બુધવાર, 11 જાન્યુઆરી, 2017

એકવીસમી સદીના મૅનેજમૅન્ટ પડકારો - પીટર ડ્રકર



૧૯૯૨માં પીટર ડ્રકરે ૮૩ વર્ષની ઉમરે એકવીસમી સદીમાં વ્યક્તિગત અને સંસ્થાકીય સ્તરે એકવીસમી સદીમાં મેનેજમૅન્ટ કાર્યપ્રણાલીઓ બાબતે શું પડકારો આવી શકે તેની બહુ વિશદ ચર્ચા કરતું પુસ્તક - Management Challenges for the 21st Century -  લખ્યું. આ પુસ્તકમાં તેમણે વીસમી સદીમાં જુદા જુદા મૅનેજમેન્ટ નિષ્ણાતો, વિચારકો અને વ્યાવસાયિકો જે પૂર્વધારણાઓ સ્વીકારીને ચાલતા રહ્યા તે એકવીસમી સદીમાં કેમ અપ્રચલિત બની જશે તે સમજાવવાની સાથે હવે નવી સદીમાં કઇ પૂર્વધારણાઓ વાણિજ્યિક કે બીનવાણિજ્યિક સંસ્થાઓ માટે પ્રસ્તુત બની રહેશે તે રજૂ કર્યું છે.
જે રીતે વીસમી સદીનાં શરૂનાં વર્ષોની બગીઓ સદીના મધ્ય ભાગમાં વિકસી ચૂકેલ મોટરકાર સાથે હરિફાઈ ન કરી શકે કે એ મોટરકાર આજની મોટરકારની સ્પર્ધામાં ટકી ન શકે, તે જ રીતે વીસમી સદીની પૂર્વધારણાઓથી કામ કરવા માગતા મૅનેજમૅન્ટ વ્યાવસાયિકો કે સંસ્થાઓ એકવીસમી સદીમાં સફળ ન થઈ શકે. વ્યક્તિની કે ટીમની કે સંસ્થાની કામગીરીની  સુધારણા માટે વીસમી સદીની પૂર્વધારણાઓ આધારિત પ્રક્રિયા મૉડેલ્સ કે વ્યક્તિત્ત્વ પ્રકાર સિધ્ધાંતો કે માનવીય આંતરપ્રતીતિને લગતી અવધારણાઓનો ઉપયોગ કરતા પ્રવૃત્ત વ્યાવસાયિકો કે સંસ્થાઓ કે મૅનેજમૅન્ટ સલાહકારો માટે પીટર ડ્રકરની આ રજૂઆત બહુ મહત્ત્વનું દિશાસુચન કરે છે.
૧૯૯૯માં 'ફીનાન્સીઅલ ટાઈમ્સ'માં આવનારી સદીના પડકારો વિષે એક સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું, જેનાં મુખ્ય તારણો આ મુજબ જોવા મળતાં હતાં.
૧. કુશળ કર્મચારીઓની ભરતી
૨. હિતધારક સમુદાયો તરફથી વધતાં જતાં દબાણ
૩. વધતાં જતાં પર્યાવરણીય દબાણો
૪. વધતાં જતાં વૈશ્વિક વેપાર ઘર્ષણો
૫. નાણાં ચલણના આંતરરાષ્ટ્રીય વિનિમય દરના ઉતાર-ચડાવ
૬. નાણાકીય સંસાધનોની ઉપલબ્ધિ માટેની પહોંચ
૭. ફુગાવાનો પુનઃઉદ્‍ભવ
સાત પ્રકરણોમાં વહેંચાયેલાં પ્રસ્તુત પુસ્તકની એ સમયે જે સમીક્ષાઓ કરવામાં આવી તેમાં વૉલ્ટર જે ગૅલ્ડાર્ટ દ્વારા કરાયેલ એક બહુ રસપ્રદ સમીક્ષામાં નવ પ્રકારનાં એકબીજાં સાથે સંકળાયેલ વ્યક્તિત્વોનાં મોડૅલના આધારે માહિતીનાં આદાનપ્રદાન સાથે સુસંગતતા જોવા મળે છે.
મૅનેજમૅન્ટનું નવું રૂપાખ્યાન - સાત જૂની પૂર્વધારણાઓ
પ્રાકૃતિક વિજ્ઞાન જેમ પદાર્થોની વર્તણૂક્નો અભ્યાસ કરે છે તે રીતે મૅનેજમૅન્ટ જેવી સામાજિક વિદ્યા શાખા વ્યક્તિ કે માનવીય સંસ્થાની વર્તણૂકનો અભ્યાસ કરે છે. સામાજિક વિશ્વમાં પ્રાકૃતિક વિશ્વના કરતાં ફેરફારોના પ્રકારો અને ફેરફારો થવાના દરમાં બહુ મોટા તફાવતો રહેલા છે. વીસમી સદીમાં સામાજિક વિશ્વમાં પરિવર્તનનું સાતાત્ય વધારે સુનિશ્ચિત થતું જવાની સાથે સાથે ફેરફારોના પ્રકારના વ્યાપમાં બહુ ઘણો વધારો, અને ફેરફારો થવાની ગતિમાં તેનાથી પણ ઘણો વધારો, જોવા મળવા લાગ્યો. આ કારણોસર ગઈ કાલ સુધી જે પૂર્વધારણાઓ સંગીન અને માન્ય માની શકતી હતી તે હવે પછીના ઝડપથી બદલતાં રહેનારાં ભવિષયના આજના પરિપ્રેક્ષ્યમાં  માન્ય ન રહેવા ઉપરાંત ગેરમાર્ગે દોરનારી પણ બની રહે શકે તેમ  બની રહી છે.
મૅનેજમૅન્ટ વિદ્યાશાખાની ત્રણ જૂની પૂર્વધારણાઓ -
૧. મૅનેજમૅન્ટ એટલે વેપારધંધાનું મૅનેજમૅન્ટ.
૨. સંસ્થાનું એક ઢાંચાનું માળખું ઉચિત હોય છે - કે હોવું જોઈએ.
૩. લોકોનું સંચાલન કરવા માટે એક માર્ગ ઉચિત રહે છે - કે હોવો જોઈએ.
મૅનેજમેન્ટ કાર્યપ્રણાલિની ચાર જૂની પૂર્વધારણાઓ -
૪. ટેક્નોલોજી, બજાર અને અંતિમ વપરાશકાર તો નક્કી થયેલ હોય છે.
૫. મૅનેજમૅન્ટનું કાર્યક્ષેત્ર કાયદાથી નક્કી થયેલ હોય છે.
૬. મૅનેજેમૅન્ટનું ધ્યાન અંદરની તરફ હોવું જોઈએ.
૭. રાષ્ટ્રની સીમાઓથી નક્કી થયેલ અર્થતંત્ર એ વ્યાપાર ઉદ્યોગ અને તેને સંબંધિત મૅનેજમૅન્ટનું 'પર્યાવરણ' છે.
પીટર ડ્રકરનું કહેવું છે કે પહેલી સિવાયની બીજી છ પૂર્વધારણાઓ ગઈ સદીના આઠમા દાયકા સુધી મહદ અંશે પ્રસ્તુત ગણી શકાય. પરંતુ એકવીસમી સદીમાટે તો બધી જ પૂર્વધારણાઓ એટલી હદે કાલગ્રસ્ત બની ચૂકી છે કે હવે મૅનેજેમૅન્ટના સિદ્ધાંતથી વધારે મોટો અંતરાય મૅનેજમૅન્ટ કાર્યપ્રણાલી માટે બની ચૂકી છે. વાસ્તવિકતા તો આ પૂર્વધારણાઓ જે કંઈ કહી રહી છે તેનાથી જોજનો દૂર જતી રહી છે.
મૅનેજમૅન્ટ માટેની નવી પૂર્વધારણાઓ
મૅનેજમૅન્ટને એક સામાજિક વિદ્યાશાખા તરીકે સ્વીકારીને પીટર ડ્રકર આ આઠ નવી પૂર્વધારણાઓ રજૂ કરે છે -
૧. મૅનેજમૅન્ટ એ માત્ર નફા સાથે સંબંધ ધરાવતી વાણિજ્યિક સંસ્થાઓ માટે જ નથી. મૅનેજમૅન્ટ એ કોઈપણ અને દરેક સંસ્થાનું નિશ્ચિત અને આગવું અંગ છે.
૨. કોઈ એક જ પ્રકારનું માળખું જ સંસ્થા માટે યોગ્ય નથી હોતું. સંસ્થાના કામકાજ સાથે જે બંધ બેસે તે માળખું યોગ્ય ગણાય.
૩. લોકોનું સંચાલન કરવા માટે કોઈ એક જ માર્ગ નથી.લોકોનું 'સંચાલન' કરવાનું ન હોય, તેમને દોરવણી આપવાની હોય.દરેક વ્યક્તિની ચોક્કસ મજબૂતાઇઓ અને જ્ઞાનને ઉત્પાદક કરવાનું મૅનેજમૅન્ટનું લક્ષ્ય હોય છે.
૪. ટેક્નોલોજીઓ કે અંતિમ વપરાશકારો સુનિશ્ચિત અને નક્કી નથી હોતા. મોટા ભાગે, હવે ટેક્નોલૉજી કે અંતિમ-વપરાશ સંચાલન નીતિના પાયામાં પણ નથી હોતાં. તે તો મર્યાદાઓ છે.પાયામાં તો હોવાં જોઈએ ગ્રાહકોનાં મૂલ્યો અને તેમની ફાજલ આવકની વહેંચણી અંગેના નિર્ણયો.સંચાલન નીતિ અને વ્યૂહરચના હવે મોટા ભાગે શરૂ જ અહીંથી થશે.
૫. સંચાલન કાર્યક્ષેત્ર માત્ર કાયદા થકી જ નક્કી નથી થતું. મૅનેજમૅન્ટને વિદ્યાશાખા તરીકે જૂઓ કે પછી કાર્યપ્રણાલી તરીકે, એક વાત તો નક્કી જ છે કે નવી પૂર્વધારણાનો આધાર તો સંચાલનનું કાર્યક્ષેત્ર કાયદાથી નક્કી નથી થતું એ જ બની રહેશે.તેને તો કામગીરી સાથે સાંકળવાનું રહેશે. સંસ્થાની સમગ્ર પ્રક્રિયા સાથે તેને સાંકળી લેવાનું રહેશે. સમગ્ર આર્થિક સાંકળની કામગીરી અને પરિણામો પર તેનું ધ્યાન કેન્દ્રિત થવું જરૂરી છે.
૬. સંચાલનનું કાર્યક્ષેત્ર માત્ર રાજકીય સ્તરે નક્કી નથી થતું.રાષ્ટ્રીય સીમાડાઓનું મહત્ત્વ પ્રાથમિક નિયમન સીમા પૂરતું જ છે.વ્યાપાર-ઉદ્યોગ પૂરતી સીમિત નહીં એવી મૅનજમૅન્ટ કાર્યપ્રણાલીની વ્યાખ્યા હવે વધારે સંસ્થાની કામગીરી મુજબ કરવાની રહેશે, નહીં કે રાજકીય સીમાઓથી.
૭. મૅનેજમૅન્ટનું પ્રભાવ ક્ષેત્ર માત્ર આંતરિક નથી. કોઈ પણ સંસ્થાનાં પરિણામો સંસ્થાની બહારનાં પરીબળો પર જ આધારિત છે. સંચાલન મડળનું અસ્તિત્વ સંસ્થાનાં પરિણામો પર આધારિત છે.તેમણે અપેક્ષિત પરિણામોથી શરૂઆત કરવાની છે અને સંસ્થાનાં સંસાધનોને આ પરિણામો સિધ્ધ કરવા કામે લગાડવાનાં છે. મૅનેજમૅન્ટ એ એવું અંગ છે જે માત્ર વેપાર ઉદ્યોગ જ નહીં, પણ ધર્મ સંસ્થા કે શિક્ષણ સંસ્થા, તબીબી સંસ્થા કે આતિથ્ય સેવાઓ પૂરી પાડતી સંસ્થા કે સંચાર પ્રસારણ કરતી સંસ્થા જેવી કોઈ પણ ક્ષેત્રની સંસ્થા માટે બહારના સંજોગો ઉપરાંત પોતાનાં અપેક્ષિત પરિણામો સિધ્ધ કરવા સક્ષમતા પેદા કરે છે.
૮. સંચાલનની પરવા અને તેમની જવાબદારીઓ જ સંસ્થાની અંદરની કે બહારની, કે પછી સંસ્થાનાં નિયંત્રણમાં કે સાવે સાવ નિયંત્રણ બહારની, કામગીરી અને પરિણામો પર અસર કરે છે.
પીટર ડ્રકરની નવી પૂર્વધારણાઓ નવી સદીની જટિલતાઓનો સ્વીકાર કરવાની સાથે જૂની પૂર્વધારણાઓનાં આ અથવા પેલું એવાં વર્ગીકરણને ટાળે છે. નવી પૂર્વધારણાઓ અનુભવની સામે આંતરસ્ફુરણાનું સંતુલન જાળવે છે, જેના વડે નવી વાસ્તવિકતાઓના અનુભવની સ્વીકારવાની ક્ષમતા શકય બને છે. તે જ રીતે અંદર તરફની દૃષ્ટિ અને બહાર તરફની દૃષ્ટિ વચ્ચેનું સંતુલન સાતમી પૂર્વધારણામાં જોવા મળે છે.
વધારે સાચી હકીકતો વધારે બાબતોમાંથી વધારે યોગ્ય સ્થળે વધારે યોગ્ય સમયે મેળવવા બાબતે નવી સદીમાં નેતૃત્વની કસોટી બહારની વસ્તુઓ, વધારે ખુલા મનનું હોવું,બીજાઓના મતને પૂરતું ધ્યાન આપવું, બીજી સંભાવનાઓ હોઈ શકે તેનો સ્વીકાર અને વધારે જાણી જોઈને વધવું જેવાં વ્યક્તિત્વનાં પાસાંઓના સંદર્ભે થશે. લોકોએ દરરોજ પોતાની બધી જ ઈન્દ્રિયો તેજ રાખીને નવું નવું શીખવા તૈયાર રહેવું પડશે. 
વ્યૂહરચના - નવી નિશ્ચિત શકયતાઓ
ડ્રકર આગળ વધતાં એમ કહે છે કે નવી સદીમાં વ્યૂહરચનાનાં ઘડતરમાં આર્થિક ને બદલે આ પ્રકારની પાંચ સામાજિક કે રાજકીય નિશ્ચિત શકયતાઓને ગણતરીમાં લેવી પડશે
૧. વિકસિત દેશોમાં ઝડપથી ઘટતું જતું જન્મપ્રમાણ
૨. ફાજલ આવકની વહેંચણીનો નવી તરાહો તરફ ઝોક
3.  ધ્યાનાકર્ષક કામગીરી.
૪. વૈશ્વિક સ્પર્ધાત્મકતા
૫. આર્થિક વૈશ્વીકરણ અને રાજકીય જૂથો નાનાં થતાં જવાની પ્રક્રિયા વચ્ચે વધતી જતી બિનસંવાદિતતા
પરિવર્તન નેતૃત્ત્વ
નવી સદીમાં પરિવર્તન ડગલે ને પગલે, હરહંમેશ,જોવા મળશે. પરિવર્તનને કામગીરીના એક મહત્ત્વના ઘટક તરીકે જ જોઈ શકનારને, કોઈ પણ ક્ષેત્રમાં કામ કરતી, વ્યક્તિ કે સંસ્થાનો અસ્ત પણ એટલો જ સાર્વત્રિક, અને ટુંકા ટુંકા ગાળામાં, થતો જોવા મળશે. પરિવર્તન નેતૃત્ત્વ માટે ડ્રકર ચાર આવશ્યકતાઓ જૂએ છે -
૧. ભવિષ્યનાં ઘડતર માટેની નીતિઓ
૨. પરિવર્તનને અગાઉથી સમજવા માટે અને ગણતરીમાં લેવા માટે પધ્ધતિસરની પ્રક્રિયાઓ
3.  સંસ્થાની બહાર તેમ જ અંદર પરિવર્તન લાગુ કરવા માટે ઉચિત રીત
૪. પરિવર્તન અને સાતત્ય વચ્ચે સંતુલન જાળવવા માટેની નીતિઓ
માહિતીને લગતા પડકારો
નવી સદીમાં વેગ પકડતી માહિતી ક્રાંતિને પીટર ડ્રકર આ રીતે વર્ણવે છે - 
છેલ્લાં પચાસેક વર્ષથી માહિતી ટેક્નોલોજીનાં કેન્દ્રમાં માહિતી સામગ્રી એકઠી કરવી, સંગ્રહ કરવો, સંચાર કરવો કે રજૂઆત કરવા જેવી બાબતો રહી છે.તેનું ધ્યાન 'IT'માંના ‘T'(એટલે કે ટેક્નોલોજી પર) વધારે રહ્યું છે. નવી માહિતી ક્રાંતિનું ધ્યાન ‘I'(માહિતી) પર રહેશે. માહિતીનો 'અર્થ' શું અને તેનો હેતુ શું  એ સવાલ પૂછાવા લાગશે.આને કારણે માહિતી વડે થતાં કામોની વ્યાખ્યા નવેસરથી થશે, અને તેથી એ કામ કરનારી સંસ્થાઓને પણ નવી નજરે જોવામાં આવશે.
માહિતી ટેક્નોલોજી પાસેથી વધારે માહિતી સામગ્રી, વધારે ટેક્નોલોજી કે વધારે ઝડપને બદલે નવી માહિતી, નવા આઈડીયા કે નવાં રૂપાખ્યાનોની અપેક્ષા કરાશે. મૅનેજમૅન્ટ માહિતી સામગ્રીને તંત્રબધ્ધ કરવા માટેની વધારે પ્રચલિત રીતો રજૂ કરે છે -
૧. પ્રાથમિકપણે જેના પર કામગીરી અવલંબે છે તેવી મહત્ત્વની ઘટનાઓ
૨. સામાન્ય સંભાવના વિતરણથી બહાર થતી ઘટનાઓ પારખી કાઢવા માટેના સંભાવના સિધ્ધાંતો
3. જ્યાં સુધી અર્થસૂચકતાની પરિસીમા ન વળોટે ત્યાં સુધી માહિતી સામગ્રીને ચાળતાં રહી શકે તે પ્રકારની પરિસીમા ઘટના(Threshold Phenomenon)
૪. અસાધારણ ઘટનાઓ પર ધ્યાન દેવું અને તેમનાં મહત્ત્વને નક્કી કરવું
૫. બહારનાં લોકો દ્વારા સીધું જ નિષ્પક્ષ અવલોકન જરૂરી છે.
જ્ઞાન કાર્યકર્તા - ઉત્પાદકતા અને અસરકારકતા
પીટર ડ્રકરનું કહેવું છે કે વૈજ્ઞાનિક મૅનેજમૅન્ટ, ઇન્ડસ્ટ્રીયલ એન્જિનીયરીંગ કે સંપૂર્ણ ગુણવત્તા સંચાલન જેવી વીસમી સદીની અનેક નવીન પહેલનાં મૂળમાં તો ફ્રેડરીક ટેલરની શારીરીક મજૂરીની ઉત્પાદકતા વધારવાની માનસીકતા જ છે. મશીનોથી ઉત્પાદન કરતાં એક કારખાનામાં કામ કરતા કુશળ કર્મચારીથી જ્ઞાન કાર્યકર્તા નીચે મુજબની લાક્ષણિકતાઓને કારણે જૂદો તરી આવે છે -
૧. જ્ઞાન કાર્યકર્તાનો સવાલ હશે - 'કામ શું છે?'
૨. જ્ઞાન કાર્યકર્તાએ પોતાનું સંચાલન પોતાની જાતે કરવાનું છે અને તેટલા પૂરતી તેને સ્વાયતત્તા જોઈશે.
3.  નવીનીકરણ ચાલુ રાખવું એ જ્ઞાન કાર્યકર્તાની કામગીરી, કામ અને જવાબદારીનું અભિન્ન ઘટક બની રહે છે.
૪. જ્ઞાન કામમાં સતત શીખતાં રહેવાની જરૂર રહે છે, માટે જ્ઞાન કાર્યકર્તાએ સતત શીખતા અને શીખવતા રહેવું જોઈશે.
૫. જ્ઞાન કાર્યકર્તાની ઉત્પાદકતા મૂળભૂત રૂપે નિપજના આંકડાઓનો વિષય નથી. ગુણવત્તા પણ એટલી જ મહત્ત્વની છે.
૬. જ્ઞાન કાર્યકર્તાને "ખર્ચ"ની દૃષ્ટિએ નહીં પણ 'સંપત્તિ'ની દૃષ્ટિએ જોવો જોઈએ. તેમની પાસે ઉપલબ્ધ બધી તકો છતાં પણ તેમને સંસ્થા માટે કામ કરવાનું વધારે ગમવું જોઈએ.
સ્વ-સંચાલન
સમગ્ર પુસ્તકમાં પીટર ડ્રકર પર્યાવરણ કે સમાજ, અર્થતંત્ર, રાજકારણ,ટેક્નોલોજી જેવા વિષયોની ચર્ચા કર્યા પછીથી પીટર ડ્રકર છેલ્લે સ્વ-સંચાલનના સંદર્ભમાં જ્ઞાન કાર્યકર્તાની જરૂરિયાતોની વાત છેડે છે - 
૧. તેમણે પૂછવાનું છે : હું કોણ છું? મારાં સબળાં પાસાં કયાં છે? હું શી રીતે કામ કરૂં છું?
૨. તેમણે પૂછવાનું છે : હું શેના સાથે સંકળાયેલો છું?
3. તેમણે પૂછવાનું છે : મારું યોગદાન શું છે?
૪. તેમણે સંબંધોની જવાબદારી નિભાવવાની છે.
૫. તેમણે પોતાના જીવનના બીજા ભાગનુ આયોજન કરવાનું રહે છે.
ડ્રકરનું માનવું છે કે પોતાના સબળાં પાસાં જાણવા માટે એક માત્ર માર્ગ છે પ્રતિભાવ વિશ્લેષણનો. જ્યારે પણ પોતે કોઇ મહત્ત્વનો નિર્ણય લે કે મહત્ત્વનું પગલું ભરે, ત્યારે ત્યારે તેણે લખી રાખવું જોઇએ કે પરિણામ સ્વરૂપે શું થશે. નવથી બાર મહિના પછી વિશ્લેષણ કરવું જોઈએ કે અપેક્ષાના પ્રમાણમાં પરિણામ કેવાં અને શા માટે રહ્યાં. નિષ્કર્ષ જરૂર આશ્ચર્યજનક રહેશે.પ્રતિભાબ વિશ્લેષ્ણ બાબતે ડ્રકરનું કહેવું છે કે -
૧. તમારાં સબળાં પાસાં પર વધારે ધ્યાન આપો. તમારાં સબળાં પાસાં જ્યાં વધારે સારાં પરિણામો લાવી શકે તેવી કામગીરી કરવા મળે તેમ ગોઠવો.
૨. તમારાં સબળાં પાસાંને વધારે સબળ કરવા માટે કામ કરો.પ્રતિભાવ વિષ્લેષ્ણ કયાં કૌશલ્યમાં સુધારો કરવો પડશે અને કયાં નવું જ્ઞાન જોઈશે તે બતાવશે.પોતાનું અક્ષમતાનું સ્તર ક્યારે આવી પહોંચ્યું છે તેટલી ખબર પડે એટલું કૌશલ્ય અને જ્ઞાન તો હંમેશાં હાથવગાં રાખવાં જ જોઈએ.
3. બૌધ્ધિક તુમાખીને કારણે નિષ્ક્રિય અજ્ઞાન પેદા થતાં હોય તેવાં ક્ષેત્રો ખોળી કાઢો.
૪. અસરકારક અને કાર્યકુશળ કામગીરીમાં અંતરાય બનતી હોય તેવી અનિચ્છનિય ટેવો સુધારવા માટે જરૂરી પગલાં લેતાં રહો.
૫. ખરાબ રીતભાત અને સામાન્ય શિષ્ટાચારના અભાવને કારણે થતી નિષ્ફળતાઓ શોધતાં રહો.
૬. જેમાં સાવ સામાન્ય કક્ષાની કામગીરી કરવી પડે કે જેમાં બહુ આવડત ન જોઈએ એવાં કામ કરવાનું ટાળો. તમારી તમામ શક્તિ વડે પોતાની જાતને એક સમર્થ વ્યક્તિમાંથી એક ધ્યાનાકર્ષક, અનોખા, ભરોસાપાત્ર કામ કરી શકનાર વ્યક્તિ બનવા પાછળ ખર્ચો.
જેમ દરેકનાં સબળાં પાસાં એ વ્યક્તિગત આગવાપણું છે તેમ દરેકની કામગીરી પણ આગવી હોય છે.એ તેનાં વ્યક્તિત્વનું પ્રતિબિંબ છે. મણસ કામ કરવાનું શરૂ કરે તેનાથી બહુ પહેલાં એ ઘડાઈ ચૂક્યું હોય છે. તેમાં સુધારા કરવા શક્ય છે, પણ તેને બદલી શકવું અશક્ય જ કહી શકાય.આમ દરેક વ્યક્તિ પોતે જે બાબતે સબળ છે તે મુજબનાં પરિણામ તે લાવી શકે તે જ રીતે તેમની કામગીરીની શક્તિને તે શી રીતે કામે લગાડે છે તેના પર પરિણામ આધાર  રાખે છે.
હું કઇ બાબતે સબળ છું એ સવાલનો જવાબ નક્કી કર્યા પછી ડ્રકર આપણને પૂછે કે તમે સારાં સાંભળનારાં છો કે સારાં વાચક? હું શેના દ્વારા શીખું છું? મારાં મૂલ્યો શું છે? શીખવાની અન્ય રીતોમાં નોંધ ટપકાવતાં રહેવું, પોતે જે રીતે વાત કરે છે તે સાંભળવું, લખવું અને કરવું જેવી રીતો પણ કામે લગાડી શકાય. તમે જે વિષય બાબતે જાણો છો અને નવું નવું શી રીતે શીખો છો તેને કામ લગાડવાથી પણ તમારી કામગીરી સુધારી શકાય છે.

પ્રસ્તુત પુસ્તકના આટલા સંક્ષિપ્ત પરિચયથી પણ આપણને એટલું તો સમજાઈ જ જાય છે કે પીટર ડ્રકરનાં બીજાં પુસ્તકોની જેમ પ્રસ્તુત પુસ્તકનું પહેલું વાંચન, અને પછી સમયે સમયે ફેરવાંચન, મૅનેજમૅન્ટના વિદ્યાર્થી માટ જેટલું કામનું છે તેટલું કામનું એ કારકીર્દીની સીડીનાં પહેલાં કે વચ્ચેનાં કે ટોચનાં પગથિયે ઉભેલ કોઇ પણ વ્યાવસાયિક માટે પણ નીવડશે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો