શનિવાર, 22 ડિસેમ્બર, 2012

આપણી નેતૃત્વ ક્ષમતાને શી રીતે વિકસાવીશું - બ્રાયન ગૅસ્ટ

મારી નેતૃત્વ ક્ષમતા કેટલી છે? ૩૫ વર્ષની ઉંમરે હું અમેરિકાની સહુથી ઝડપથી વિકસી રહેલ ટૅલિકૉમ કંપનીનો મુખ્ય સંચાલક હતો. એક વિચારને મેં ૪૦૦ મીલીયન $નાં મૂલ્ય સુધી પહોંચાડેલ, કોઇને પણ કામ કરવાનું ગમે તેવી આ કંપનીમાં ૧૫૦૦થી વધારે લોકો કામ કરતાં હતાં અને કંપનીની  શેર બજારમાં પણ બોલબાલા હતી. 
પછી પરિસ્થિતિ બગડતી ગઇ. જેમ જેમ સ્પર્ધા વધતી ગઇ,તેમ તેમ મારી ટીમ સાથેની મારી ધીરજ ઘટતી ગઇ. મેં મુદ્દાની સમસ્યાઓને ટાળવાનું અને મારાં બૉર્ડથી અંતર રાખવાનું પણ શરૂ કરી દીધું હતું. મને ત્યારે તો અંદાજ  નહોતો કે મારા ધાર્યા કરતાં, મારી નેતૃત્વની ક્ષમતા ઘણી ઓછી હતી. જ્યારે મને હાંકી કાઢવામાં આવ્યો, ત્યારે જ મારી આંખો ખૂલી કે,મારી એમબીએની ડીગ્રી કે મારી નૈસર્ગિક આવડતના જોર પર તો મારી નેતૃત્વની અસરકારકતા ટકાવી નહીં શકાય. 
જ્યારે બધું બરાબર ચલી રહ્યું હોય, ત્યારે તો કોઇપણ શાંત રહી શકે અને પરિસ્થિતિનું અસરકારકપણે સંચાલન કરી શકે. પણ તમારાથી સાવ અલગ જ રીતે વિચારી રહેલ કોઇ વ્યક્તિ સાથે તમે શી રીતે કોઇ સંવાદ કરી શકો?  જ્યારે નફો ઘટતો જ રહેતો હોય ત્યારે, સાવ કંઇ જ સમજવા તૈયાર ન હોય એવા બૉસ સાથે કે સાવ બીનઉત્સાહી સાથીઓ સાથે કેમ કામ પાર પાડી શકાય?  આ પરિસ્થિતિઓમાં જ તમારી નેતૃત્વની ક્ષમતાની ખરી કસોટી છે. શું તમારામાં તમે ધારેલ કક્ષાએ પહોચવા જેટલી ક્ષમતા છે ખરી?
કોઇ પણ વ્યક્તિની અલગ અલગ પરિસ્થિતિઓ અને સંજોગોને અસ્રકારક રીતે પાર પાડી શકાવાની કાબેલિયત એ તેની નેતૄત્વની ક્ષમતાનું માપ છે. યોગ્ય સમયે તમારી જેટલી વધારે  યોગ્ય વર્તણૂંક, તેટલી વધારે તમારી નેતૃત્વની ક્ષમતા.
સંચાલકનો વિકાસ અને ચતુર્થાંશ મૉડૅલ/ the Quadrant Model
આપણી નેતૃત્વ ક્ષમતાને ચકાસવા માટે આ ચાર ચતુર્થાંશનાં એક મૉડૅલને જોઇએ. પહેલાં આ ચારે ય ચતુર્થાંશને સમજીએઃ
વર્તનઃ: આ ચતુર્થાંશમાં આપણી કામ પાર પાડવાની,નક્કર હકીકતોની સાથે કામ કરવાની, સીમાઓનો અમલ કરાવડાવી શકવાની અને કરારો કરવાની અને પળાવવાની આવડત રહેલી છે.
વિચારઃ આ ચર્તુથાંશમાં વિશ્લેષણ કરવાની,  હેતુલક્ષીતા જાળવી રાખવાની, વલણ પારખી શકવાની અને વિકલ્પો તેમ જ સંભાવનાઓ પર વિચાર કરી શકવાની આવડત રહેલી છે.
લાગણી: અહીં આપણે ભાવનાત્મક બુધ્ધિમત્તા,અન્ય સાથે સંકળાઇ શકવાની આવડત,સહાનુભુતિ, લાગણીની પરિપક્વ અભિવ્યક્તિ અને આપણી જીદગીપર સંબંધોની અસરની સમજને જોઇ શકીશું.   
અસ્તિત્વ:  આ ચતુર્થાંશને આપણે, આપણી કાર્યવાહક ઉપસ્થિતિ, રૂમમાં આપણી હાજરી થતાં જ અનુભવાતી એક અદ્ર્શ્ય ગૂઢ અસરનું રહેઠાણ કહી શકીએ. અહીંથી જ આપણે આપણી લાંબા ગાળાની દ્ર્ષ્ટિને ખુલ્લી મૂકીએ છીએ, જેના વડે આપણે બૃહદ્‍ ચિત્રને આપણી નજરમાં સમાવીએ છીએ, આપણને શું જોઇએ છે તે સ્પષ્ટ કરી શકીએ છીએ, વિરોધાભાસો અને વિસંગતતાઓ પારખી શકીએ છીએ અને કૃતજ્ઞતા તેમજ પ્રશંસાને વ્યક્ત કરી શકીએ છીએ.
દરેક ચતુર્થાંશમાં એક પક્વ/સબળ બાજુ  અને થોડી "આળી /છાયાયુક્ત" બાજુ જોવા મળે છે.  છાયાયુક્ત બાજુ એ ચતુર્થાંશની  લાક્ષણિકતાઓના, ક્યાં તો બહુ વધારે પડતા, અથવા તો બહુ જ ઓછા, પ્રભાવનું પ્રતિબીંબ કહી શકાય.દા.ત. વધારે પડતી વૈચારિક ઉર્જા વિશ્લેષણ પક્ષાઘાતમાં કે ચાલાકીપૂર્ણ કૌશલ્યમાં પરિણમી શકે. બહુ જ ઓછી લાગણી દર્શાવતી ચતુર્થાંશ ક્ષમતા આપણને મુઢ કે નિસ્પૃહ કે વિરક્ત બનાવી દઇ શકે.
આપણી સફળતા જ આપણી પડતીને નોતરી શકે છે
સફળ અગ્રણીઓને બહુ મહત્વની ભૂમિકાઓ ભજવવા મળે છે, કારણ કે તેમના કામગીરી (મહેનતુ અને જોશીલાં) અને વૈચારિક શક્તિ (ઉંચો બુધ્ધિમત્તા આંક અને કુશાગ્ર રાજનૈતિક સહજવૃત્તિ) ચતુર્થાંશો પ્રબળ હોય છે. આ જ કારણોસર મોટા ભાગનાં અગ્રણીઓ તેમની કારકીર્દીના પાછલા ભાગમાં લથડી પડતાં જોવા મળે છે.ક્યાં તો તેઓ આ બન્ને ચતુર્થાંશનો બહુ વધારે પડતો ઉપયોગ કરી નાખે છે કે પછીથી તેમની ઉપસ્થિતિના કે ભાવનાત્મક પરિપક્વતાના કે આંતરવ્યક્તિત્વ કૌશલ્યના વિકાસને અવગણી નાખે છે.
સંભાવનાઓને સિધ્ધ કરી શકવામાં જે બીજી મર્યાદા નડે છે તે છે,  સંજોગો પ્રમાણે અલગ કૌશલ્ય કે અલગ વ્યક્તિત્વને વિકસાવવામાટે, એક ચતુર્થાંશમાંથી બીજાં ચતુર્થાંશ તરફ ગતિશીલ ન રહી શકવું. મારી દ્રષ્ટિએ આ સ્થિતિનું ઉદાહારણ એ પરિસ્થિતિ કહી શકાય જાય, જ્યારે અગ્રણી એમ માનતાં હોય કે તેમની ટીમે હજુ વધારે મહેનત કરવાની જરૂર છે અને ટીમને એ જ સમયે ખરા ટેકા, પ્રેરણા અને દૂરંદેશીપૂર્વકની દોરવણીની જરૂર અનુભવાતી હોય.
એક કે બે ચતુર્થાંશમાં પ્રબળ અગ્રણીઓ સમગ્રત્યા નેતૃત્વ ક્ષમતામાં ઉણાં તો પડે જ છે, પરતું તેઓ અંગત પરિપુર્ણતામાં પણ ઉતરતાં પડતાં જોવા મળે છે.તેઓમાં  નિશ્ચયાત્મક સમર્થન ક્ષમતાનો કે  તેમનાં કાર્યક્ષેત્રની સીમાઓને આંકવામાટે જરૂરી આત્મવિશ્વાસનો, થોડાઘણા અંશે, અભાવ જોવા મળે છે. એટલે કે, ઘરના પંથે રહેલો અસંતોષ કામ પર અને કામમાં રહેલો અસંતોષ ઘરપર અસર કરતો જોઇ શકાય.
તમારી જાતને ઓળખવા માટે, તમારી આસપાસના પરપોટાને ઓળખો
મારાં નવાં પ્રકાશીત થનાર પુસ્તક 'વધારે ઇચ્છવાનો વ્યવસાય - શા માટે કેટલાક સંચાલકોને સફળતામાંથી પરિપૂર્ણતા મળે છે, અને કેટલાકને નહીં'/The Business of Wanting More: Why Some Executives Move from Success to Fulfilment… and Others Don’tમાં મેં આ ચાર ચતુર્થાંશો અને તેમાંની છાયાઓને વાત કરી છે. પુસ્તકમાં આપણે એ છાયાઓ સાથે શી રીતે પેશ આવીએ છીએ તે વિષે પણ વાત કરી છે. આપણે એક એવા પરપોટામાં આવરાઇ ગયા છીએ જે આપણા, આપણાં જ પ્રત્યેના તેમ જ આસપાસની દુનિયા પ્રત્યેના, દ્રષ્ટિકોણને વિકૃત કરી નાખે છે. એ પરપોટો આપણને મર્યાદીત કરતી માન્યતાઓથી ભરેલ છે. આપણા સંચાલક તરીકેના વિકાસમાટે એ પરપોટાને અને તેના વડે સરજાતાં અજ્ઞાત ક્ષેત્રોને સમજવું, તેમજ આપણી વર્તણૂકને દોરતી માન્યતાઓને તપાસી જવું જરૂરી બની રહે છે.
નેત્રૃત્વ ક્ષમતા શી રીતે વધારીશું
નેતૃત્વ ક્ષમતા વધારવાની દિશામાં પહેલું કદમ છે - ચતુર્થાંશ મૉડૅલના નકશામાં આપણાં સ્થાનનો ક્યાસ કાઢવો.કયાં ચતુર્થાશમાં આપણે પ્રબળ અને સંતુલિત છીએ? આપણાં છાયાન્વિત વર્તનો કયાં છે?  આપણે સંઘર્ષ ટાળીએ છીએ? દેખાડો? જો ચોક્કસપણે અંદાજ ન હોય, તો જે સાચું કહી શકે એવી આપણને ઓળખતી વ્યક્તિને તે અંગે પૂછવું જ રહ્યું. આપણો સવાલ એ હોવો જોઇએ કે "આ ચાર ક્ષેત્રમાંથી મારાં વ્યક્તિત્વની એવી કઇ અજ્ઞાત બાજુ છે,જે ભલે વારંવાર નજરે ન પડતી હોય  તો પણ,મારાં નેતૃત્વની અસરકારકતાને અવરોધતી દેખાતી હોય?"   
અને તે પછીનું કદમ છે - ચારે ચાર ચતુર્થાંશમાં માહેર અગ્રણી થવા માટેની લાંબાગાળાની દ્રષ્ટિ કેળવવી. તે દીર્ઘદ્ર્શ્યમાં દેખાતાં ચિત્રને, ચોક્કસપણે લખી લઇને સ્પષ્ટતા લાવી દેવી, અને પછી આપણે અત્યારે જ્યાં છીએ ત્યાંથી નિશ્ચિત સ્થાન પર પહોંચવા માટેના માર્ગને પણ આલેખી લેવો. મેં એ જોયું છે કે જે અગ્રણીઓ આ પ્રકારનું આયોજન કરતાં હોય છે તેઓનું આ બાબતે, સહયોગીઓ અને માર્ગદર્શકોનું એક એવું, આગવું ટેકેદાર વર્તુળ ઊભું થઇ જતું હોય છે,જે કાયમ તેમને આગળ વધતા રહેવા માટે સતર્ક રાખે. 
સાથે સાથે, આ સમયે  આપણી સંચાલન ક્ષમતા પણ  વિકસાવવાની  દિશામાં પણ પ્રયત્નો કરતાં રહેવું જોઇએ.આમ કરવાથી કારકીર્દી અને વ્યવસાયમાં ફાયદો તો થશે જ, પણ સાથે સાથે આપણા અન્ય લોકો સાથેના સંબંધોમાં, અને આપણી પરિપૂર્ણતાની અનુભૂતિમાં, પણ સુધારો જોવા મળશે.
*       શ્રી ડૅન મૅક્કાર્થીના બ્લૉગ ગ્રેટ લીડરશીપ પર બ્રાયન ગૅસ્ટનો ડીસેમ્બર ૧૩,૨૦૧૨ના રોજ પ્રકાશીત થયેલ લેખ
બ્રાયન ગૅસ્ટ એક સમયના તેજતર્રાર એમબીએ અને ઝડપથી ઉપર જતાં રહેતાં ચકડોળની ઝડપે વિસેલી ત્રણ ટૅલીકૉમ કંપનીઓના ભૂતપૂર્વ મુખ્ય સંચાલક છે.પોતાની નીજી કરોડોની મિલ્કત હોવા છતાં તેમને કંઇક ખૂટતું જણાતું રહેતું હતું - "મારી આટઆટલી સફળતા છતાં, મને કેમ અધૂરાશ જ લાગ્યા કરે છે? શામાટે મને હજૂ કંઇક વધારે જોઇએ તેવું લાગ્યા જ કરે છે?" જ્યારે તેમણે તેમની મિલ્કત,  વેપાર, સામાજિક મોભો જેવી સફળતાની બધીજ નિશાનીઓ ગુમાવી નાખી, ત્યારે તેમને સમજાયું કે તમારી સફળતા જ તમારી પડતીનું મુખ્ય કારણ પણ બની શકે છે.
૨૦૦૧માં તેમને પોતાની સચાલન અનુશિક્ષણ સંસ્થા, Quadrant Corp., સ્થાપી. તેના વિકાસ ની સાથે સાથે, આજે તેઓ એક ખ્યાતનામ અનુશીક્ષક અને માર્ગદર્શક તો છે , સાથે સાથે તેમણે વિકસાવેલ  Q7 પ્રક્રિયા એ તેમનાં યોગદાનને એક અલગ જ સ્થાન બક્ષ્યું છે. તેમની આ નીજી કહાની અને  પ્રક્રિયા વિષે તેમણે તેમનાં તાજેતરમાં પ્રકાશીત થઇ રહેલાં પુસ્તક - શા માટે કેટલાક સંચાલકોને સફળતામાંથી પરિપૂર્ણતા મળે છે, અને કેટલાકને નહીં'/The Business of Wanting More: Why Some Executives Move from Success to Fulfilment… and Others Don’t  -માં વિગતે વાત કરી છે.
 Q7 પ્રક્રિયાની વિશિષ્ઠતા એ છે કે તે આંતરીક કામગીરીને બાહ્ય વાસ્તવિકતાઓસાથે જોડતા તંતુની ભૂમિકા ભજવે છે, અને સાથે સાથે આપણને મર્યાદીત કરતા રહેતી માન્યતાઓ અને વિકૃત દ્ર્ષ્ટિકોણના પરપોટાને પણ તે તોડી આપે છે.
§  અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ ડીસેમ્બર ૨૨,૨૦૧૨ ǁ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો