શુક્રવાર, 2 ડિસેમ્બર, 2016

પરિવર્તન: દૂર સુધીનાં દર્શનનું અમલમાં અવતરણ



તન્મય વોરા
અગ્રણી નેતૃત્ત્વ બહુ મહાત્વાકાંક્ષી પરિવર્તનમાટેનું દીર્ઘદર્શન ઘડે છે અને પછી તેમની ટીમ એ દીર્ઘદર્શન સાથે સંકળાયેલ રહે એ મુજબની વ્યૂહરચનાઓ ઘડી કાઢે છે. આને  કારણે ઘણી વાર ટીમ એટલી વધારે ઉત્સાહિત થઈ જાય છે કે ઉત્સાહનો એ ઉભરો શમતો જ નથી. એમાંને એમાં આ માટે જરૂરી કામોનું આયોજન નથી થતું. ઉત્સાહ ઉભરાતો રહે છે, પણ કાર્ય સિધ્ધિ દૂર દૂર સુધી નજરે નથી ચડતી.
પરિવર્તન માટેનું આયોજન થોડો અવળચંડો મામલો છે. દીર્ઘદર્શન જેટલી હદે મહાન ચિત્ર દોરતું હોય તેટલી જ હદે તેના અમલ માટેનાં કામો બહુ જ સ્પષ્ટ અને સુનિશ્ચિત હોવાં જોઈએ.બહુ મહાન પરિવર્તનના ભારથી ટીમના મનોબળને ઠંડી ન ચડી જવી જોઈએ. મોટા પાયા પરનાં પરિવર્તનના અમલમાં ડગલેને પગલે અનિશ્ચિતતાઓ તો આવવાની, ટીમની જાણ બહાર હોય એવા વિષયો પણ આવવાના, પરંતુ તેની સાથે સ્વસ્થ ચિત્તે કામ લેવું રહ્યું.
પરિવર્તનનાં આયોજન અને અમલમાં મદદરૂપ થઈ શકે એ માટેની  વ્યૂહરચનાનાં કેટલાંક પાસાં મેં, મારા અનુભવના આધારે, આપના વિચારાર્થે અહીં રજૂ કરેલ છે:
૧. આયોજન-અમલ-પ્રતિભાવનું આવર્તન ચક્ર ટુંકું એટલું સારૂં

બે સુદીર્ઘ સિમાચિહ્નો વચ્ચે લંબાણે થતાં સુરેખ આયોજન અને અને તેને લગતી કામની લાંબીચોડી યાદીઓ બનાવવાનું હવે પસંદ નથી કરાતું. એને કારણે બધાં લોકોની પ્રાથમિકતાઓને એ કામની યાદી સાથે સાંકળી રાખવી મુશ્કેલ પડતી હતી. નાના નાના ટુકડાઓમાં સંકલિતપણે વહેંચાઈ ગયેલ આયોજન-અમલ-પ્રતિભાવ ચક્રને કારણે કામની પ્રગતિની સમીક્ષા બહુ ઝડપથી થઈ શકે છે, જેથી માર્ગ સુધારણાનું કામ પણ પ્રમાણમાં ઓછી જહેમતથી શકય બને છે.કરેલ કામોનાં પરિણામો અને નવી દિશા બધાં માટે નજરે ચડવાં શક્ય બને છે.આમ આયોજન અને અમલ વધારે અસરકારક કરવાની શક્યતાઓ વધારે ઉજળી બની શકે છે.

૨. આયોજન જેટલું સરળ એટલું સારૂં –

જેમ પરિવર્તનની કક્ષા લાંબી પહોળી તેમ તેમ તેમાં આવનારી અનિશ્ચિતતાઓના અવરોધો પણ વધારે. આને કારણે કોઇ એક તબક્કે આયોજન વધારે પડતું જટિલ બની જવાની શક્યતાઓ પણ રહેવાની.જેમ જેમ અમલની વિગતમાં ઊંડા ઉતરવાનું બને તેમ તેમ આ અનિશ્ચિતતાઓ અમલની કેડીને વધારે ધુંધળી બનાવી કાઢવાની. એટલે જે તબક્કે યોજના જટિલ બનવા લાગે એ તબક્કે તેને નાનાં ઘટકોમાં વહેંચતાં જાઓ જેથી એ જટિલતાઓ પણ એટલા નાના ટુકડાઓમાં વહેંચાઈ જાય કે હવે તે દરેક ટુકડાનો અમલ સરળ બને. જો આમ ન કરવામાં આવે તો શક્ય છે કે જટિલતાને ઉકેલવાને ઉકેલવામાં હેતુસિધ્ધિનાં સિમાચિહ્નોની દિશા જ ચાતરી જવાય ! નાના ટૂકડાઓમાં વહેંચાઈ ગયેલ જટિલતા ટીમની ક્ષમતા અને ધીરજ પર પણ ઓછી તાણ ઊભી કરે છે.

૩. આયોજનના દરેક તબક્કામાં ટીમને હજેટલી સામેલ કરાય તેટલું સારૂં –

આ બહુ સરળ, અને તેમ છતાં બહુ અસરકારક, વ્યૂહરચના છે. આયોજનના તબક્કાથી ટીમ સામેલ હોય એટલે તેમના દૃષ્ટિકોણમાં પરિવર્તનનાં દરેક પાસાંને સારી રીતે સમજવાની, અને માટે કરીને સ્વીકારવાની, શકયતાઓ વધી શકે છે.તેમના વિરોધને સૂચનોમાં ફેરવી નાખવાથી આયોજન અને અમલ વધારે અસરકારક બની શકશે. અમલના માર્ગે આગળ વધી શકવા માટે ટીમ ખુદ જ સક્ષમ બનશે.

૪. જેટલું વધારે વહેલું, અને વધારે વાર, આયોજન કરાતું રહે તેટલું સારૂં –

જ્યારે પરિવર્તન પ્રક્રિયા લાંબા ગાળાની હોય છે ત્યારે , આયોજન-સમીક્ષા-ફેરઆયોજન બહુ મહત્ત્વની ભૂમિકા ભજવે છે.દરેક તબક્કે સીમાચિહ્નોને ફરી ફરી સુનિશ્ચિત કરવાં પડવાનાં, પ્રગતિની દિશા પણ વારંવાર ચકાસવી પડે, અમલમાં બધાંને આવતી અડચણોને પણ વારંવાર દૂર કરવી પડે. આયોજન-સમીક્ષા-ફેરઆયોજન આવર્તન ચક્ર જો બહુ લાંબા સમયનાં ન હોય તો ટીમને પરિવર્તનની દિશા સાથે સાંકળી રાખવાનું વધારે શક્ય બને છે. એક દિશામાં આગળ વધી રહ્યાં છીએ એવી અનુભૂતિ ટીમના ઉત્સાહને ટકાવી રાખવામાં મહત્ત્વનો ફાળો આપતું પરિબળ નીવડે છે.

૫. ટીમ સાથેનો સંવાદ જેટલો સ્પષ્ટ રહે તેટલું સારૂં –

આયોજન અને અમલમાં જેમ જેમ ફેરફારો આવશ્યક બનતા જાય તેમ તેમ ટીમ સાથે સંવાદની બારીઓ વધારે ને વધારે ખુલ્લી રહે તે બહુ મહત્ત્વનું બની જાય છે. દરેક તબકાનાં પરિણામો, હવે પછીનાં જોખમો અને તેના ઉકેલો વિષે લાગતાં વળગતાં બધાં જ વચ્ચે જેટલી સ્પષ્ટતા રહેશે તેટલું ફેરઆયોજન વધારે સરળ અને અસરકારક રહેશે.

બહુ મોટા પાયાનાં કે વ્યૂહાત્મકરીતે મહત્ત્વનાં પરિવર્તનો કરતી વખતે  પાસે દિશાસૂચક યંત્ર છે, કઈ દિશામાં આગળ વધવું છે તે પણ પાકો અંદાજ છે, તેમ છતાં મને એવું  જણાતું રહ્યું છે કે ભૂલા પડી જવાનો ઊંડે ઊંડે અંદેશો રહ્યા કરે છે. જ્યારે જ્યારે પોતાની કારકીર્દી કે અંગત જીવનમાં પણ બહુ મહત્ત્વનાં પરિવર્તનો આવ્યાં છે ત્યારે પણ આવી અનુભૂતિ થાય છે. આમ થવું સ્વાભાવિક, માનવસહજ, છે. એ સમયે વિચલિત થવાને બદલે આપણું મન વધારે સ્વસ્થ રહે તે પ્રકારની નિર્ણયશૈલીની આદત કેળવવી જરૂરી છે.

મહત્ત્વની વાત : આપણાં આયોજનની લવચિકતા, અનુભવોમાંથી શીખવાનું અને હરહંમેશ દિશાભાન જાળવી રાખવાનું - એમાં ક્યારે પણ ચૂક ન થવા દેવી.
મજાની વાત : શ્રેષ્ઠ માર્ગની તલાશમાં જેટલી મજા છે એટલો જ આનંદ ખરા માર્ગે આગળ વધી શકવાની સફળતા પામવામાં છે.

Ø  અસલ અંગ્રેજી લેખ, Change: From Vision to Executionપરથી ભાવાનુવાદ
Ø  અનુવાદકઃ  અશોક વૈષ્ણવ, અમદાવાદ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો