શુક્રવાર, 2 નવેમ્બર, 2012

ભાવિ અગ્રપ્રબંધકને પત્ર - શ્રી રામ ચરણનાં ગૅરી વિલીગાની સાથેનાં પુસ્તક "વ્યવહાર -કૌશલ્યઃ કાર્યસિધ્ધ લોકોને બિનકાર્યસિધ્ધ લોકોથી અલગ તારવતાં ૮ કસબ"



જ્યારે અમે વ્યાવસાયિક શિક્ષણ મહાવિદ્યાલયમાં ભણતાં હતાં ત્યારે દુનિયા જૂદી હતી - [અમારી માન્યતા મુજબ] ક્લ્પ્યા ન હોય તેવા મુશ્કેલ પડકારોથી ભરેલી. જો કે દરેક પેઢીના અગ્રણીઓએ અલગ જ પડકારો ઝીલવા જ પડતા હોય છે. તમારી પેઢીએ ૨૧મી સદીની ખાસીયત કહી શકાય તેવી અવર્ણનીય આંટીઘૂંટીની સામે દુનિયાને સ્પષ્ટ દિશાસુચન કરાવવાનું રહે છે.
તમારી કારકીર્દીને ડગલે ને પગલે, તમારે ચકાચૌંધ કરી દેતાં પરીબળો અને વિચારધારાઓ સામનો કરવાનો રહેશે. તેમાંથી માર્ગ કાઢવા માટે તમને દરેક એક ગ્રામ મહત્વાકાંક્ષા અને મક્કમતાની જરૂર પડશે.પરંતુ માત્ર મહત્વકાંક્ષાથી જ સફળતા ટકી નહીં શકે. અંતે તો, તમારાં નેતૃત્વનું પોત જ મહત્વનું પરીબળ બની રહેશે. આજના યુગની પારદર્શીતામાં, તમારી વ્યવહાર કુશળતા કે વ્યક્તિગત લાક્ષણિકતાઓ કે ચારિત્ર્યની કોઇ પણ કમી તરત જ ઊઘાડી પડી જશે.
તમારા વિકાસ માટે તમને ઘણાં સંસાધનો કે મદદ મળી તો રહેશે જ, પરંતુ તમારૂં ભવિષ્ય કોઇના હાથમાં સોંપી ન દેશો. તમારા વિકાસની ધુરા, એક અગ્રણીને છાજે તેવી રીતે, તમારા હાથમાં રાખશો. મેં તમને સર્વસામાન્ય મહત્વના વ્યવહાર કૌશલ્યના ૮ કસબ સમજાવેલ છે. તે પૈકી, તમારે જે વિકસાવવા હોય તે એક બે કસબ પસંદ કરી તેનાપર કામ કરો, અને જેમ તમારી કાર્યદક્ષતા વધતી જાય તેમ તેમ તેને વધારે ને વધારે સૂક્ષ્મ-દ્રષ્ટિ અને સંસ્કૃત કરતા જાઓ અને બીજા વ્યવહાર કૌશલ્યના કસબ તમારાં ભાથાંમાં ઉમેરતા જાઓ. સમયાંતરે તમને ખ્યાલ આવી જાશે કે કયા કસબ તમને સ્વાભાવિક રીતે કોઠે પડતા જણાય છે. એ વ્યવહાર કૌશલ્યનો વધારે ઉપયોગ થાય તેવી પરિસ્થિતિઓ ખોળતા રહો અને તમારી જાતને ચકાસતા રહો.
એમ કહી શકાય કે સફળ વ્યાવસાયિક નેતૃત્વ અંતે તો તમારા અંતરાત્માના અવાજ, જે કોઇપણ વિશ્લેષણ તમને એક ચોક્કસ,કદાચ જૂદો જ,માર્ગ ચીંધે છે, તેના પર નિર્ભર છે. અંદરના એ અવાજને સાંભળવાની પ્રક્રિયા મહદ અંશે તો વિશુધ્ધ ગણાય, પરંતુ તેનો અર્થ એ નહીં કે તે તમારા અંકુશની બહાર છે. જેમ જેમ તમે તમારી વિચાર પ્રક્રિયાને સમજતા થશો અને જેમ જેમ તેના પર ચિંતન કરતા રહેશો, તેમ તેમ તમારાં અનુમાનો અને નિર્ણયો સુધરતા જશે.
દરેક નવી પરિસ્થિતિમાં તમારૂં સુષુપ્ત મન ભૂતકાળના અનુભવો સાથે શું બંધ બેસે છે અને શું નહીં તે સરખાવ્યા જ કરે છે, અને એ રીતે તમારી માનસિક વિચારકક્ષા સમયોચિત અદ્યતન થતી રહે છે અને વિકસતી રહે છે.
જો તમે તમારા અંદરના અવાજને ધ્યાનથી સાંભળતા રહેશો અને તમારા માનસીક ઢાંચામાં થતા ફેરફારોને સમજતા રહેશો, તો તમે ભૂલોનું પુનરાવર્તન થતું ઘટાડી શકશો, અને તમારી કાર્યપધ્ધતિ અને અનુભવને સાચા અર્થમાં પદાર્થપાઠમાં  ફેરવી નાખી શકશો. અનુભવ અને સાચી આંતરખોજનું સાયુજ્ય એ  મહત્વની કડી છે.
કોઇ પણ બે પરિસ્થિતિ ક્યારે પણ સરખી નહીં જ હોય. તમારે સભાનપણે દરેક પરિસ્થિતિના તફાવત ખોળી કાઢતાં રહેવું પડે. શું સરખું છે,શું અલગ છે અને શા માટે એ રીતે છે તેના પર વિચારણા કરતા રહો અને જ્યારે પણ નિર્ણય કરો, ત્યારે જે પરીબળોની તમારા ઉપર વધારે અસર થઇ અને જેણે તમને કોઇ એક ચોક્કસ દિશા વાળ્યા તેની નોંધ કરતા રહો. પછીથી જ્યારે તમે તમારા નિર્ણયનાં પરિણામો જોઇ શકો ત્યારે તમે કેટલા અંશે સાચા હતા તે ચકાસી જજો. તમે કયાં અનુમાનો કર્યાં હતાં? શા માટે તે અનુમાનો કર્યાં હતાં? તમારી માહિતિના સ્રોત કયા હતા અને તે સ્રોતોનાં ભૂતકાળનાં વૃતાંત કેવાં છે?
તમે બીજા લોકોના અનુભવોની મદદથી પણ તમારો વિકાસ ઝડપી કરી શકો. તમે માનસિક રીતે નવા વિચારો અને નવા લોકો માટે ખુલ્લા છો અને નવા પડકારો અને પરિસ્થિતિઓનો સામનો કરવા ઉત્સુક છો. આ અંગત લાક્ષણિકતાઓ તમને તમારા નિર્ણયોને સુધારવામાં, તેમ જ તમારા માનસિક ઢાંચા અને વર્તણૂંકને વધારે ઝડપથી સાનુકુળ થવામાં મદદ કરશે. મેં ઘણા એવા તેજસ્વી નવયુવાનોને જોયાં છે જેમના જિદ્દી અભિગમ અને અક્કડ વિચારસરણીએ તેમનાં કાર્યમૂલક શિક્ષણને ધીમું પાડી દીધું હોય. એમાંના કેટલાંક, વધારે પડતી આક્રમકતા વડે અને બીજાઓને પાડી દઇને, આગળ તો વધી જતાં હોય છે. પરંતુ તેમને ખબર નથી કે એ એક જીવતો ટાઇમ-બૉમ્બ છે.
વ્યવહાર કૌશલ્યનો ઉપયોગ કરતી વખતે તમે માનસિક અવરોધ માટે સતર્ક રહેજો. રોજબરોજની તાણને કારણે તમારાં સંવેદકો બુઠ્ઠાં થઇ જઇ શકે છે, તમારી વિચારસરણી અને વર્તણૂંક વિકૃત કરી નાખી શકે છે. કેટલાંક યુવાન અગ્રણીઓ વધારે પડતા આત્મવિશ્વાસુ અને આશાવાદી હોય છે. એટલે દરેક બાજૂએથી વિચાર્યા વગરના ઉતાવળા નિર્ણયો પણ તેઓ લઇ લેતાં હોય છે, તો વળી બીજાં કેટલાંક ખુદમાં વિશ્વાસ ન હોવાથી અથવા તો પ્રતિભાવના ડરથી પાછળ પડી જતાં હોય છે. ભૂલોથી ડરશો નહીં. માત્ર જ્યારે તે ભૂલોમાંથી કંઇ શીખો નહીં, ત્યારે ડરજો, અને તમારાં નવાં શીખતાં રહેવાને આડે સ્વબચાવને તો આવવા જ ન દેશો. જે અગ્રણીઓ સતત શીખતાં અને આગળ વધતાં રહે છે, તેઓ કંઇક ને કંઇક નથી જાણતાં એવું સ્વિકાર કરવા તૈયાર હોય છે.
જ્યારે હું એમ કહું છું તમારા વિકાસ માટે બીજાં ઉપર આધાર ન રાખશો, ત્યારે મારા કહેવાનો મતલબ એ નથી કે એ વિકાસ અંગે જે કંઇ કરવાનું છે તે તમારે એકલા એ જ કરવાનું છે. તમારાં વ્યવહાર કૌશલ્ય વિષે તમને પ્રતિઘોષ સ્વરૂપ અભિપ્રાય મળતા રહે તેવી વ્યવસ્થા ગોઠવી રાખો અને તમને ન્યાયપૂરઃસરના,પ્રમાણિક અને સમયસરના આગત અભિપ્રાય અને વિચાસરણી પૂરી પાડતાં રહે, તેમ જ કોઇ પણ માનસીક વિસંગતતાની તમને જાણ કરી શકે, તેવાં લોકોની સંગત રાખજો. સર્વોત્તમ થવું હોય તો ચેમ્પિયન ખેલાડીનો રિયાઝ માટે હોય છે એવો શિસ્તબધ્ધ અભિગમ રાખવો જોઇએ.
તમારા વિકાસમાટે બીજો મહત્વનો મુદ્દો એ છે કે એવી નોકરીઓ કે જવાબદારીઓ શોધતાં અને સ્વિકારતાં રહો જેમાં તમારૂં વ્યાવહારીક કૌશલ્ય થોડું તણાઇને વિસ્તરતું રહે. હું જેટલા સફળ અગ્રણીઓને ઓળખું છું તેઓ જૂદા જૂદા પ્રકારના સંજોગોમાં વિવિધ અનુભવોમાંથી પસાર થયા છે. કેટલાક એ પરિસ્થિતિઓમાં આકસ્મિકપણે આવી પડેલ હોય છે, તો ઘણાં એવા પણ છે, જેઓ એ બીજાં બધાં જ જે જવાબદારીઓ લેવાની ના પાડી ચૂક્યાં હોય તેવી જવાબદારીઓ સામે ચાલીને સ્વિકારીને વિવિધ અનુભવોનું ભાથું બાંધ્યું છે. એ બધા અનુભવો તેમનાં સુષુપ્ત માનસ અને લાગણીઓમાં જડાઇને વણાઇ ગયા છે અને તેમનાં માનસીક બંધારણને નવો આકાર આપતા રહ્યા છે. તેમના નિર્ણયોમાં એ અનુભવોની ઝલક દેખાતી રહે છે.
મારો ખાસ આગ્રહ છે કે તમને તમારાં વ્યવહાર કૌશલ્યની વિવિધ પરિસ્થિતિઓમાં પ્રયોગ કરવાની તક મળતી રહે એવા અનુભવોની તાકમાં રહેજો. તમારા કામકાજના લેખાંજોખાનું ટીપણું લાબું કરે એવી સવારે ૯ વાગ્યા થી સાંજે પાંચના ટકોરે દિવસ પૂરો કરતી કોઇ એક નોકરીમાં દસેક વર્ષથી લાંબું ચીપકી ન રહેજો. હંમેશ તમારી કસોટી થતી રહે, તમારૂં જ્ઞાન વધારે ઊંડું થતું રહે, તમારા નિર્ણયોનાં પરિણામો તમને જોવા મળે અને તમારી સહજ વૃત્તિઓને વધારે નિર્મળ કરી શકો, તેટલો સમય તમારી કોઇપણ નોકરી કે જવાબદારીમાટે પૂરતો છે.
એવા પણ સંજોગો આવશે જે તમને હતાશ પણ કરે, જ્યારે તમારી કદર ન થાય કે તમે રસ્તો ચાતરી જતા હો એવું પણ અનુભવાય. પરંતુ, આવા કપરા સંજોગો જ નવું નવું શીખવાડતા રહે છે.આવા ચકાચૌંધ અનુભવો પછીથી તમે તમારાં વ્યવસાય જગતને નવી દ્રષ્ટિથી જોવા લાગો તો નવાઇ ન પામશો.આપણે જાણીએ જ છીએ કે બાળપણ અને કિશોરાવસ્થા દરમ્યાન આપણે વિકાસના અવિરત ધોધમાં વહેતાં રહીએ છીએ. માનસીક વિકાસનું પણ એવું જ છે, જેમ કે કોઇ વિષયના કોઇ ખાસ મુદ્દાઓ ઓચિંતા ધ્યાન પર આવવા કે કોઇ માટે આપણી માન્યતા બંધાઇ જવી, વ્યવસાયને તેના સફળતાના માર્ગ ઉપર ચડાવવો કે પ્રાથમિકતાઓ ગોઠવાઇ જવી.કારણ કે આ બધાં પરિબળો એકબીજાં સાથે સંકળાયેલ છે, એનાં પરિણામે થતા સુધારા ઘાતાંકીય દરથી થવા લાગે છે. તેમ થવાથી ઑર મજા આવે છે અને વિકાસમાટે નવું જોમ પણ ચડે છે. આ રીતે કામ એ જીવનના આનંદનો સ્રોત બની રહે છે.
વધારે વિચાર કરતાં  મને હજૂ એક વાત ધ્યાન પર આવે છે. દરેક વ્યક્તિ પુર્નરૂથાન નેતા જેવી હોઇ ન શકે, જે દરેક ઋતુમાં કે રસ્તાના દરેક વળાંક પર એટલી જ હરફનમૌલા હોય. દરેક વ્યક્તિની અમુક પરિસ્થિતિની જાણકારી અને અંગત લાક્ષણિકતાઓ બીજા સંજોગો કરતાં વધારે પ્રબળ હોઇ શકે, દા.ત. જે વ્યક્તિ વ્યવસાય કે સંસ્થાની કાયાપલટ કરી, કથીરને કંચનમા ફેરવી નાખવાની પરિસ્થિતિઓ સારી રીતે હલ કરી શકે, તે કુદરતી વિકાસની તકો કે તેને લગતાં જોખમોને હલ કરવા માટે સક્ષમ ન પણ હોય. કઇ પરિસ્થિતિ તમને વધારે સારી રીતે અનુકુળ આવે છે તે અંગે તમારે પ્રમાણિકપણે વર્તવું અને વિચારવું જોઇએ. તેમ કરવાથી તમે તમારાં પ્રારબ્ધને વધારે ઉજ્જવળ બનાવી શકશો.
એ પણ ખાસ યાદ રહે કે કોઇ સફળતા અંતિમ નથી હોતી. ૨૧મી સદીમાં તો તમારો  અંગત વિકાસ એ સતત વહેતો પ્રવાહ છે. મારી તો તમને એ જ આગ્રહભરી વિનંતિ છે કે જાણે દુનિયાનું અસ્તિત્વ આ જ વાત પર ટકી રહ્યું છે તેમ જ વિચારતા અને માનતા રહો. અને આમ જૂઓ તો, છે પણ એવું જ ને! દેશના આર્થિક માપદંડો આર્થિક સિધ્ધાંતો કે શોધખોળો કે ટૅક્નૉલોજીથી નથી નક્કી થતા. જુદા જુદા વિષયોના નિષ્ણાતોનાં સામંજસ્ય વડે, ટેક્નૉલોજીમાટે નાણાકીય સંસાધનો ફાળવીને અને તેમને યથોચિત વપરાશમાં લઇને કે શોધખોળોના વાણિજ્યિક વપરાશ માટેનાં જોખમો ખેડીને નેતાઓ, ખાસ કરીને વ્યાવસાયિક અગ્રણીઓ, એ માપદંડોને ઘડે છે. તમારાં અંગત નેતૃત્વનાં ઘડતરને તમે આ પ્રક્રિયાનો હિસ્સો બનાવી શકો છો.
વ્યવસાયનાં વ્યવહાર કૌશલ્ય પર ધ્યાન કેન્દ્રીત કરો.તમારી અંગત લાક્ષણિકતાઓ અંગે સભાન થાઓ અને અવનવું શીખતાં રહો. તમારી સફળતાના માર્ગપર તમને આગળ ધપતાં જોવા હું આતુર છું.
-- રામ ચરણ
શ્રી રામ ચરણનાં ગૅરી વિલીગાની સાથેનાં પુસ્તક "વ્યવહાર -કૌશલ્યઃ કાર્યસિધ્ધ લોકોને બિનકાર્યસિધ્ધ લોકોથી અલગ તારવતાં ૮ કસબ"|Know-How”: The 8 Skills That Separate People Who Perform from Those Who Don’t by Ram Charan with Geri Williga ના સમાપન રૂપે લખાયેલ "ભાવિ અગ્રપ્રબંધકને પત્ર"| “A Letter to Future Chief Executive” નો સંક્ષિપ્ત અનુવાદ ||| Abridged Translation of “A Letter to Future Chief Executive” – from “Know-How”: The 8 Skills That Separate People Who Perform from Those Who Don’t by Ram Charan with Geri Williga

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો