બુધવાર, 22 માર્ચ, 2017

વૈશ્વિકિકરણનાં વળતાં પાણીનો રવ સંભળાય છે?


'મેક ઈન ઈન્ડિયા','બાય અમેરિકન', 'બ્રેક્ષિટ' જેવાં ચલણી શબ્દસમૂહો એ માત્ર એકલદોકલ ઘટના છે કે પછી છે વિશ્વને એક ખૂણેથી બીજા ખૂણે સુધી વીસ્તરતો જતો એક ભાવિ પ્રવાહ? વૈશ્વિકિકરણની જોરદાર તરફેણ કરનરાંઓનો એક વર્ગ આને હજૂ હવામાં ઉડતાં તણખલાં ગણવાનું પસંદ કરે છે. કોઈક હવે 'નવાંવૈશ્વિકિકરણ'ની કેડી કંડારાતી જૂએ છે તો કોઈક 'અતિવૈશ્વિકિકરણ'નું નામ આપે છે.
વિવૈશ્વિકિકરણ શબ્દ સૌ પહેલાં ૨૦૦૨માં ફીલીપીન્સના લેખક વૉલ્ડન બેલો એ પ્રયોજ્યો એમ કહી શકાય. તેમનાં ૨૦૦૨માં પ્રકાશિત થયેલ પુસ્તક Deglobalization: Ideas for a New World Economyમાં તેમણે ભારપૂર્વક કહ્યું કે WTO દ્વારા પુરસ્કૃત વેપારના અંતરાયોનાં ઉદારીકરણ કે વિનિયમનથી વિકાસશીલ દિવસોમાં ગરીબી અને આર્થિક અસમાનતા વધારે ઘુંટાઈ જ છે. તેઓએ આંતરરાષ્ટ્રીય નાણાં ભંડૉળ જેવી વિશ્વકેન્દ્રી સંસ્થાઓની પ્રત્યક્ષ કે પરોક્ષ ધુંસરીમાંથી સ્થાનિક અર્થતંત્રને હળવાશ મળે તે મુજબની નીતિઓ પસંદ કરવાની સ્વાયત્તતાની હિમાયત કરી હતી.

હાવર્ડ બીઝનેસ સ્કુલના બીઝનેસ ઈતિહાસના પ્રોફેસર જ્યોફ્રૅ જી જોન્સ અત્યારના રાજકીય, આર્થિક અને સામાજિક સંદર્ભમાં જો કે વિવૈશ્વિકરણને ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં જૂએ છે. તેમનું કહેવું છે કે ગઈ સદીના બીજા દાયકાના અંતમાં અમેરિકન અર્થતંત્રની અચાનક જ આવી પડેલ મહામંદીનાં સૂચક તરીકે વૉલ સ્ટ્રીટનાં ધસી પડવાને પહેલું મોજું ગણવું જોઈએ. બીજું વિશ્વયુદ્ધ અને તે પછી સામ્યવાદનો વ્યાપક પ્રસાર કે અનેક જાતનાં અને ખાસ્સાં કડક નિયમનો જેવી પ્રતિક્રિયાત્મક અસરો દ્વારા એ મોજાંની અસરો વીસમી સદીના સાતમા દાયકાના અંત સુધી જોવા મળતી હતી. વીસમી સદી દરમ્યાન અર્થતંત્રને કારણે થયેલા ફાયદાઓ મોટા ભાગે અમેરિકા અને યુરોપ પૂરતા સિમિત રહ્યા. વીસમી સદીના મધ્ય સુધીમાં અણવિકસિત દેશોએ સામ્રાજ્યવાદની ધુંસરી ફગાવી દેવાને સ્વરૂપે પોતાની અપેક્ષાઓને દુનિયાને જણાવી. કાચા માલ અને મજૂરીના મૂળ સ્રોત સમા આ દેશોનાં અને આર્થિક રીતે વિકસિત અમેરિકા અને યુરોપનાં અર્થતંત્રોને WTO, IMF, World Bank જેવી આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા વડે સાંકળવામાં આવ્યાં. સદીના અંતમાં એ વ્યવ્સ્થાની અંદર જ રહીને ચીન કે ભારત જેવા દેશોએ પોતાનો અલગ માર્ગ કંડારીને પોતાની પ્રગતિનો માર્ગ શોધ્યો. એ સમયે પણ વંચિતોની સંખ્યા મોટી જ હતી. આજે પરિસ્થિતિ એ છે કે વીસમી સદીમાં જેઓએ લાભ ખાટ્યો હતો તે દેશો પણ ૨૦૦૮ના આર્થિક ભૂકંપ બાદ આજે વંચિતની કક્ષામાં આવી રહ્યાં છે. એક સમયે જે બાબતો માત્ર અને માત્ર આર્થિક (કે ટેક્નોલોજી) અસરો પૂરતી જ મર્યાદિત ગણાતી હતી તે હવે સામાજિક પરિપ્રેક્ષ્યમાં પણ જોવામાં આવે છે. અને માટે, જૂદાં જૂદાં રાજકીય ચશ્માં વડે તેનાં જૂદાં જૂદાં અર્થઘટનો કરાઈ રહ્યાં છે.

આ સદીના આ બીજા દાયકામાં ઘણું બધું ઘણું ઝડપથી બદલાઈ રહ્યું છે. ઇન્ટરનેટને કારણે વિશ્વ જેટલું જોડાયેલું દેખાય છે, સામાજિક માધ્યમોનાં આંતરિક પ્રવાહોનો અભ્યાસ કરવાથી તે નાના નાના તેટલું જ ટુકડાઓમાં વહેંચાયેલું પણ દેખાય છે.એટલું જ નહીં, બર્લિનની દિવાલના પતન બાદ ભૂરાજનીતિ પણ સમથળ બનેલી જણાતી હતી તેમાં પણ ફરીથી જગ્યાએ જ્ગ્યાએ પડ ઊંચકાવાં લાગ્યાં છે.

એનડીટીવીના પ્રોણોય રોય સાથેની વાતચીતમાં આંતરરાષ્ટ્રીય નાણાંનિષ્ણાત રુચિર શર્મા વિવૈશ્વિકરણની અસરોનાં આંતરરાષ્ટ્રીય વ્યાપાર, આંતરરાષ્ટ્રીય નાણાંની ઉપલબ્ધિ, દેશાંતરવાસીઓની સંખ્યા અને પ્રકાર જેવાં પરિંમાણો પર પોતાના મંતવ્યો જણાવે છે. સમગ્ર ચર્ચામાં ઘણી બધી બાબતોને બહુ નક્કર કક્ષાએ આવરી લેવાઈ છે. પણ તારણ તો એ જ છે કે જે ગઈ કાલ સુધી ચાલ્યું તે આજે અને આવતીકાલે નહીં ચાલે.

વૈશ્વિકિકરણના પ્રવાહોને નામ કંઈ પણ આપો, દુનિયા હવે બદલી રહી છે તે વાત નિર્વિવાદ છે. જેમ રાષ્ટ્રની સરકારે બીજાં રાષ્ટ્ર સાથે વ્યવહાર કરવા માટે નવાં નવાં કૌશલ શીખવાં પડશે તે જ રીતે વ્યાપારઉદ્યોગે પણ હવે પછીથી પોતાની પ્રવૃત્તિઓને અસરકારપણે ચલાવતાં રહેવા માટે નવા અભિગમ અને નવાં કૌશલ એમ બન્ને દિશામાં નવું શીખવું પડશે.

પરંપરાગત અર્થમાં વૈશ્વિકિકરણે વેપારના આદાનપ્રદાનથી દેશ દેશની, સમાજ સમાજની દિવાલોને ખાસ્સી છિદ્રાળુ કરી કાઢી હતી. હવે પછીનાં વૈશ્વિકિકરણમાં વ્યાપાર ઉદ્યોગોએ આ દિવાલોની બન્ને બાજૂએ આવેલ - એ દેશના એ સમાજનાં લોકો માટે કામની વધારે તકો કે પર્યાવરણવાદીઓ કે માનવીય હક્કો માટે લડતાં લોકો જેવાં- 'સ્થાનિક' હિતોને ધ્યાનથી સાંભળવાં પડશે. વ્યાપાર ઉદ્યોગે તેમનાં નાણાંકીય હિતધારકો સાથેના વ્યવહારોમાં જે કક્ષાની પારદર્શિતાથી કામ કર્યું છે તેનાથી ઘણી વધારે પારદર્શિતા તેમણે આ 'સ્થાનિક' હિતો સાથેના વ્યવહારોમાં કરી બતાવવી પડશે. કોર્પોરેટ અભિશાસનનાં ડેશબોર્ડ પર વધારે વ્યાપક હિતોને સ્થાન આપવા સાથે પોતાની કામગીરીની અસરકારકતાના માપદંડો પણ ફેરવ્યાખ્યાયિત કરવા પડશે. પોતાના ગ્રાહકના સંતોષની માત્રા નાણાંકીય આંકડાઓમાં જોવા ટેવાયેલા સફળ વ્યાપાર ઉદ્યોગ અગ્રણીઓએ હવે સામાન્ય નાગરિકની સમાનતા, વિશ્વાસ, સન્માન કે અનુકંપા જેવી અપેક્ષાને સંતુષ્ટ કરવા તરફ ધ્યાન આપવું પડશે. ગઈ કાલ સુધી જેમને માત્ર ગ્રાહક તરીકે જોતાં હતાં તેને નાગરિક પરિવેશમાં સમજવાનું જરૂરી બની રહેશે. આજના વ્યાપાર ઉદ્યોગે સ્થાનિક મૂળીયાંને ઊંડા ઉતારીને વૈશ્વિક દિશાઓમાં વિકાસની પાંખો ફેલાવવાની છે.

નવાં વૈશ્વિકરણના ઈતિહાસનાં જે પ્રકરણો લખાઈ રહ્યાં છે તે લખાઈ ગયા પછીથી તેમાંથી શીખવાનો સમય નહીં મળે. હવે તો જેમ જેમ ઇતિહાસ લખાતો જશે તેમ તેમ જ તેમાંથી શીખતાં જઈને હવે પછીની વૈતરણીને પાર કરવાની છે.
મુખ્ય સંદર્ભ સ્ત્રોત:
કેટલાક અન્ય માહિતી સંદર્ભ:
The myth of globalisation | Peter Alfandary
Off The Cuff With Ruchir Sharma: Global Economy And Its Trends

નોંધઃ અહીં મૂકેલ તસવીર પ્રતિકાત્મક છે અને નેટ પરથી સાભાર સૌજન્ય લીધેલ છે. તેના પ્રકાશનાધિકાર હક્કો મૂળ રચયિતાના અબાધિત રહે છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો