ગુરુવાર, 7 ફેબ્રુઆરી, 2013

રાજેશ સેટ્ટી કૃત શ્રેણી -‘વિશિષ્ઠ બનીએ’ - સંપુટ પહેલો - ગુચ્છ ૧૦

#46 જો જો વાંદરાં ભાળી ન જાય
|૨૧ ઑક્ટૉબર, ૨૦૦૫ના રોજ પ્રકાશીત થયેલ
હાસ્તો,શાબ્દિક અર્થમાં નહીં! એચબીઆર\HBR માં વિલિયમ ઑન્કૅન, જુનીયર અને ડૉનલ્ડ એલ. વાસ, બે લેખકોએ એક લેખ લખ્યો હતો, વાંદરૂં કોના ખોળામાં છે?\Who’s Got the Monkey.  મજાની વાત એ છે કે આજે ત્રીસ વર્ષ પછી પણ એ લેખ એટલો જ પ્રસ્તુત છે.
એવું નથી કે વાંદરાંના ખેલનું વ્યવસ્થાપન માત્ર સંચાલકોને માટે જ મહત્વનું છે, એમાંથી આપણે પણ કોઇ ને કોઇ તો પદાર્થપાઠ શીખવા જોઇએ. જેમ કેઃ
વાંદરાં વ્યવસ્થાપન એ ઉપરવાળાંઓને ખો દેવાની કળા છે. જ્યારે કોઇ સહકર્મચારી આપણી પાસે કોઇ વણઉકાયેલ સમસ્યા લઇને આવે છે, ત્યારે તેની પાસે બે વિકલ્પ હોય છે - ક્યાં તો મદદ માગવી કે પછી સમસ્યા તમને વળગાડી દેવી. બીજો વિકલ્પ એટલે ઉપરવાળાંને ખો દેવાની રમતનો ઉત્કૃષ્ટ નમુનો. સહકર્મચારી પાસેથી વણઉકાયેલ સમસ્યાનું આપણે માથે લઇ લેવું એટલે શાબ્દિક અર્થમાં એ કર્મચારી પાસેથી ખો સ્વીકારવો. અને જ્યારે એકથી વધારે સહકર્મચારીઓની સાથે 'ખેલ' મંડાય, ત્યારે એકથી વધારે દાવ ભરવાનું પણ આવી પડી શકે છે.આને કારણે આપણે તો બીનજરૂરી દબાણમાં આવી જઇએ જ, પણ તે સહકર્મચારીનો વિકાસ પણ રૂંધાય છે.
હું આ લેખમાં આખી યાદી નહીં લખું, પણ, એ લેખકોના કહેવા મુજબનો આ છે વાંદરાં વ્યવસ્થાપનનો મૂળભૂત નિયમઃ
તમને મદદ કરતી વખતે, તમારી સમસ્યા એ મારી સમસ્યા ન બની રહેવી જોઇએ. જેવી તમારી સમસ્યા મારી સમસ્યા બની જાય, એટલે તમારી પાસે તો કોઇ સમસ્યા જ ન રહી.  અને જેની પાસે કોઇ સમસ્યા જ ન હોય, તેને પછી આપણે કંઇ મદદ પણ કરવાની ન રહે. હા, આપણે નક્કી કરેલ સમયે, મદદ માગવામાં આવે, તો આપણે સાથે મળીને નક્કી કરીશું કે હવે પછી શું કરવું અને તે કોણ કરશે.
એક ઝટપટ સવાલઃ આજે તમે કેટલા ખો સ્વીકાર્યા?
આનંદો...!!!

| ૨૨ ઑક્ટૉબર, ૨૦૦૫ના રોજ પ્રકાશીત થયેલ
આપણાં જીવન અને વ્યવસાયમાં માની ન શકાય તેટલી ગેરવ્યવસ્થા કે ધાંધલધમાલ જોવા મળતી હોય છે.
ઉદ્યોગ-સાહસિકો આ વાત જાણતાં હોય છે - તેઓ કોઇ પણ અટપટી સમસ્યાને સરળ રીતે હલ કરવાના ઉપાયો રજૂ કરતાં રહે છે.આપણે હંમેશ જોયું છે કે જેણે પણ જીવનને સરળ કરવામાં યોગદાન આપેલું છે, તેને તેનું વળતર પણ મળી જ રહ્યું છે. દરેક નોંધપાત્ર શોધ કે નવપરિવર્તને માનવ જીવનને સરળ બનાવ્યું છે.
કેટલાંક મૂળભૂત ઉદાહરણો જોઇએઃ
સ્વયંસંચાલીત વાહનો - લોકોમાટે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું સરળ કરી આપ્યું.
ટૅલીફૉન - લોકોમાટે લાંબાં અંતરના સંદેશ વ્યવહારને સરળ કરી આપ્યો.
ફૅક્ષ મશીન - લોકોમાટે એક સ્થળેથી બીજાં સ્થળે દસ્તાવેજની હેરફેર સરળ કરી આપી.
આ તો થયાં રોજબરોજનાં ઉદાહરણો. કંપનીઓની બાબતે પણ, આપણે આવું જ જોઇ શકીએ છીએ.
ગુગલ - વૅબ જગતમાંની શોધખોળ સરળ કરી આપી.
બૅ - લોકોને લે-વેચના (લીલામ) વ્યવહારો સરળ કરી આપ્યા.
ઍમૅઝૉન - લોકોને પુસ્તકોની (અરે, ભૂલ્યો, લગભગ બધાંની જ) ખરીદી સરળ કરી આપી.
આપણી જાતને પુછવાના સવાલો:
* આપણી કંપનીમાંની હાલની ભૂમિકામાં, આપણે શું સરળ કરી રહ્યાં છીએ?
* અન્ય લોકો સાથેના સંબંધોમાં, આપણે શું સરળ કરી રહ્યાં છીએ?
* ગયે વર્ષે આ જ સમયે, બધું વધારે સરળ હતું કે અટપટું હતું? આવતે વર્ષે શું પરિસ્થિતિ હશે?
આ વિષય પર ઘણું સાહિત્ય ઉપલબ્ધ છે, જે પૈકી, બીલ જેન્સનનું પુસ્તક, "સાદગી\Simplicity", મારી દ્ર્ષ્ટિએ શ્રેષ્ઠ છે. 

| ૨૨ ઑક્ટૉબર, ૨૦૦૫ના રોજ પ્રકાશીત થયેલ
મોટા ભાગનાં લોકો આલોચનાને પચાવી નથી શકતાં. આપણ જો કોઇની જરા સરખી પણ આલોચના કરીશું, તો તે વ્યક્તિ પાસેથી, સામાન્યપણે, આ પ્રકારના પ્રત્યાઘાત મળશેઃ
* જોરદાર બચાવ અને આપણે તેમની અકારણ આલોચના કરી રહ્યાં છીએ
* આપણે લાગતા વળતા હોય કે ન હોય તેવા દોષને લઇને, આક્રમણ
* અવગણના અને બેપરવાહી
* આલોચના કરવાની કે પ્રશ્ન કરવાની આપણી સતા/ક્ષમતાને પડકારવી
જો આમ સતત થતું રહે, તો શક્ય છે કે આપણે તે વ્યક્તિની આલોચના કરવાનું જ છોડી દઇએ. એવું પણ બને કે આપણે તે વ્યક્તિને મહત્વ આપવાનું બંધ કરી દઇએ. બીજા શબ્દોમાં  કહીએ તો, આપણે તે વ્યક્તિને આપણાં જીવનમાંથી, એક 'બીનમહત્વની ચીજ' તરીકે માંડવાળ કરી દઇએ. જ્યારે કોઇ આપણી આલોચના કરતું હોય, ત્યારે પણ આવું જ બની શકે છે.
"આલોચના સાથે સલૂકાઇ રાખીએ" એમ કહેવું સહેલું છે, પણ તેમ કરવું અધરૂં છે.
હવે પછી જ્યારે કોઇ આપણી કોઇ પણ બાબતે આલોચના કરે ત્યારે, તે વ્યક્તિને બદલે, તે આલોચનામાં રહેલા સંદેશને સમજીએ. એમ પણ બને કે, તેને કારણે આપણો દ્રષ્ટિકોણ બદલાઇ જાય.

| ૨૨ ઑક્ટૉબર, ૨૦૦૫ના રોજ પ્રકાશીત થયેલ
ઘણાં કારણોસર લોકો પોતા તરફ ધ્યાન ખેંચવા મથતાં રહેતાં હોય છે. જેમાં સહુથી વપરાતી (અને જરા પણ ઇચ્છનીય નહીં) એવી રીત છે સતત ફરિયાદ કરતાં રહેવું કે  કરાંજ્યાં કરવું.
તમને કોઇ ફરિયાદખોર કે કરાંજખોર વ્યક્તિ પસંદ પડી હોય એવું યાદ છે ખરૂં? મને ખાત્રી જ છે કે તમારો જવાબ "ના" જ હશે.
સામાન્ય રીતે લોકો જ્યારે ફરિયાદ કરતાં હોય છે ત્યારે તે સમસ્યાનું સમાધાન કરવાનું તેઓ સામેવાળાં પર નાંખી દેતાં હોય છે.તેમની દ્રષ્ટિએ તેઓ પોતે તો સદા સાચાં, ન્યાયી,વહેવારૂ અને બીજાંની લાગણીઓમાટે કદરદાન જ હોય છે, જરૂર હોય છે બીજાં બધાંએ સુધરવાની. મારો કહેવાનો આશય એમ નથી કે આપણે કદી પણ , કોઇ પણ , ફરિયાદ કરવી જ નહીં. પણ ફરિયાદની પાછળનું એક માત્ર કારણ જો આસપાસના (મિત્રો, સહકર્મચારીઓ) લોકોનું ધ્યાન આકર્ષવાનું હોય, તો ખરેખર, ગંભીરપણે, કંઇક ખોટું તો છે. તો, પોતા તરફ ધ્યાન આકર્ષવામાટે ના બીજા રસ્તા કયા છે? 
આપણે બધાં જ જાણીએ છીએ કે માત્ર આપણું કામ કર્યે રાખવાથી, પોતા તરફ ધ્યાન ખેંચવું અઘરૂં છે, કારણ કે આપણી આસપાસનાં બધાં જ પોતાનું કામ તો કરતાં જ હોય છે.એટલે સ્વાભાવિક છે કે પોતાની ફરજથી વિશેષ જે કંઈ કામ કોઇ કરે, તેના તરફ જ લોકોનું ધ્યાન ખેંચાય. જો કે આ રીતે આકર્ષીત કરાયેલું ધ્યાન અલ્પજીવી પણ પરવડી શકે, કારણકે 'ફરજપરસ્તીથી કંઇક વધારે' એમ થવું એ નિયમ  નહીં પણ નિયમનો અપવાદ છે, તેમ માનવામાં આવતું હોય છે. હા, આસપાસનાં લોકોની અપેક્ષાઓથી, આપણી કામગીરી, જો સતત વધારે રહે, તો ચિત્ર બદલાઇ જાય ખરૂં. આવું થાય ત્યારે આપણે 'વિશિષ્ઠ' કે 'ખાસ' બની રહીએ તેમ બને ખરૂં.
ટોળામાંથી અલગ જ તરી આવીએ એવી, સાતત્યસભર, રીતથી જ ધ્યાનાકર્ષક બનીએ.

| ૨૩ ઑક્ટૉબર, ૨૦૦૫ના રોજ પ્રકાશીત થયેલ
કલ્પનાશક્તિ, જ્ઞાનથી પણ વધારે, મહત્વની છે.” - ઍલ્બર્ટ ઐનસ્ટૈન
પોતાનાં પુસ્તક "સહુથી અસરકારક લોકોની ૭ ટેવો\7 Habits of Highly Effective People માં સ્ટીફન કૉવી કહે છે કે દરેક વસ્તુ બે વખત બનતી હોય છે - એક વાર આપણી કલ્પનામાં અને બીજી વાર વાસ્તવિકતામાં.
કલ્પના કરવા કરતાં અનુસરવું સહેલું છે. પણ જે કંઇ સહેલું છે તે આપણને 'વિશિષ્ઠ' બનવામાં મદદરૂપ નથી થવાનું. અત્યારે જે કંઇ બની રહ્યું છે તે વિષે ફરીયાદ કરનારાં બહુ મળી રહેશે, પણ સારી પરિસ્થિતિ "કેવી હોવી જોઇએ" તેની કલ્પના કરનાર બહુ થોડાં મળી આવશે.
સંસ્થામાં જેટલું સ્થાન આપણું ઉંચું,તેટલી વધારે આપણે (ભાવિ શક્યતાઓ વિષે) કલ્પના કરવી પડે. અને તેથી જ, જો સંસ્થામાં ઉંચ્ચ સ્થાને પહોંચવું હોય, તો અત્યારથી જ કલ્પના કરવાનું શરૂ કરી દો!
પોતાને કરવા માટેના સવાલો:
* છેલ્લા ૯૦ દિવસમાં, આપણે કોઇ નવી કે અર્થસભર વાત કલ્પી છે ખરી?
* છેલ્લા ૯૦ દિવસમાં, આપણે આપણાં જીવન વિષે કોઇ નવી કે અર્થસભર વાત કલ્પી છે ખરી?

શ્રી રાજેશ સેટ્ટી દ્વારા મૂળ અંગ્રેજીમાં લખાયેલ શ્રેણી - Distinguish yourself’ -ના લેખોનો ગુજરાતીમાં રસાસ્વાદ- ગુચ્છ ૧૦  // અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ ફેબ્રુઆરી,, ૨૦૧૩

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો