બુધવાર, 22 ફેબ્રુઆરી, 2017

નેતૃત્ત્વ અને પરંપરાગત માન્યતાઓ #૭# - ઝિયસ, લોભ અને પરિવર્તનગેરી મૉન્ટી
અતિ લોભ તે પાપનું મૂળ છે તે તો નિર્વિવાદ જ છે. તેટલું જ નિર્વિવાદ એ પણ છે કે અતિ લોભનાં પરિણામો પણ ઘણાં ખરાબ આવતાં હોય છે. સતત સફળતા અને મોટા ભાગે મનની શાંતિ માટે આપણા સંબંધોનું નેટવર્ક હંમેશાં વધતું રહેવું જોઈએ  તેમજ આપણને જરૂરી હોય તેવાં ભૌતિક સંસાધનો પણ સહેલાઈથી મેળવી શકીએ તેટલી સંપત્તિ પણ હોવી જોઈએ. આ જરૂરિયાત લોભનાં સ્તરે ક્યારે પણ પહોંચી ન જાય તેટલો સંયમ જાળવવો જરૂરી છે. લગભગ દરેક સંસ્કૃતિનાં પુરાણોમાં  જરૂરિયાતમાંથી લોભમાં રૂપાંતરની અને તેનાં પરિણામોની અનેક કથાઓ ભરી પડી છે. આજના અતિસંકુલ, અતિવેગથી થતાં પરિવર્તનમાંથી પરિણમતી અંધાધૂંધીવાળાં વ્યાપાર જગતમાં આ કથાઓના બોધપાઠ એટલા જ પ્રસ્તુત રહ્યા છે. પોતાના વ્યાપાર કેન્દ્રના વિકાસના, અને એ વિકાસ દ્વારા પોતાના પ્રભાવનાં વિશ્વ પર ઈજારો કરવાની હોડના, અનેક કિસ્સાઓ દરેક દેશમાં, દરેક સમયે, જૂદા જૂદા સંદર્ભોમાં, નોંધાતા જ રહે છે. જો કે આ બધી વાત આપણા મૂળ વિષય કરતાં થોડી પહેલાં કહેવાઈ જતી જણાય છે.આપણે પહેલાં એક, થોડી ભૂખરી, વાર્તાથી શરૂઆત કરીએ.
જે મળે તે બધું જ મારૂં
ગ્રીક પુરાણોના ટાઈટન ક્રૉનસને બધું જ જોઈતું હતું . એટલે તેણે તેના પિતા - ઑરોનોસ (યૂરેનસ/ આકાશ, સ્વર્ગ) -ના અંડકોષ કપાવી નાખી તેમને નપુંસક બનાવી દીધા. જો કે આ કાળું કામ કરતાં પહેલાં તેને ચેતાવણી મળી ચૂકી હતી કે તેનું જે જન્મવાનું છે તે બાળક જ તેને ઉથલાવશે.
બધું તેણે કબજે તો કરી લીધું પણ પેલી ચેતવણીનો કીડો તેનાં મનમાં સળવળ્યા કરતો હતો. ભય અને લોભમાં તે પોતાનાં બધાં સંતાનોને જન્મતાંવેંત  જ ગળી જતો હતો. આપણે ત્યાંની કૃષ્ણ-કંસ અને વાસુદેવદેવકીની કથાની જેમ જ આ ગ્રીક પુરાણ કથામાં પણ હળાહળ ખોટું થતું હોય ત્યાં એકાદી કોઈક રોક તો હોય જ. ક્રૉનસની પત્ની હ્રીઆ તેનાથી તેમનાં છઠ્ઠાં સંતાન ઝીઅસના જ્ન્મની વાત છૂપાવે છે અને જણાવે છે કે તેને પથરો જન્મ્યો છે.છેને લોભ સાવ આંધળો !
જૈસે થેનું ચક્ર અવળું ફરે છે
ઝીઅસનો ઉછેર ચોરીછુપીથી થાય છે. પોતાના પિતા ક્રૉનસ પર હુમલો કરી શકવા જેટલો મોટો થાય છે ત્યારે ઝીઅસ  ક્રૉનસના પેટમાં એટલાં જોરથી લાત મારે છે કે ક્રૉનસે ગળી ગયેલાં તેનાં બધાં ભાંડરૂ બહાર નીકળી પડે છે. એ ભાંડરૂઓ છે  - હેસ્તીઆ, હૅડસ, ડૅમીટર,પૉસાઈડન,  અને હીરા.
સારાં, ખરાબ અને દુષ્ટ બળો વિખરાઈ પડ્યાં
ઝીઅસનાં ભાંડરૂઓનો ઝીણવટથી અભ્યાસ કરીશું તો સમજાશે કે કોઈ પણ પરિવર્તનને પરિણામે, કેવાં કેવાં બળો અસર કરી શકે છે. ડેમીટર અઢળક પાકતા પાકની દેવી છે, હેસ્તીઆ ગૃહ્સ્થાશ્રમના આનંદની દેવી છે. હીરા લગ્ન, પ્રેમ અને ઉછેરની દેવી છે. આટલે સુધી તો હજૂ ઠીક છે.
ખરા જોખમકારક વાંધા પડવાના શરૂ થાય છે હૅડસથી. હૅડસ પાતાળનો દેવ છે જ્યાં અઢળક સંપત્તિ અને તેની સાથે જ વણાયેલું મોત ધરબાયેલાં પડ્યાં છે. (ગુન્હાખોરીનાં જગતને અંડરવર્લ્ડ નામ પણ ત્યાં સામાન્યતઃ સાથે સાથે જ જોવા મળતાં અમર્યાદ સંપત્તિ અને મોતને કારણે મળ્યું છે.) પૉસાઈડન દરિયાનો દેવ છે, એટલે (સમુદ્રમાંથી મળતા) ખોરાકની સાથે ભૂકંપો જેવી હોનારતો અને ઘોડાઓ (પરિવહન અને જોડાણ) પણ તેના પ્રભાવમાં છે. તેના આવાં અનોખાં પરાક્રમને કારણે ભાંડરૂઓમાં સૌથી નાનો હોવા છતાં ઝીઅસને અવિનાશનો દેવ માનવામાં આવે છે. ઘણાં સકરાત્મક પરિબળો તેને કારણે બહાર આવી શકવા છતાં પણ ઑલીમ્પસ પર્વતપર તેની બહુ મિત્રાચારી ન થતી કારણકે તેને જેની સાથે વાંધો પડે તેના પર તે વીજળીના પ્રહાર કરતો હતો.
પરંપરાગત માન્યતઓ અને વેપાર જગત
આપણી આસપાસનાં જગત પર પણ નજર કરતાં આ પ્રકારનાં દેવ દેવીઓ જેવાં લોકો અને સંજોગો જોવા મળશે. કોઈ પણ પરિવર્તન કરતાં પહેલાં તેમને અને તેમની અસરોને સમજવું ખૂબ જરૂરી છે. આપણી કોઠાસૂઝ સાથેની છએ છ ઈંન્દ્રિયોની મદદથી આગોતરા જાણકાર થવા વિષેનો અભ્યાસ  આપણને પરિવર્તનનાં પરિબળો સાથે તટસ્થ (સ્થિતપ્રજ્ઞ)ભાવથી કામ પાર પાડવા માટે સક્ષમ બનાવી શકે છે.
આ વાત ફરીથી કહેવી જરૂરી છે - કોઈ પણ પરિવર્તન કરતી વખતે આગોતરા જાણકારી કેળવવી બહુ જરૂરી છે.લોકો તો જેવાં હશે, હતાં અને છે, તેવાં જ રહેશે. તેમને એ રીતે સ્વીકારવાથી અને સમજવાથી આપણાં આયોજનની વ્યૂહરચનાના અમલમાં કેટકેટલા પ્રકારનાં જોખમો રહેલાં છે તેનો કયાસ મેળવી શકાય છે. આને કારણે જો ધારી સફળતા મળે તો તેનો મહત્તમ ફાયદો લઈ શકવાનું અને જો ધાર્યું ન થાય તો પોતાનાં આત્મસન્માન અને મૂલ્યોને ઓછામાં ઓછું નુકસાન થાય તેમ કરવાનું સંભવ બને છે.લાંબે ગાળે,આ અભ્યાસથી(સંખ્યામાં અને મૂલ્યમાં) નિષ્ફળતાઓ ઓછી નિષ્ફળ અને સફળતાઓ વધારે સફળ થવી શકય બનતી જશે.
રોજિંદાં કામોમાં ગળવા પડતા પથરા અને વીજળીના ઝાટકાઓના અનુભવો તમને પણ  થયા જ હશે. તેમના પર તમે વિજય કેમ મેળવ્યો એ અનુભવો અહીં બધાં સાથે વહેંચવાથી આગોતરા જાણકારીની સકારાત્મકતાનાં વાતવરણમાં આપણે અનેક ગણો ગુણાકાર કરી શકીશું.


  • અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ ફેબ્રુઆરી ૨૨, ૨૦૧૭

બુધવાર, 15 ફેબ્રુઆરી, 2017

ભાન અને ધ્યાનની માપણી - દેવદત્ત પટ્ટનાઈક§ દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, Measuring Awareness and Attention.નો અનુવાદ

બુધવાર, 8 ફેબ્રુઆરી, 2017

જયાં રબર માર્ગને મળે છેતન્મય  વોરા

જ્યારે ટાયર માર્ગને સ્પર્શે ત્યારે જ વાહન ગતિ પામે છે કે પછીથી ગતિમાંથી થંભી જઈ શકે છે. આમ આ મુહાવરો એવી પરિસ્થિતિ માટે વપરાય જ્યાં કોઈ અમૂર્ત વિચારને અમલ માટે મુકાય અને ખબર પડે કે એ વિચાર માર્ગ પર દોડશે કે નહીં.બીજા શબ્દોમાં કહીએ તો સફળતા હાંસલ કરવા માટેની વ્યૂહરચનાઓના વિચારોમાંથી બહાર આવીને, નક્કર નિર્ણયો લઈને, તેમને અમલ મુકવાની ઘડી.

તમારી સંસ્થાનાં અગ્રણી તરીકે, રબર ત્યારે માર્ગને મળે
૧. જ્યારે તમારી સંસ્થા તમારાં ગ્રાહક માટે ખરેખર મૂલ્યવાન અનુભવ સિધ્ધ કરતી રહે [માત્ર વાતોનાં વડાંથી ગ્રાહકને (થોડા સમય માટે) મંત્રમુગ્ધ ન કરે].
  જ્યારે અથાકપણે અમલ થતો રહે [માત્ર કાગળ પર ઉત્તમ વ્યૂહરચના ઘડીને બેસી ન રહે].
૩. જ્યારે મહત્ત્વની પ્રક્રિયાઓમાં અસરકારક અને લાંબા ગાળા સુધી ટકાઉ સુધારણાઓ કરાય [માત્ર નાના મોટા સુધારાઓ દસ્તાવેજ કરવા ખાતર ન કરાય].
૪. જ્યારે કોઈ કારણથી સખત નારાજ થયેલ કે ખુબ ગુસ્સે ભરાયેલ ગ્રાહક સાથે તેને સંતોષ થાય એ મુજબની વાત તમે ખુદ કરો [માત્ર ઈ-મેલના વ્યવહારોથી કામ ન ચલાવે].
૫. જ્યારે તમે પોતે પોતાનાં મૂલ્યો અને દર્શનનાં વાણી અને વિચારનો, દરેક પરિસ્થિતિમાં, વર્તનમાં અમલ કરો [માત્ર બીજાંઓએ અમલ કરવાનાં સૂચનો ન આપો કે કંપનીની વેબસાઈટ પર આકર્ષક દસ્તાવેજ મૂકીને બેસી ન રહો].
૬. જ્યારે તમારા ગ્રાહકના પ્રતિભાવનો ખરા અર્થમાં અમલ થાય [માહિતી એકઠી કરીને સરસ અહેવાલ બનાવીને બેસી ન રહેવાય].
૭. જ્યારે સંસ્થાનાં લોકો સાથે 'માણસ' તરીકેના વ્યવહાર થાય [સંસાધન કે અસ્કાયમતની સાથે કારાતો હોય એવો ભાવહીન યાંત્રિક વ્યવહાર નહીં].
૮. જ્યારે જે અને જેટલું 'કહેવાય' એટલું અથવા તેનાથી વધારે કરી બતાવાય [તેનાથી ઊંધું નહીં].
૯. જ્યારે સમસ્યાનું 'નિવારણ' કેન્દ્રમાં રખાતું હોય [ઘટના થઈ  ગયા પછી 'સુધારો' કરવાનો અભિગમ માત્ર કાર્યદક્ષતાનો માપદંડ ન હોય].
૧૦. જ્યારે સંસ્થાને લગતી દૂરગામી બાબતોના સંદર્ભમાં વર્તમાનના નિર્ણયો કરાય [માત્ર ભૂતકાળને નજરમાં લઇને વર્તમાનનાં સમાધાનો કરીને બેસી ન રહેવાય].
૧૧. જ્યારે  લોકોને તેમના પ્રતિભાવો યોગ્ય સમયે જણાવાતા હોય અને તેની અર્થપૂર્ણ ચર્ચા થતી હોય [ત્રિમાસિક મિટીંગમાં જ ઔપચારિક ચર્ચા ન કરાતી હોય].
૧૨. જ્યારે સમસ્યાના ઉપાયો શોધવામાં અગ્રેસર રહીને સકારાત્મક વાતાવરણ પેદા કરાતું હોય [નહીં કે દોષારોપણને કારણે નકારાત્મક વાતવરણ પેદા કરાતું હોય].
૧૩. જ્યારે વિચારો અને સંવાદોની આપલે ચપળતાપૂર્વક, સંસ્થાની માળખાંગત વ્યવસ્થામાં ગુંચવાયા વગર અને જવાબદેહીપૂર્વક થાય [નહીં કે તુમારશાહીના લાલ ફીતામાં કે ઉપરથી નીચેના એકતરફી સૂચનો વડે થતી હોય].
૧૪. જ્યારે સ્વીકારવામાં આવતું હોય કે ઉત્કૃષ્ટ કામગીરીમાં દરેક વ્યક્તિ પોતાની ભૂમિકા અનુસાર યોગદાન કરી શકે છે [નહીં કે માત્ર 'બહુ' આવડતવાળાં કેટલાંક જ લોકોથી જ સંસ્થા ચાલે છે તેમ મનાતું હોય].
૧૫. જ્યારે સામેની વ્યક્તિ કંઈ કહી રહી હોય ત્યારે તેને ખરા અર્થમાં, પૂરેપૂરી, સાભળવામાં આવે અને તે પછી જ તેના પર પ્રતિકિયા કરાતી હોય [નહીં કે 'હા..હુ" 'વિચારવાલાયક છે', 'સરસ વિચાર છે'જેવી ઉપરછલ્લી પ્રતિક્રિયાઓ જોવા મળતી હોય]


Ø  અનુવાદકઃ  અશોક વૈષ્ણવ, અમદાવાદ