગતિનો સીધો અર્થ એ છે કે જુલમ અને વિશેષાધિકારનો યુગ થોડો નજીક છે. આ માન્યતા, દેખીતી રીતે અંધશ્રદ્ધાયુક્ત હોવા છતાં, આજકાલ વ્યાપકપણે પ્રચલિત છે, અને ફાસીવાદીઓ અને લગભગ ફાસીવાદીઓમાં સામાન્યપણે જોવા મળે છે.

હકીકતમાં, હવે તો નવા વિચારો પણ જોવા મળે છે. દાખલા તરીકે, અદ્યતન સંસ્કૃતિએ ગુલામી પર તગડધિન્ના કરવાની જરૂર નથી તે પ્રમાણમાં નવો વિચાર છે; તે ખ્રિસ્તી ધર્મ કરતાં ઘણો નવો પણ છે. પરંતુ જો ચેસ્ટરટનનું સૂચન સાચું હોય તો પણ, તે માત્ર એ અર્થમાં સાચું હશે કે પથ્થરની દરેક શિલા એક પ્રતિમા સમાયેલી છે. વિચારો બદલાતા નથી, પરંતુ વિચાર(નાં અર્થઘટન, કે અમલ પર, મુકાતો ભાર સતત બદલાય છે. ઉદાહરણ તરીકે, એવો દાવો કરી શકાય કે માર્ક્સના સિદ્ધાંતનો સૌથી મહત્ત્વનો ભાગ આ કહેવતમાં સમાયેલો છે:જ્યાં તમારો ખજાનો છે, ત્યાં તમારું હૃદય પણ હશે.પરંતુ માર્ક્સે તેને વિકસાવી તે પહેલાં, આ કહેવતનો શું પ્રભાવ હતો? તેના પર કોણે ધ્યાન આપ્યું હતું? તેમાંથી કોણે અનુમાન લગાવ્યું હતું - તે ચોક્કસપણે શું સૂચવે છે - કે કાયદાઓ, ધર્મો અને નૈતિક સંહિતાઓ વર્તમાન મિલકત સંબંધો પર બનેલ એક માળખું છે? સુવાર્તા અનુસાર, આ શબ્દો ઉચ્ચાર્યા હતા ઈસુએ પણ તેને જીવંત માર્ક્સે કર્યા. જ્યારથી માર્ક્સે તેને પ્રચલિત કર્યા રાજકારણીઓ, પાદરીઓ, ન્યાયાધીશો, નૈતિકવાદીઓ અને કરોડપતિઓના હેતુઓ સૌથી ઊંડી શંકા હેઠળ છે, અને અલબત્ત, એટલે જ એ બધા માર્ક્સને ખૂબ નફરત કરે છે.

+                 +                      +                      +

જીવન - મૃત્યુની પેલે પારનું અસ્તિત્ત્વ - શ્રદ્ધા કે સગવડ મુજબની માન્યતા?

+                 +                      +                      +

૧૪ એપ્રિલ, ૧૯૪૪

વ્યક્તિગત અમરત્વમાંની માન્યતા ક્ષીણ થઈ રહી છે એ અર્થની માલવર્ન ટોર્ચમાં ખ્રિસ્તી ધર્મ વિશે અમારી વિવિધ ટિપ્પણીઓ કારણે શ્રી સિડની ડાર્ક શ્રી સી. એ. સ્મિથ અને મારી પર સક્રોધ વરસી પડ્યા. તેમનું કહેવું હતું કે, 'હું શરત મારીને કહીશ કે જો ગેલપ મોજણી કરવામાં આવે તો (બ્રિટિશ વસ્તીના) ૭૫ ટકા લોકો અસ્તિત્વ વિશેની અસ્પષ્ટ માન્યતાની કબૂલાત કરશે'. તે જ સપ્તાહ દરમિયાન અન્યત્ર લખતાં, શ્રી ડાર્ક એ આંકડો પંચ્યાસી ટકા પર મૂકે છે.

હવે, કોઈપણ પૃષ્ઠભૂમિની, એવી વ્યક્તિને હું ખૂબ જ દુર્લભ માનું છુંજે વ્યક્તિગત અમરત્વમાં વિશ્વાસ કરવાનું સ્વીકારે છે. તેમ છતાં, મને લાગે છે કે જો તમે દરેકને પ્રશ્ન પૂછો અને હાથમાં પેન્સિલ અને કાગળ મૂકો, તો ઘણી મોટી સંખ્યામાં (ટકાવારી બાબતે હું શ્રી ડાર્ક સાથે એટલાં ખુલ્લાં દિલે સંમત નથી થઈ શક્તો) એવી શક્યતા સ્વીકારશે કે મૃત્યુ પછી પણ 'કંઈક' હોઈ શકે છે. શ્રી ડાર્ક જે મુદ્દો ચૂકી ગયા છે તે એ છે કે આપણા પૂર્વજો માટે હતી જે માન્યતા હતી તે હવે વાસ્તવિકતા નથી. તાજેતરના વર્ષોમાં ક્યારેય, શાબ્દિક અર્થમાં, હું એવાં કોઈને મળ્યો નથી જે ઓસ્ટ્રેલીઆનાં અસ્તિત્વ પર વિશ્વાસ ધરાવતું હોય એટલો વિશ્વાસ આગલી દુનિયા પર રાખતાં હોવાની છાપ મારા પર પાડી હોય. આગલી દુનિયાનાં અસ્તિત્વની માન્યતા સાચી હોય તો લોકોનાં આચરણ પર તેની જેટલી અસર થાય એટલી વાસ્તવિક આચરણને પ્રભાવિત કરતી નથી. મૃત્યુની પેલે પારનાં એ અનંત અસ્તિત્વ સામે, આપણું અહીનું જીવન કેટલું તુચ્છ લાગશે! મોટાભાગના ખ્રિસ્તીઓ નરકમાં વિશ્વાસ કરવાનો દાવો કરે છે. છતાં શું તમે ક્યારેય એવા કોઈ ખ્રિસ્તીને મળ્યા છો જે નરકથી ડરતો હતો જેટલો તે કેન્સરથી ડરતો હશે? ખૂબ શ્રદ્ધાળુ ખ્રિસ્તીઓ પણ નરક વિશે મજાક કરશે. પણ તેઓ રક્તપિત્ત, અથવા આરએએફ પાયલોટ વિશે પોતાના ચહેરાને બાળી નાખતા મજાક કરશે નહીં: પેલે પારનાં અસ્તિત્વનો વિષય ખૂબ પીડાદાયક છે.

મારા મગજમાં સ્વર્ગસ્થ એ.એમ. ક્યુરી દ્વારા લખાયેલું નાનકડું ટ્રાઈઅલિટ (આઠ લીટીનો પ્રાસબદ્ધ અંગ્રેજી છંદ) સ્ફુરે છે:

અફસોસની વાત છે કે પોપ્પાએ તેનો આત્મા વેચી દીધો છે

તેથી તેના નાસ્તામાં સડસડે છે.

પરંતુ હજુ પણ સમગ્ર રીતે પૈસા ઉપયોગી હતા.


અફસોસની વાત છે કે પોપ્પાએ તેનો આત્મા વેચી દીધો છે

જો તેણે બેરોન ડી કોલની જેમ પકડી રાખ્યું હોત

અને જ્યારે કિંમત નીચી હતી ત્યારે વેંચી ન માર્યો હોત.

 

અફસોસની વાત છે કે પોપ્પાએ તેનો આત્મા વેચી દીધો છે

તેથી તેના નાસ્તામાં સડસડે છે.

એક કેથોલિક તરીકે, સંભવતઃ ક્યુરીએ કહ્યું હશે કે તે નરકમાં વિશ્વાસ કરે છે. પણ જો તેના નજીકના પડોશીને બાળી નાખવામાં આવ્યો હોત તો તેણે તેના વિશે હાસ્ય કવિતા લખી ન હોત, તેમ છતાં તે લાખો વર્ષોથી ઉકળતાં તેલમાં તળાતી વ્યક્તિ વિશે મજાક કરી શકે છે. હું તો કહું છું કે આવી માન્યતામાં કોઈ વાસ્તવિકતા નથી. સેમ્યુઅલ બટલરની મ્યુઝિકલ બેંન્ક્સમાંના નાણાંની જેમ તે એક નકલી ચલણ છે.

+                 +                      +                      +


Orwell in Tribune, As I Please and Other Writings 1943-1947" – Paul Anderson - The Orwell Society

જાણીતા પત્રકાર અને વ્યાખ્યાતા, પૉલ એન્ડર્સન, 'ટ્રિબ્યુન' સાથે તંત્રી સહિતની વિવિધ ભુમિકાઓમાં ૧૯૮૬થી ૨૦૧૪ સુધી સંકળાયેલ હતા. 

૧૧ ડિસેમ્બર, ૧૯૨૨ના રોજ તેમણે ઑર્વેલ સોસાયટીના ઉપક્રમે આપેલ પ્રસ્તુત વ્યાખ્યાન તેમનાં પુસ્તક, Orwell in Tribune, As I Please and Other Writings 1943-1947, ના સંદર્ભમાં છે.

 



+                      +                      +                      +

જ્યોર્જ ઓર્વેલના બિન-કાલ્પનિક નિબંધ, As I Please (1943 – 1944) : Part Iનો આંશિક અનુવાદ 



[1] Hard Times – Charles Dickens


બુધવાર, 13 માર્ચ, 2024

ભારત માતા અને અન્ય માતાઓ - દેવદત્ત પટ્ટનાઈક

 

જો ભારત પાસે તેની  ભારત માતા છે તો બ્રિટન પાસે બ્રિટાનિયા, ફ્રાંસ પાસે મેરિઆન, ન્યુઝીલેન્ડ પાસે ઝીલેન્ડિયા, સ્વીડન પાસે મા સ્વિયા  અને અમેરિકા પાસે કોલંબિયા એમ માતાઓ છે. આ બધી માતૃભૂમિની દેવીઓ છે જેઓ સાંસ્થાનિક સમયમાં ઉભરી આવી હતી અને રાષ્ટ્ર-રાજ્યના ઉદય સાથે પોતાને 'માતાઓ' તરીકે એકીકૃત કરી હતી.

૧૮મી સદીમાં 'યુનાઈટેડ કિંગ્ડમ' બનાવવા માટે જ્યારે સ્કોટલેન્ડ અને ઈંગ્લેન્ડના રાજ્યોનું એકીકરણ કરાયું ત્યારે બ્રિટાનિયાનો ઉદ્ભવ થયો. ગ્રીક પ્રભાવનાં સૂચક તર્કસંગતતાનાં પ્રતીક સ્વરૂપ, ગ્રીક હેલ્મેટ અને ઢાલ સાથે તેમની કલ્પના  કરવામાં આવી હતી. તેમણે સિંહ પર સવારી કરી જે તેમના શાહી સ્વભાવને દર્શાવે છે. શાહી શબ્દ આજે છે તેવો ત્યારે ખરાબ ન હતો, . પાછળથી, તેમને, સમુદ્ર પરનો અંકુશ સ્થાપિત કરનાર  અને જ્યાં સૂર્ય ક્યારેય અસ્ત થતો નથી એવાં સામ્રાજ્યનું સર્જન કરનાર, બ્રિટીશ નૌકાદળની શક્તિ દર્શાવતાં સમુદ્ર-દેવ પોસેઇડનનું ત્રિશૂળ પકડીને બતાવવામાં આવ્યાં હતાં.  આ છબી એલિઝાબેથ પ્રથમ અને અલબત્ત, રાણી વિક્ટોરિયા પણ, જેવાં ઈંગ્લેન્ડનાં મહાન રાણીઓની યાદ અપાવે છે.

બ્રિટાનિયાનું અનુકરણ કરીને, ન્યુઝિલેન્ડ પોતાને ઝીલેન્ડિયામાં મૂર્તિમંત કરે છે. જો કે ઝીલેન્ડીયાની પાછળ લોકો ગાંડાતૂર નહોતા થયા. અને, સ્વીડનમાં, સ્વીડિશ લોકોની દેશભક્તિની ભાવનાનાં મૂર્ત સ્વરૂપ, દેવતાઓ અને ઉમદા યોદ્ધાઓનાં કવચ સમી કન્યા, વાઇકિંગ વાલ્કીરીઝની છબીથી પ્રેરિત, મધર સ્વિયાનો ઉદ્ભવ થયો.

સાંદર્ભિક તસવીરો: નેટ પરથી 
કેથલીન ની હૌલિહાન, અથવા હાઉસ ઓફ હોલિહાનની કેથલીન, આઇરિશ રાષ્ટ્રવાદીઓને પ્રેરણા આપે છે. તેઓએ તેમને એક એવી વૃદ્ધ મહિલા તરીકે વર્ણવ્યાં જેમણે પોતાનું ઘર ગુમાવ્યું હતું, જ્યારે તેમણે યુવાનોને લડવા માટે પ્રેરિત કર્યા હતા ત્યારે તે યુવાન થઈ ગયાં હતાં, અને તેના માટે, કુળવાન ઉમરાવો જેવા ભદ્ર લોકો મૃત્યુને  પણ વર્યા હતા. પાછળથી, જ્યારે ઘણા આઇરિશ લોકો અમેરિકા સ્થળાંતર થયા તે પછી જ્યારે જ્યારે વતનની યાદ આવતી હતી ત્યારે દેવી કેથલીને આયર્લેન્ડને મૂર્ત સ્વરૂપ આપ્યું હતું. 

ફ્રાન્સમાં, મેરિઆને પ્રજાસત્તાક અને તર્કના આદર્શોને મૂર્તિમંત કરે છે. પુરૂષ વ્યક્તિઓ દ્વારા રજૂ કરાયેલ રાજાશાહીનો સામનો કરવા માટે એક મહિલાની પસંદગી કરવામાં આવી હતી. તેમની કલ્પના દેવીએ, સ્વતંત્રતાનું પ્રતિનિધિત્વ કરતી, નરમ અને આગળથી થોડી ઝૂકેલી, શંકુ આકારની  ફ્રીજીયન ટોપી પહેરેલી દેવી તરીકે કરવામાં આવી હતી.  આ એ ટોપી એ છે જે રોમન સમયનાં ,રોમમાં સ્વતંત્ર લોકો પહેરતા હતા અને  ગુલામોને જ્યારે તેમના માલિકો મુક્ત કરતા ત્યારે સ્વતંત્ર થયાની નિશાનીરૂપે ગુલામોને આપવામાં આવતી હતી.

૧૮મી સદીમાં, બ્રિટિશ સંસદમાં ચાલતી ચર્ચાઓ જાહેર કરવી ગેરકાયદેસર હતી. અને તેથી રાજકીય સામયિકોએ લોકો અને સ્થાનોના કાલ્પનિક નામોનો ઉપયોગ કરીને એ ચર્ચાઓ પ્રકાશિત કરી. આ અહેવાલોમાં, અમેરિકામાં કોલોનીઓ કોલંબિયા તરીકે ઓળખાય છે. પાછળથી, ફ્રીજિયન કેપ સાથે અને અમેરિકન ધ્વજમાં લપેટાયેલી, કોલંબીયા પ્રજાસત્તાકનું પ્રતીક બની ગઈ, જેણે પોતાને પ્રતિક ગણી પ્રજાસત્તાક માટે લડવા યુવાનોને આમંત્રણ આપ્યું.

માતૃભૂમિ દેવીઓનો વિચાર કદાચ રોમાંની વિભાવનાથી ઉદ્દભવ્યો હતો, જે રોમન સામ્રાજ્યનું મૂર્ત સ્વરૂપ હતું, જેમને રોમનો લૌરેલની માળા પહેરેલ માતા, ખ્રિસ્તી શહીદો દ્વારા ગ**કા તરીકે  અને પવિત્ર રોમન સામ્રાજ્યમાં સંત તરીકે જોવામાં આવતાં  હતાં.

ભારત માતાનો વિચાર ૧૯મી સદીના કિરણ ચંદ્ર બેનર્જીના નાટક, બંકિમ ચંદ્ર ચટ્ટોપાધ્યાયની નવલકથા જેમાં તેમણે વંદે માતરમ (માતાને વંદન) અભિવાદન પ્રયોજ્યું હતું,  બિપિન ચંદ્ર પાલના નિબંધો અને જેમાં ભારત માતાને કેસરી પહેરેલાં અને ચાર હાથમાં મણકા (વિશ્વાસ), વેદ (જ્ઞાન), ચોખાના સાંઠા (અન્ન) અને તેના બાળકો માટે પહેરણ (કપડાં) સાથે દર્શાવવામાં આવ્યા છે એવાં અબનીન્દ્રનાથ ટાગોરનાં કલાચિત્રની રચનામાંથી ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન ઉદ્ભવ્યો હતો. પાછળથી, ભારત માતાને સિંહ (અથવા સિંહો) દ્વારા ખેંચાઈ રહેલા રથ પર બેઠેલાં, હાથમાં ત્રિરંગા ધ્વજ સાથે, બ્રિટિશ-રાવણ દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું એવાં સીતા તરીકે, કે પછી તેમને  અંગ્રેજો-કિચક દ્વારા દુર્વ્યવહાર કરવામાં આવેલો એ દ્રૌપદી તરીકે, કે બ્રિટાનિયાના લોભને કારણે નિર્વસ્ત્ર અને નગ્ન બનેલાં  કાલી, કે 'રાષ્ટ્રવિરોધી દૂષણ' સામેના યુદ્ધમાં 'કુલીન દેશભક્ત બાળકો'નું નેતૃત્વ કરવા તૈયાર દુર્ગા તરીકે પણ દર્શાવાયાં છે.

આમ રાષ્ટ્રવાદી પૌરાણિક કથાઓ, પોતાની માને પ્રભાવિત કરવા માંગતા છોકરાઓ દ્વારા, છોકરાઓ માટે, બનાવવામાં આવી છે.

  • મિડ - ડેમાં ૨૦ માર્ચ૨૦૧૬ના રોજ પ્રકાશિત થયેલ
  • દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, Bharat Mata and other Matas નો અનુવાદ પ્રાયોગિક પુરાણશાસ્ત્રવિદ્યા

·        અનુવાદકઃ અશોક વૈષ્ણવઅમદાવાદ ‖  ૧૩ માર્ચ ૨૦૨૪

શુક્રવાર, 8 માર્ચ, 2024

સ્વ-વિકાસ : વિચાર વલોણું - સહ-નેતૃત્ત્વનું ટીમમાં સિંચન

 તન્મય વોરા

થોડા વર્ષો પહેલા, સંપૂર્ણપણે નવી તકનીકમાં પ્રોજેક્ટનો અમલ કરવાની જેમના પર જવાબદારી હતી એવી ટીમને હું એ કામમાં મદદ કરતો હતો. આ નવી જવાબદારીનો અર્થ એ પણ હતો કે ટીમના દરેક સભ્યએ પહેલ કરવી પડશે અને ટેકનોલોજીના નવા ક્ષેત્રોમાં શોધખોળ કરવા મંડી પડવું પડશે.

પ્રોજેક્ટ માટે એક નિયુક્ત પ્રોજેક્ટ મુખી તો હતો જ. તેમ છતાં, અમે ટીમના એવા ઘણા સભ્યો જોયા કે જેમણે "સહનેતૃત્ત્વ" દર્શાવ્યું. સરળ શબ્દોમાં કહીએ તો, સહનેતૃત્વ ત્યારે થાય છે જ્યારે લોકો પોતપોતાનાં પદને ભુલીને આગળ આવે છે અને પોતાનાં નેતૃત્વ કૌશલ્યને દર્શાવે છે. સહનેતૃત્વ એક એવા પ્રકારનું નેતૃત્વ છે જે સમકક્ષો વચ્ચે અસ્તિત્વ ધરાવે છે.

અમારી ટીમમાં એક એવો સભ્ય હતો જે આગળનું વિચારતો હતો, સમસ્યાઓની આગોતરા જ અપેક્ષા કરી લેતો હતો અને એ આવી સંભવિત સમસ્યાઓ માટે ટીમને આગોતરા જાણ પણ કરી દેતો હતો.  આ ઉપરાંત, ટીમ દ્વારા ચૂકાઈ ગયેલા પ્રોજેક્ટ્સના કેટલાક સૌથી મહત્વપૂર્ણ મુદ્દાઓ પર તેણે ધ્યાન પણ દોર્યું હતું. તે સ્પષ્ટપણે સહઅગ્રણી હતો, કારણ કે ટીમના અન્ય સભ્યોએ તેને એવી વ્યક્તિ તરીકે જોવાનું શરૂ કર્યું કે જેણે પ્રોજેક્ટ (અથવા પ્રોજેક્ટના કેટલાક ક્ષેત્રો) માં આગવી દૃષ્ટિ ધરાવી હતી.

આ અને કેટલાક અન્ય અનુભવોના આધારે, સહનેતૃત્વના મેં શીખેલા કેટલાક મહત્વપૂર્ણ પાઠ અહીં આપ્યા છે:

·       સહનેતૃત્વ વ્યક્તિ દ્વારા કામને શ્રેષ્ઠ રીતે કરવાની પસંદગીમાંથી ઉદ્ભવે છે. તે વ્યક્તિની વિષય વિશેની જાણકારીનું પરિણામ પણ છે.

·        સહનેતૃત્વ પરંપરાગત પદાનુક્રમ આધારિત માળખાંની પાર જઈ ટીમમાં દરેકને એકસાથે નેતૃત્વ લેવાની, તેમજ વધારે જાણકાર અન્ય સભ્યોને અનુસરવાની, સમાન તક આપે છે.

·       સંસ્થાઓ/અગ્રણીઓએ સહનેતૃત્વનેને પ્રોત્સાહિત કરવું જોઈએ જેથી લોકોને તેમની ઔપચારીક રીતે સોંપાયેલ જવાબદારીઓથી આગળ વિચારવા માટે, અને પ્રક્રિયામાં મૂલ્યવૃદ્ધિ કરવા માટે, પ્રોત્સાહિત કરવા જોઈએ.

·       નીચેથી ઉપર તરફ પ્રસરતું નવપરિવર્તન સામાન્ય રીતે સંસ્થામાં તમામ સ્તરે લોકોના વ્યક્તિગત નેતૃત્વનું પરિણામ છે.

·       સહનેતૃત્વને પ્રોત્સાહન આપવા માટે એવી સશક્તિકરણની સંસ્કૃતિનું નિર્માણ કરવું મહત્વપૂર્ણ છે જ્યાં લોકો પ્રોજેક્ટ/સંસ્થાના વ્યાપક દ્રષ્ટિકોણને ધ્યાનમાં લઈને વિચારે અને વર્તે અને પોતાના નિર્ણયોને અમલમાં મૂકવા માટે સક્ષમ હોય છે.

સહનેતૃત્વ ટીમના સંદર્ભમાં થાય છે, અને વ્યક્તિગત સ્તરે વ્યક્તિગત નેતૃત્વ સાથે તેનો ખૂબ નજીકથી સંબંધ છે.

છેલ્લે આ બે મહત્ત્વના પ્રશ્નોનો જવાબ વિશે વિચારીએ:

·       જો તમે સંચાલક/અગ્રણી છો, તો જે ટીમમાં દરેક સભ્ય પ્રોજેક્ટના એક એક ભાગનું નેતૃત્વ કરે છે એ ટીમના સભ્યોમાં સહનેતૃત્વને કેવી રીતે પ્રોત્સાહિત કરી શકાય ?

·       એક પ્રોફેશનલ તરીકેતમારા કામને અલગ તરી આવે તે રીતે અને બીજાંને દાખલો બેસે તેવી રીતે શી રીતે સતત ઉપરની કક્ષાએ લઈ જતાં રહી શકાય?

સ્ત્રોત સંદર્ભ::Fostering Peer Leadership In a Team

અનુવાદકઃ અશોક વૈષ્ણવઅમદાવાદ