શુક્રવાર, 5 સપ્ટેમ્બર, 2014

વિજ્ઞાન અને ટેક્નોલોજીની પ્રશંસામાં…પાછળ નજર કરતાં - કાર્લ સેગન ǁ ભાગ–૧ ||



કાર્લ ઍડવર્ડ સેગન (નવેમ્બર ૯, ૧૯૩૪ - ડિસેમ્બર ૨૦, ૧૯૯૬) અમેરિકાના પ્રખ્યાત ખગોળશાસ્ત્રી, ખગોળભૌતિકશાસ્ત્રી, અંતરિક્ષવિજ્ઞાની, લોકપ્રિય વિજ્ઞાન લેખક અને વિજ્ઞાનપ્રસારક હતા. એમણે ખગોળશાસ્ત્ર અને પ્રાકૃતિક વિજ્ઞાનોના જ્ઞાનનો ઘણો ફેલાવો કર્યો. શુક્રના ગ્રહની સપાટીનું ઉષ્ણતામાન નક્કી કરવામાં એમના વિચારોની ભૂમિકા બહુ મહત્ત્વની રહી. પરંતુ, સેગન વધારે તો, એમણે પૃથ્વીની બહાર જીવન વિશેનાં સંશોધનોમાં આપેલા ફાળાને કારણે જાણીતા થયા. એમણે વિકિરણ દ્વારા મૂળભૂત રસાયણોમાંથી ઍમાઇનો ઍસિડ્ઝ બનાવી દેખાડ્યા તે એમની ખ્યાતિનું બીજું મહત્ત્વનું કારણ છે. અંતરિક્ષમાં મોકલાયેલા પહેલા સંદેશા Pioneer plaque અને Voyager Golden Record, પણ એમણે જ તૈયાર કર્યા. આ સંદેશા એવા છે કે બ્રહ્માંડમાં બીજે ક્યાંય વિકસિત જીવન હોય અને એમને મળે તો એ ‘લોકો’ સમજી શકે.



સેગને ૬૦૦ કરતાં વધારે વૈજ્ઞાનિક અભ્યાસપત્રો પ્રકાશિત કર્યાં અને ૨૦ કરતાં વધારે પુસ્તકો, પોતે, અથવા બીજા સાથે મળીને લખ્યાં છે. આમાંથી The Dragons of Eden, Broca's Brain and Pale Blue Dot ખાસ પ્રસિદ્ધિ પામ્યાં છે.૧૯૮૦માં એમણે Cosmos: A Personal Voyage નામની ટેલીવિઝન સીરિયલ બનાવી, એની કથા એમણે પોતે જ લખી અને કથાવાચક તરીકે રજૂઆત પણ એમણે જ કરી. દુનિયાના ૬૦ દેશોના ૫૦ કરોડ નાગરિકોએ આ સીરિયલ જોઈ છે, જે અમેરિકન ટેલીવિઝન ઇંડસ્ટ્રીનો એક વિક્રમ છે. આ સીરિયલની સાથે જ એમનું Cosmos પુસ્તક પણ બહાર પડ્યું. એમણે વિજ્ઞાન આધારિત નવલકથા Contact પણ લખી છે, જેના પરથી ૧૯૯૭માં એ જ નામની ફિલ્મ પણ બની.

અમેરિકાની લાયબ્રેરી ઑફ કોંગ્રેસે તેનાં જાહેર આર્કાઇવ્સપર કાર્લ સેગનને લગતું સાહિત્ય "The Seth MacFarlane collection of the Carl Sagan and Ann Druyan archive, 1860-2004" શીર્ષક હેઠળ મૂકેલ છે.
૦-૦-૦-૦-૦
clip_image001[4]

૧૯મી સદીના મધ્ય ભાગમાં ભૌતિક-વિજ્ઞાની, માઈકલ ફૅરૅડેની મુલાકાતે તેમનાં મહારાણી વિક્ટોરીઆ આવ્યાં. ફૅરૅડે મોટા ભાગે આપબળે ભણ્યા હતા. એમણે ઘણીયે શોધો કરી., જે બહુ પ્રખ્યાત થઈ. અમુક તો સાવ સીધી અને સમજાઇ જાય તેવી તેમ જ તરત જ ઉપયોગમાં લઇ શકાય તેવી હતી, તો વીજળી અને ચુંબકત્વને લગતી કેટલીક 'રહસ્યમય' જણાતી શોધો પણ હતી, જે એ અરસામાં તો પ્રયોગશાળાઓની અજાયબીઓના સ્તરથી આગળ નહોતી વધી. રાજયનાં સાર્વભૌમ સત્તાધીશ અને પ્રયોગશાળાના મુખીયા વચ્ચે થાય તેવા પ્રણાલિકાગત સંવાદો દરમ્યાન મહારાણીએ ફૅરૅડેને પૂછ્યું કે આ બધી શોધો અને અભ્યાસોનો શું ઉપયોગ થઇ શકશે. જેના જવાબમાં ફૅરૅડેએ એવું કહ્યું હોય તેમ મનાય છે કે, "રાણીબા, બાળકનો તે શું ઉપયોગ હોઇ શકે ?" ફૅરૅડેનો કહેવાનો મતલબ એ હતો કે વીજળી અને ચુંબકત્વ ભવિષ્યમાં બહુ મહત્વની ભૂમિકા ભજવશે, પણ તેની ખબર તો ભાવિમાં જ પડશે.

લગભગ એ જ સમયગાળામાં સ્કૉટીશ ભૌતિકવિજ્ઞાની જેમ્સ ક્લાર્ક મેક્ષવેલે વીજ ભાર અને પ્રવાહની સાથે વીજ અને ચુંબકીય ક્ષેત્ર પરનાં થયેલાં કામના આધારે ચાર ગણિતિક સમીકરણો આપ્યાં હતાં. આ ચારે સમીકરણોમાં આશ્ચર્યજનક અસમાનતા હતી, જે મેક્ષવેલને મુંઝવી રહી હતી. આ સમીકરણોમાં જે ન ગમે તેવું એક તત્વ દેખાતું હતું તેને સમજાવવા, અને સમીકરણની સમમિતિ સુધારવા માટે કરીને, મેક્ષવેલે વિસ્થાપન પ્રવાહ [Displacement Current]નાં નામનો એક નવો શબ્દપ્રયોગ દાખલ કર્યો. આ પ્રવાહ માટે કોઇ જ પ્રાયોગિક પુરાવા નહોતા, તે તો મેક્ષવેલની (મૂળ મુદ્દાની) દલીલ માત્ર હતી. મેક્ષવેલનાં સુધારેલ સમીકરણોમાં ગામા કિરણો, ક્ષ-કિરણો, પારજાંબલી કિરણો, દૃશ્યમાન પ્રકાશ કિરણો, પારરક્ત કિરણો અને રેડિયો તરંગો જેવાં વીજ ચુંબકીય કિરણોત્સર્ગની અણછતી સ્વિકૃતિની છાંટ નજરે પડતી હતી. એ સમીકરણોએ આઈનસ્ટાઇનને વિશેષ સાપેક્ષતાવાદ [Theory of special Relativity]ની શોધ કરવાની પણ પ્રેરણા આપી. ફૅરૅડે અને મેક્ષવેલનાં પ્રાયોગિક અને સૈધ્ધાંતિક યોગદાનોએ પૃથ્વી પર એક સૈકા પછી ટેક્નોલોજીનાં ક્ષેત્રે આમૂલ પરિવર્તન આણ્યું. વીજળીના બલ્બ, ટેલીફોન, ફોનોગ્રાફ, રેડિયો, ટેલીવિઝન, તાજાં ફળફળાદિની હેરફેર કરતી એરકંડીશન્ડ રેલગાડીઓ, કાર્ડીયાક પૅસમેકર, જળવિદ્યુત ઉર્જા મથકો, સ્વયંસંચાલિત આગ-સંકેત યંત્રો અને આગ શામક દ્રવ્યનો છંટકાવ કરતી તંત્ર વ્યવસ્થાઓ, વીજળીથી ચાલતી ટ્રોલીઓ અને ભૂગર્ભ ટ્રેનો તેમ જ કમ્પ્યુટર જેવાં અનેક સાધનો ફૅરૅડેની પ્રયોગશાળામાંના ભેદભરમવાળા બડબડાટો અને મેક્ષવેલના કલાત્મકતાભિમુખ અસંતોષમાંથી ઉતરી આવેલાં છે. વિજ્ઞાનની આવી અનેક શોધ આવી આકસ્મિક અને અણધારી રીતે થઇ છે. રાણી વિક્ટોરીયાના જમાનામાં, બ્રિટનના અગ્રગણ્ય વૈજ્ઞાનિકોને ગમે તેટલાં નાણાંની કે સાધનોની મદદ મળી હોત તો પણ ટેલીવિઝન જેવી શોધો તેઓ ત્યારે ન કરી શક્યાં હોત. આ શોધોનાં પરિણામો બહુ સકારાત્મક નથી રહ્યાં તેવી દલીલ પણ ઘણાં લોકો કરશે. મેં જોયું છે કે પાશ્ચાત્ય પ્રોદ્યૌગિક સંસ્કૃતિથી બહુ જ મહ્દ અંશે ન આકર્ષાયેલ યુવા વર્ગ પણ હાઇ-ફિડેલિટી ઇલેક્ટ્રોનિક સંગીત ઉપકરણો જેવી ટેક્નોલોજીની ખૂબીઓ તરફ, જાણ્યેઅજાણ્યે, આકર્ષાતો હોય છે.

આમાંની કેટલીક શોધોએ તો આપણા વૈશ્વિક સમાજનું કલેવર ધરમૂળથી બદલી નાખેલ છે. સંદેશાવ્યવહારની ઝડપ અને સરળતાએ વિશ્વના ઘણા ભાગોને પ્રાદેશિકતાના વાડામાંથી બહાર લાવી દીધા છે, પરંતુ, તે સાથે સાંસ્કૃતિક વૈવિધ્ય પણ ઘટાડી નાખેલ છે. આ બધી શોધોના વ્યવહારુ ફાયદા લગભગ દરેક માનવ સમાજને મળ્યા છે; જો કે પર્યાવરણીય પ્રદુષણ જેવી સમસ્યાઓ વિષે વિકસતા દેશો બહુ ચિંતીત નથી તે બાબત નવાઇ પણ પમાડે છે. એવું લાગે છે કે એ દેશોએ માની લીધું લાગે છે કે જોખમો કરતાં ફાયદા બહુ વધારે છે. લેનિનનું એક સૂત્ર એમ કહે છે કે સમાજવાદ વત્તા વીજળીકરણ એટલે સામ્યવાદ. જો કે ટેક્નોલોજી માટેની તીવ્ર અને સંશોધનાત્મક દોડ પશ્ચિમ સિવાય બીજે કશે દેખાતી નથી. એને કારણે થતાં પરિવર્તનો એટલાં બધાં ઝડપી છે કે તેમની સાથે તાલ મેળવવાનું બહુ કપરૂં થતું જાય છે. વીસમી સદીમાં એવાં કેટલાંય લોકો હતાં જેમણે પોતાના જ જીવનકાળમાં વિમાનની શોધ થતી જોઇ અને મંગળ પર અવકાશયાનો ઉતરતાં પણ જોયાં. આજના સમયમાં એવી પેઢીઓ છે જેઓએ અત્યંત જૂનવાણી લૈંગિક માન્યતાઓની સાથે કિશોરાવસ્થામાં પગ મૂક્યો, પણ વાનપ્રસ્થાશ્રમમાં દાખલ થતાં પહેલાં સમલૈંગિક લગ્નસંબંધોને મુક્તપણે સ્વીકારાતા પણ જોઇ રહી છે. બધા ઝડપી ફેરફારોની આવી પરિસ્થિતિઓને કારણે પહેલાંના સીધાસાદા સમયની યાદો ઘુમરાતી રહે તે સમજી શકાય તેમ છે.

ગઇ સદીના મધ્ય ભાગ સુધી આજના ઔદ્યોગિક સમાજ કરતાં સામાજિક જીવનનું સ્તર અને કામ કરવાની સ્થિતિ વધારે નાલેશીભરી અને હતોત્સાહકારક હતી, આયુષ્ય અને બાળ મરણના આંકડાઓ હેબત ખાઇ જવાય તેવા હતા. આજે જે સમસ્યાઓનો આપણે સામનો કરી રહ્યાં છીએ તેમાંની મોટા ભાગની સમસ્યાઓનાં મૂળમાં વિજ્ઞાન અને ટેક્નોલોજી છે તેમ ભલે માની લઇએ, પણ એ વાત પર પણ ખાસ ધ્યાન આપવું જોઇએ કે આ વિષય પરની સમજ જનસામાન્યમાં બહુ જ અપૂરતી છે, વળી આપણા સમાજે નવી ટેક્નોલોજીઓને અપનાવવમાં આ કાચી સમજણથી આગળ વધવાનો પણ પ્રયત્ન સુધ્ધાં નથી કર્યો. ટેક્નોલોજી આખરે તો એક સીધું સાદું સાધન માત્ર છે, બધાં દર્દોનો રામબાણ ઇલાજ તો નથી જ. આ દૃષ્ટિએ જોઇએ તો આપણે જે કંઇ સિદ્ધ કરી શક્યાં છીએ તે કંઇ કમ નથી. ૧૯મી સદીના કાપડ કારીગરોની કક્ષાના વિકલ્પોના પ્રયત્નોથી કંઇ જ કરી શકે તેમ નથી. આજે ૧૦૦ કરોડથી વધારે લોકો અપોષણ અને ભૂખમરાની સમસ્યા સામે ઝઝૂમે તો છે, પણ ટકી રહ્યા છે, તે પણ આધુનિક કૃષિ ટેકનોલૉજી જે કંઈ નાનોસૂનો તફાવત લાવી શકી છે, તેને જ કારણે. લગભગ એટલાં જ લોકોને આધુનિક તબીબી વિજ્ઞાન અને ટેકનોલોજીને કારણે બેડોળ, અપંગ અને જીવલેણ દર્દોથી, ઓછા વત્તા અંશે, બચાવી શકાયાં છે. જો આ ઉચ્ચ ટેક્નોલોજી હાથ ધોઇ નાખે તો આ બધાં લોકોને પણ જીવનથી હાથ ધોવાનો વારો આવે. વિજ્ઞાન અને ટેક્નોલોજી જેટલી હદે આપણી સમસ્યાઓનાં મૂળમાં છે એમ માનતા હોઇએ તો પણ આપણે માનવું પડશે કે , દરેક દેશ તેમ જ સમગ્ર દુનિયાના સ્તરે, આ જ પ્રશ્નોના ભાવિ ઉપાયો પણ વિજ્ઞાન અને ટેકનોલૉજી દ્વારા જ મળી શકશે.

એમ પણ કહી શકાય કે વિજ્ઞાન અને ટેક્નોલોજીનો માનવ જાત ના ભલા માટે ઉપયોગ નથી થતો અને એના માટે જનતામાં સમજ કેળવવાના પૂરતા પ્રયત્નો પણ નથી થતા. આ કારણે એનો, જેવો જોઇએ તેવો અને તેટલો અસરકારક ઉપયોગ નથી કરી શકાયો, એ પણ ખરું. એવું થયું હોત તો ટેકનોલૉજી ઘણી વધારે ઉપકારક સિદ્ધ થઇ શકી હોત. આપણને મોડે મોડેથી સમજ પડે છે કે સ્થાનિક અને વૈશ્વિક સ્તરે માનવી જે કરે છે તેની પર્યાવરણ પર અવળી અસરો પડે છે. ઍરૉસોલ કૅનમાંથી છટકતા હેલો -કાર્બન પદાર્થો વાતાવરણમાં બહુ લાંબા સમય સુધી ટકી રહે છે, ઉર્ધ્વમંડળમાં ફેલાય છે અને ત્યાં રહેલા ઑઝોનનો અંશતઃ નાશ કરે છે અને સૂર્યનાં પારજાંબલી કિરણોને પૃથ્વીની સપાટી તરફ આવવા માટેનો માર્ગ મોકળો કરી આપે છે. ગોરી ચામડીવાળી જાતિઓમાં વધી રહેલો ચામડીનાં કેન્સરનો વ્યાપ એ આની સહુથી જોરદાર જાહેરાત હતી. પરંતુ એનાથી પણ વધારે ખરાબ વાત તો એ છે કે આંટીઘૂંટીઓથી ભરપૂર આહાર-પીરામીડ પરનાં સૂક્ષ્મ જીવતંત્ર પણ, પારજાંબલી કિરણોની વધતી જતી અસરોને કારણે ખતમ થતાં જાય છે...અને આ જ પીરામીડની ટોચ પર જ તો માનવ જાત બેઠી છે ! ઍરૉસોલ કૅનમાં વપરાતા હેલો-કાર્બનને કારણે પારાવાર નુકસાન થઈ ચૂક્યું છે. હવે ઘોડા ભાગી ગયા પછી તબેલાને તાળાં વાસવા જેમ એના વપરાશ પર નિષેધો લાગુ કરાયા છે; એટલું સારું છે કે એને કારણે હજી પણ થઇ રહેલાં, અને થઇ શકતાં લાંબા ગાળાનાં, જોખમોને કંઇક અંશે ટાળી શકાયાં છે. આ આખાં ઉદાહરણમાં સહુથી ચોંકાવનારી વાત તો એ છે કે આટલી બધી મહત્વની ઘટનાની ખબર તો અકસ્માતે જ પડી છે. બન્યું હતું એવું કે એક જૂથ એક કોમ્પ્યુટર પ્રોગ્રામ વડે શનિ પરના વાતાવરણમાં હાઇડ્રોક્લૉરિક અને હાઇડ્રોફ્લૉરિક રસાયણશાસ્ત્ર વિષે અભ્યાસ કરી રહ્યું હતું. નસીબજોગે આ પ્રોગ્રામ. હેલો-કાર્બનને પણ લાગુ પડતો હતો, એટલે એનાં નુકસાનો પર ધ્યાન ગયું. મનુષ્ય જીવન ટકાવી રાખવા માટે વિશુદ્ધ વિજ્ઞાનની સમસ્યાઓના વિસ્તૃત અને વૈવિધ્યપૂર્ણ અભ્યાસ માટે કરીને તેટલી જ વિસ્તૃત અને વૈવિધ્યપૂર્ણ ક્ષમતાઓવાળી ટીમો કામે લગાડવી જોઇએ. હાલ પૂરતો તો તો સવાલ એ જ થાય કે એવી કેટલી સમસ્યાઓ હશે જે અકસ્માત પણ આપણા હાથે ચડી ન હોય ? એમ પણ બને કે હાથે ચડેલી સમસ્યાઓની સામે બીજી કેટલીય એવી સમસ્યાઓ હશે જેનાં અસ્તિત્વ વિષે આપણને કંઇ જ ખબર સુધ્ધાં પણ નથી. આ સંદર્ભમાં હજૂ વધારે અચરજની વાત તો એ છે કે કોઇ પણ દેશની સરકારો કે યુનિવર્સિટીઓ કે ખમતીધર ખાનગી કે જાહેર કંપનીઓ પણ ભવિષ્યની આવી ટેક્નોલોજીઓમાંથી પરિણમતી આવી (અને આટલી) મહત્વની દુર્ઘટનાઓને ટાળવા માટે કોઇ આયોજીત પ્રયાસો કરી રહેલ હોય તેવું જણાતું નથી.

આ પ્રકારનાં સંશોધનો અને અસરકારક પર્યાવરણીય સમીક્ષા કરવા માટે આ બધી સંસ્થાઓએ સારી રાજનૈતિક હિંમત એકઠી કરવી પડશે. ઔદ્યોગિક પર્યાવરણશાસ્ત્ર આર્થિક અનુમાનોના તાણાવાણાથી બહુ જ ઘનિષ્ઠપણે ગુંથાયેલું છે, અને એ પણ ટેકનોલૉજિકલ સમાજ સાથે સાથે જ પથરાયેલું છે. આમાંના એક પણ તાણા કે વાણાને જરા સરખો પણ હાથ અડાડો તો સમગ્ર તંત્રમાં તેનાં આંદોલનો ધણધણી ઊઠે છે. કોઇ પણ ટેક્નોલોજી-પ્રેરિત સુધારા-વધારા માનવજાત માટે ઓછા વત્તા અંશે હાનિકારક છે, તેવાં તારણ નીકળતાંની સાથે જ કોઇને કોઇ મોટામસ આર્થિક નુકસાનમાં ધકેલાઈ જવાશે એવી ધાસ્તી પેદા થાય છે. પરિણામે, જેમને નુકસાન થવાનું દેખાતું હોય તેવાં પરિબળો આવાં તારણોને નકારી કાઢવા માટે પણ એટલા જ જોમથી મેદાને પડતાં જોવા મળે છે. જે મહાદુર્ઘટના વિષે આ બધા ખેલ થઇ રહ્યા હોય તે, આવી ચર્ચાઓ કે ન્યાયિક કે રાજકીય લડતોનાં પરિણામો આવતાં સુધીમાં તો, આપણી પર ત્રાટકી પડે અને તેની અવળી અસરો છોડી જાય તેમ પણ બને.

આણ્વીક ઉર્જા, દવાઓનાં સંશોધનો કે કુદરતી સંસાધનોના વપરાશ અંગેનું સરકારી તંત્ર વાણિજ્યીક હિતોથી હાથવેંતનું અંતર રાખી શકે, કોઇનાં પણ નફા-નુકસાનની પરવા કર્યા વગર શક્ય હોય તેટલા બધા જ વિકલ્પો પર સંન્નિષ્ઠપણે કામ કરી શકે તે બહુ જ મહત્વનું બની રહે છે. . નવી ટેકનોલૉજીઓનો વિકાસ જૂની ટેકનોલૉજીઓના અંકુશમાં રહે તો નવા હરીફોને ઊગતાંની સાથે જ ડામી દેવાની શક્યતાઓને પણ અવગણવી ન જોઇએ. ભવિષ્યમાં અસ્તિત્વનો આટલો બધો મદાર આના પર જ છે, એટલે તેના સર્વગ્રાહી, સતત મૂલ્યાંકન માટેની મુક્ત અને સ્વતંત્ર - અને નિષ્પક્ષ પણ હોય તો ઉત્તમ - વ્યવસ્થા, દરેક દેશે કરવી જ રહી, પછી ભલે ને,રાજ્યસત્તા મુક્ત બજારની પ્રણેતા હોય કે સરમુખત્યાર હોય.

ટેક્નોલોજીને લગતાં એવા ઘણા વ્યાવહારીક સુધારા-વધારા છે જેના પર સરકારી ટેકાને અભાવને કારણે કામ નથી થઇ રહ્યું. જેમ કે કૅન્સર ભલે માનવજાતમાટે ગમે તેટલો પીડાદાયક રોગ હોય, પણ તેને કારણે માનવજાતનાં અસ્તિત્વને કોઇ જોખમ નથી. કૅન્સરને જો સાવેસાવ નાથી લેવામાં આવે તો પણ માનવ જાતનાં સરેરાશ આયુષ્યમાં બહુ થોડો વધારો જ થશે, જો ત્યાં સુધીમાં કોઇ બીજો રોગ પોતાની જાળ ન ફેલાવી બેઠો હોય.પરંતુ પ્રજોત્પતિ નિયમનને લગતાં અપૂરતાં અસરકારક પગલાંઓને કારણે આપણાં અસ્તિત્વ પર જ જોખમ ઝળુંબી શકે છે. . ટેકનોલૉજીની મદદથી કેટલાયે ધમપછાડા પછી ખોરાકની આપૂર્તિની સમસ્યા અમુક અંશે હળવી બની છે અને જીવન ટકાવવાનાં સાધનોમાં પણ અંકગણિતીય વૃદ્ધિ થઈ છે, પણ ઘોડાપૂરની જેમ વધતી વસ્તી તો એને ક્યાંય દબાવી દે તેમ છે. આ કિસ્સામાં વળી વિચિત્ર મુશ્કેલી એ છે કે ઔદ્યોગિક રીતે વિકસિત દેશોમાં જન્મદર શૂન્ય જેટલો શક્ય બન્યો છે, જેની સામે અલ્પવિકસિત દેશોમાં હજૂ તે થાય એવો જ છે. આનું એક દુષ્ચક્ર બને છેઃ જ્યાં જન્મદર ઊંચો છે ત્યાં માનવ આયુષ્યને લંબાવવાનું પણ મુશ્કેલ જણાયું છે. આર્થિક સ્તરે અને તેને કારણે ટેકનોલૉજીમાં પણ અલ્પવિકસિત રહેલા છેવાડાના સમાજો વાતાવરણના નાના સરખા ફેરફારથી પણ નાશ પામી શકે છે.
                                                        ***************
[કાર્લ સેગનનાં પુસ્તક , Broca’s Brain – Reflections on the Romance of Science ǁ ISBN 0-345-33689-5ǁનાં ચોથાં પ્રકરણ "In praise of science and Technology " પર આધારિત]
                                                  ***********************

(નોંધઃ પશ્વાતવર્તી આકલન ઉદ્વેગ અને ચિંતાજનક જણાય છે. ટેક્નોલોજી છે જ એવી બેધારી તલવાર ! તારીખ ૯ ઑક્ટોબર, ૨૦૧૪ ના હવે પછીના પ્રકાશીત થનાર બીજા ભાગમાં, આગળ પર નજર કરીને, આપણે શું શું કરી શકીશું કે કે કરવું જોઇએ તેની વાત કરીશું.)

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો