શુક્રવાર, 5 મે, 2017

બીઝનેસ સૂત્ર | ૨.૧ | નેતા - સર્જક કે સંરક્ષક કે સંહારક?




બીઝનેસ સૂત્ર | | નેતૃત્વ
સીએનબીસી - ટીવી ૧૮ પર રજૂ થયેલ દેવદત્ત પટ્ટનાઈકની ધારાવાહિક શ્રેણી 'બીઝનેસ સૂત્ર'ના પહેલા અંકમાં દેવદત્ત પટ્ટનાઈકે 'કોર્પોરેશન'ના વિષયની ચર્ચા ત્રણ ભાગમાં કરી, જેમાં તેમણે કોર્પોરેશનનો અર્થ, તેનો હેતુ અને તેના દૃષ્ટિકોણના ફલક વિષે ભારતીય પુરાણશાસ્ત્રનાં અર્થઘટનોની રસપ્રદ રજૂઆત કરી.
આ શ્રેણીના બીજા વિષય તરીકે દેવદત્ત પટ્ટનાઈકે 'નેતૃત્વ'ની પસંદગી કરી છે. નેતૃત્વની ભૂમિકા શું હોવી જોઈએ? તેનું અસ્તિત્વ ધ્યેયસિધ્ધિ માટે છે કે તેની સાથે રહેલાં લોકો માટે?  ધ્યેય આમ તો વ્યક્તિગત સંબંધ સિવાયની પ્રવૃત્તિ બની રહી શકે છે,માટે દેવદત્ત પટ્ટનાઈકનું માનવું છે કે નેતૃત્વનો સંબંધ લોકો સાથે જળવાવો જોઈએ. જેમકે મુઘલ બાદશાહો  -દુનિયાનો આશરો - જહાંપનાહ કે મરાઠા રાજાઓ -માથાં પરનું છત્ર - છત્રપતિ તરીકે ઓળખાયા. નેતાને તેમની સાથેનાં લોકોની પરવા હોય છે, તે તેમને ધ્યેય અને જરૂરી દિશાસૂચન પૂરૂં પાડે છે.જ્યારે, મોટા ભાગે, સંચાલકનું બધું ધ્યાન ધ્યેય ઉપર જ કેન્દ્રિત થતું જોવા મળતું હોય છે.ધ્યેય તરફ્નાં વધારે પડતાં ધ્યાનને કારણે, ઘણી વાર, લોકોમાટેની પરવા  કે સાધનશુધ્ધિ જેવી નૈતિકતા કોરાણે થતી જતી રહેતી પણ જોવા મળી શકે છે.
આજની આપણી પૉસ્ટમાં આપણે દેવદત્ત પટ્ટનાઈકની ટીવી સીરિયલ, 'બીઝનેસ સૂત્ર'ના બીજા હપ્તાના પહેલા ભાગની વાત કરીશું અને જોઈશું કે નેતા એ ઈન્દ્ર બનવું કે વિષ્ણુ?
બીઝનેસ સૂત્ર | ૨.૧ | નેતા - સર્જક કે સંરક્ષક કે સંહારક?
પાશ્ચાત્ય સંચાલન વિશ્વમાં સંચાલન વિજ્ઞાન હોય કે કૌશલ્ય હોય, કોઇ પણ કક્ષાએ કે સ્તરે નેતૃત્વની બહુ વિશદ ચર્ચાઓ થઈ છે, કંઈ કેટલાયે અભ્યાસો તેના સંદર્ભમાં થયા છે અને અનેક પ્રકારનાં સાહિત્ય એ વિષે દસ્તાવેજ થયેલ છે.
માટે, આ વિષય પરની દરેક પોસ્ટમાં, આપણા વિષયની ઉચિત પૂર્વભૂમિકા બાંધવામાં ઉપયોગી  થાય એટલી જ વિગત પૂરતું જ આપણે પાશ્ચાત્ય જગતની વિચારસરણીનાં ઊડાણમાં જઈશું.


મેરીસ્સા લેવિનના લેખ - Preserve, Destroy, Create: Your Only Path to Breakthrough Growth–માં આપણી આજની પૉસ્ટનાં શીર્ષકને અનુરૂપ નેતૃત્વની જૂદી જૂદી ભૂમિકાઓની બહુ સ્પષ્ટ વાત કરવામાં આવી છે:

મારા સંચાલક પ્રશિક્ષક માઈક હાર્ડન (www.ceosuccesscoach.com )સાથે જમતાં જમતાં મને બહુ સ્પષ્ટ સમજાયું કે વ્યાપારઉદ્યોગની બધી જ પ્રવૃત્તિઓ મૂળતં ત્રણ ખાનાંમાં વહેંચી શકાય - જાળવણી,વિનાશ અને સર્જન. કોઈ પણ મહત્ત્વનાં સંબંધના આદિ કે અંત જેવી અતિમહત્ત્વની કે પોતાની ટેવો કે જીવનશૈલી બદલવા જેવી સાવ સરળ ન કહેવાય તેવી કે કબાટની સાફસફાઈ જેવી સાવ દુન્યવી એવી જીવનનાં કોઈ પણ પ્રવૃત્તિઓને પણ આ જ ત્રણ ખાનામાં વહેંચી શકાય.


જાળવણી : દીવો બળતો રાખવો
સંસ્થામાં થતી મોટા ભાગની પ્રવૃત્તિઓને 'જાળવણી'નાં ખાનાંમાં મૂકી શકાય. વ્યાપાર સાહસને ચાલતું રાખવામાટે માલિક જે કંઈ કરતાં હોય તે પ્રવૃતિઓ આ પ્રકારની કહી શકાય. આ બધી જ પ્રવૃત્તિઓનું મહત્ત્વ જરા પણ ઓછું ન આંકી શકાય, પણ તેના પર વધારે ધ્યાન કેન્દ્રીત કરવાથી સંસ્થાનું ધ્યાન ટુંકા સમયની બાબતો પર કેન્દ્રીત થવા લાગે છે. નવાં નવાં કૌશલ્યોના વિકાસ પાછળ સમય ફાળવવાને બદલે જ્યારે સંસ્થા વર્તમાન કૌશલ્યોને વધારે સબળ કરવા જેવી, કે  દૂરની ક્ષિતિજે થતી નવાં હરીફોની  પ્રવૃત્તિઓ પર નજર કરવાને બદલે હાલના હરીફોની હીલચાલ પર બારીક નજર કરવા જેવી, બાબતોને 'જાળવણી'ની પ્રવૃત્તિઓ કહી શકાય. 

વિનાશ : તૂટી ગયેલ કે જૂનું થઇ ગયું હોય તેને છોડી શકવાની હિંમત
અત્યારે જ કંઈ કરી રહ્યાં છીએ તેમાનું શું વ્યાપાર ઉદ્યોગના વિકાસમાં કામ નથી આવી રહ્યું તે જાણવું બહુ જરૂરી છે.આ તબક્કાને 'વિનાશ'નો તબક્કો કહી શકાય. આજ સુધી જે કામમાં આવ્યું તે હવે પછી આગળ જવામાં કે હવે પછી ટકી રહેવામાં કામમાં નહી આવે. તેને બાજૂએ કરીને નવા માર્ગ પર આગળ જવાનો નિર્ણય કરવા માટે કાળજું કઠણ કરવું પડે છે.... સદાખ્યાત લેખક, માર્શલ ગોલ્ડસ્મિથે સાચું જ કહ્યું છે કે 'જે અહીં સુધી લઈ આવ્યું તે હવે ત્યાંસુધી નહીં લઈ જાય.'   (http://www.marshallgoldsmithlibrary.com/html/marshall/books.html )
પરિવર્તનની પીડા સહન કર્યા સિવાય વિકાસનાં ફળની મીઠાશ માણવી શક્ય નથી.
સર્જન : નવો પ્રાણ ફૂંકવો
સર્જનાત્મક પ્રવૃત્તિઓ સંસ્થાને ટકી રહેવા ઉપરાંત નવા વિકાસના માર્ગ પર આગળ લઈ જાય છે.

સીધી લીટીની કે આડીઅવળી વિચારશક્તિ
આજનાં ઉત્પાદનોને વધારે સારાં કરતાં રહેવાની સીધી લીટીમાં વિચાર કરવાની ક્ષમતાને પાર લઈ જાય તે સર્જન.
આડીઅવળી રેખામાં ચાલતી વિચાર શક્તિ હાલનાં ઉત્પાદનોને વધારે સારાં કરવાની જગ્યાએ આવતી કાલે જે કામમાં આવશે તેવાં નવાં ઉત્પાદનો પેદા કરે છે. ભૂતકાળને ભવ્યતાઓ, કે ભૂલોને, ભૂલીને સંસ્થાની યાદશક્તિમાં ભવિષ્યમાં ઉપયોગી બની રહે તેવી નવી વિચારસરણીને કામ કરતી કરવાની છે. 'આમ થાય તો કેવું સારૂં'નાં ચોકઠાની બહાર નીકળીને ભવિષ્યના પ્રશ્નોને હલ કરવા માટેની ક્ષમતાઓ ઘડવાની વાત છે.
ટકી રહેવાના તબક્કામાંથી સુવિકસિત થવાના તબક્કામાં જવું

જાળવણી, વિનાશ અને સર્જનના ત્રણ તબક્કને રોજબરોજની પ્રવૃત્તિઓમાં કેમ કરીને આવરી લેવા? શરૂઆત કરવી પડે એ જાગરૂકતાથી કે ભૂતકાળની કેટલીક પ્રવૃત્તિઓને છોડવી પડશે. પરિવર્તનની જરૂર છે એટલી જગરૂકતા એ જ પહેલં પગલું છે. આ પગલું ભર્યા પછીનું પગલું છે, જૂનાંને આયોજનપૂર્વક છોડીને નવાં માટે જગ્યા કરવી સહિતનાં પરિવર્તનનો અમલ, જે હરણફાળ વિકાસ તરફ દોરી જઇ શકે છે.
સંસ્થાને હવે પછીના સ્તરે લઇ જવામાટે જરૂરી પરિવર્તનનાં જરૂરી ઘટકો છે જાગરૂકતા, હિંમત, કાર્યવાહી અને ફળ.

અહીં નીચે મૂકેલ તસવીરમાં વિનાશનાં બહુ સરળ કહી શકાય તેવાં પાસાંઓ દર્શાવાયાં છે.આ પ્રક્રિયામાં જાણ્યેઅજાણ્યે નેતૃત્ત્વ શું ભૂમિકા ભજવી શકે છે તે આપોઆપ જ સમજાઈ શકએ છે.

7 Traits of Inspiring Leadership That Uplifts rather Than Destroysમાં કેથી કેપ્રીનો સંસ્થાની નિયતિનાં ઘડતરમાં મહત્વની ભૂમિકા ભજવતી નેતૃત્વની ખાસીયતોની વાત કરે છે:


  • આવનારા પડકારો વિષે તેઓ બહુ સ્પષ્ટ છે, પણ તેના માટે તેઓ ભય નહીં પણ વિશ્વાસ, આશા અબે સહયોગની ભાવનાને વિકસાવે છે.

  • તેમની વાકછટામાં દોષારોપણને સ્થાન નથી - તેમની ભાષા વાંક દેખાં કે નિરાશાજનક કે ઉતારી પાડતાં સ્તરે કદી પણ નથી ઉતરી પડતી.

  • તેમનું આત્મગૌરવ રચનાત્મક આલોચના અને વિવેચનને કારણે ડગી નથી જતું,ઉલટાનું તેને તેઓ આવકારે છે.

  • તેમની સંવાદ શૈલી સકારાત્મક છે જે આપણામાંની વિકાસશીલ શકયતાઓને પ્રેરણા આપે છે.

  • તેઓએ તેમની પાસે જી-હજૂરીયાઓને એકઠા નથી તહ્વા દેતાં - વિવિધ, સાચા અને ખુલા વિચારો રજૂ કરનારાં લોકો સ્વાભાવિકપણે તેમની આસપાસ આકર્ષાય છે.

  • તેમને જે સફળતા જોઈતી હોય છે તે કોઇ એક સમુદાય કે સંસ્થાના કોઈ એક જ ભાગ પૂરતી મર્યાદિત નહીં પણ બધાં માટે સફળતા અને તકોના દરવાજા ખોલી આપે તેવી હોવી જોઈએ.

  • સંજોગો ગમે તેટલા પ્રતિકુળ હોય કે ગમે એટલા સાનુકુળ હોય,નૈતિકતા, સત્ય અને પારદર્શકતા તેમનાં દરેક વાણીવર્તનવિચારમાં હંમેશ જોવા મળે છે


અને હવે આ વિષયમાં દેવદત્ત પટ્ટનાઇકનું શું કહેવું છે તેના તરફ ધ્યાન આપીએ. શ્રેણીના બીજા મણકાના પહેલા ભાગ - નેતા - સર્જક કે સંરક્ષક કે સંહારક?-માં તેમણે ઈન્દ્ર અને વિષ્ણુની નેતૃત્વ ખાસીયતો વડે, નેતૃત્વની ભૂમિકા વિષે હિંદુ પુરાણોના વિચારો આપણી સમક્ષ મૂક્યા છે. 


દેવોનો રાજા ને સ્વર્ગનો અધિપતિ, ઈન્દ્ર, હંમેશાં સફળતા અને લક્ષ્મીની પાછળ ભમતો જોવા મળે છે, પણ લક્ષ્મી તો વિષ્ણુની બાજુમાં બેસવાનું પસંદ કરે છે. તમે સફળતાની પાછળ ભમતા ઈન્દ્ર છો કે જેની પાછળ સફળતા ભમે છે તેવા વિષ્ણુ છો?

ખરા અર્થમાં નેતા કેવો હોય અને નેતૃત્વ માટેની આદર્શ લાક્ષણિકતાઓ શું હોવી જોઇએ તે આ સવાલના જવાબમાં જ સમાયેલ છે.

ખરેખર તો ઈન્દ્ર નેતા જ નથી કેમકે અહીં આપણે નેતાની જે વ્યાખ્યા કરીએ છીએ તેની ભૂમિકા તો બહુ વ્યાપક હોય છે. વિષ્ણુની ભૂમિકા શું છે? તે સમગ્ર વિશ્વની સંભાળ રાખે છે. બીજા શબ્દોમાં કહીએ તો તેમનાં કામનો સંદર્ભ આખી દુનિયા છે, પોતે જ નહીં. તે સ્વ-યથાર્થીકરણની પાછળ નથી પડ્યા. તે તો બીજાંની સંભાળ લે છે અને તેમ કરતાં નસીબચુંબક બની રહે છે. જ્યારે ઈન્દ્ર પોતા સિવાય બીજા કોઈની પરવા નથી કરતો, તેને પોતાનાં યથાર્થીકરણની પડી હોય છે.

ઈન્દ્ર સ્વ-કેન્દ્રી છે અને માટે અસલામત છે, તેથી તે લક્ષ્મીની પાછળ ભમે છે.વિષ્ણુનું ધ્યાન બીજાં પર રહે છે, એટલે તે વધારે સલામતી અનુભવે છે, અને તેથી લક્ષ્મી તેમની પાછળ ભમે છે.

ના, ખરેખર તો વિષ્ણુ બીજાંની તરફ ધ્યાન આપે છે માટે સલામતી નથી અનુભવતા. એ તો સલામત છે, અને માટે બીજાંની સંભાળ લે છે.
તેમ છતાં જ્યારે જ્યારે પણ આપણે વિશ્વનાં સર્જનની વાત કરતાં હોઈએ છીએ ત્યારે આપણે ત્રણ ભગવાનની વાત કરીએ છીએ. કમસે કમ, એવી લોકમાન્યતા છે. એ ત્રણ છે - સર્જનહાર, બ્રહ્મા; પાલનહાર, વિષ્ણુ અને સંહારક, શિવ. આમાંથી તર્ક અનુસાર એક સવાલ એ થાય કે આ ત્રણેયમાં વિષ્ણુનું જ મહત્ત્વ કેમ વધારે છે? તેમની જ વધારે પૂજા કેમ થાય છે?
આપણે જ્યારે સર્જનની વાત કરીએ છીએ ત્યારે સર્જન શબ્દ આપણા મનમાં બાઇબલમાં કહ્યું છે તેવા આ દુનિયાના સર્જનહારનું જ ચિત્ર ખડું કરે છે. પરંતુ હિંદુ સંદર્ભમાં વિશ્વના સર્જનહારની પૂજા નથી થતી, પણ સંહારકની પૂજા થાય છે. આવું કેમ હશે? ક્યાં તો આપણામાં કંઈક ગાંડપણ છે કે ક્યાં તો શબ્દોની આપણી સમજમાં જ કંઈક ખામી છે!સર્જન શેનું? વિનાશ શેનો? જાળવણી શેની? આ સવાલો પૂછવા જોઈએ.
આપણે જ્યારે બ્રહ્માનું કામ જોઇએ, તેમના વિષે પુરાણોમાં વાંચીએ, ત્યારે જોવા મળે છે કે તેઓ હંમેશાં ઉત્કટ ઈચ્છાઓ ધરાવતા જણાય છે. તે બધી બાબતોની પાછળ લાગેલા રહે છે, કેમકે પોતે શું છે, કોણ છે તે સમજવાની તેમને સતત ખોજ છે. માટે તેઓ જે વિશ્વનું સર્જન કરે છે તેમાં પોતે કોણ છે તેનો જવાબ મળે તેમ કરતા રહે છે.વિશ્વનું સર્જન કરતી વખતે જવાબ નક્કી કરવાને બદલે તે જવાબની શોધની પાછળ લાગી જાય છે. તેને તે પોતાના કબજામાં રાખી તેના પર પોતાનાં નિયંત્રણ દ્વારા તેની પર પોતાનું પ્રભુત્વ પ્રસ્થાપિત કરવામાં લાગેલા રહે છે. આમ આ આખી પ્રક્રિયામાં તેમની નજર તેમના મૂળ હેતુ પરથી ખસી જાય છે.એટલે તેઓ ભૂલાઇ પણ જાય છે અને પરિણામે પૂજાતા પણ નથી. તેમની ઈચ્છાઓની ઉત્કટતા તેમને ખોટી બાબતોની પાછળ ફરતા કરી મૂકે છે.
એમ કહી શકાય કે બ્રહ્મા અહં બ્રહાસ્મિ, હું અને તમે,ની ભાવનાનું પ્રતિક બની રહે છે. સામાન્ય માનવી તરીકે આપણે કંઈકને કંઈક બાબત પાછળ ભાગતાં જ હોઈએ છીએ, જેને પરિણામે આપણને ખરેખર શું જોઈએ છે તેના પર તો આપણી નજર રહેતી જ નથી. એટલે જ, સમયે સમયે આંતર્‍દર્શન કરીને આપણે આપણા મૂળભૂત હેતુની સમજ તાજી કરતાં રહેવું જોઈએ.
આની સામે જે ભગવાનોની પૂજા કરાય છે તે છે વિષ્ણુ અને શિવ. આ બન્ને ભગવાનો દેવીઓની પાછળ નથી લાગતા, બલ્કે દેવીઓ સામેથી તેમની પાસે આવે છે. આ બન્ને ભગવાન વચ્ચે ફએઅક એ છે કે શિવ દુનિયામાં કંઈ મહત્ત્વનું નથી, બધું ખોટું છે, બધી માયા છે. એટલે હું મારી આંખો બંધ કરીને દુનિયાને મારી સામેથી હટાવી દઉં છું. આમ એ બધાંનો ત્યાગ કરી દે છે, બધું છોડી દે છે. જ્યારે વિષ્ણુ કહે છે દુનિયાનું કોઈ મહત્ત્વ નથી એટલે તેની પરવા કર્યા વગર ખુશ રહો. આમ સવાલ દૃષ્ટિકોણનો જ છે.
આમ પુરાણો આપણી સમક્ષ ત્રણ પાત્રો રજૂ કરે છે, જે દરેક તેમની સમક્ષની પરિસ્થિતિ સાથે અલગ અલગ રીતે કામ લે છે. એક કહે છે હું સતત લક્ષ્મીની, કે સરસ્વતી કે દુર્ગાની, પાછળ ભમીશ. એ બ્રહ્મા છે. પણ આ વાત કોઇ સામાન્ય માનવીની જિંદગીમાં હંમેશ નથી બનતી દેખાતી.બીજા અંતિમે છે શિવ જે તો સીધે સીધી સ્વિચ જ પાડી દે છે. તેમને આ બધાંની કંઈ જ પડી નથી.એ વૈરાગી, સંન્યાસી છે. તેમની આસપાસ બરફાચ્છાદિત પહાડો છે જે વિનાશનું પ્રતિક જણાય છે.સમગ્ર વિશ્વથી સાવ જ  અલગ તેઓ સમાધિ લગાવીને બેઠા છે. દેવી તેમની પાસે જાય છે અને તેમને કહે છે કે તમને શું જોઈએ છે કે નથી જોઈતું એ તમે તો સમજો છો, પણ બાકીની આખી દુનિયા તેનાથી અજાણ છે. તેમની આંખો ખોલવા દેવી તમને વિનવે છે. તેમની સાથે લગ્ન કરીને તેમને દુનિયા સાથે સંબંધ બાંધવા માટે પ્રાર્થના કરે છે.આમ આપણી સામે શિવનાં બે સ્વરૂપ છે - એક છે શિવ, જેમની આંખો બંધ છે અને બીજા છે શંકર, જેમની આંખો ખુલ્લી છે. શંકર લોકહિતેચ્છુ છે, તેઓ વરદાન આપે છે. દુનિયા સાથે તેમને સંબંધ છે.વિષ્ણુ સેવક છે, જેમની આંખો હંમેશાં ખુલ્લી હોય છે. જ્યારે પણ આપણે વિષ્ણુનાં મંદિરમાં જશું તો તેમની આંખો ખુલ્લી જોવા મળશે.તેમની નજર આપણા ઉપર છે. તેમને ખબર છે આપણે બધાં બ્રહ્મા છીએ,તેમને આપણી પરવા છે એ જણાવવાની કે તમે રાહ ભટકી ગયાં છો. એ વાતનું તેમને અચરજ પણ છે. એ અર્થમાં તે પણ શંકર જેવા જ છે.

આપણે આમ કરવાની, એ પ્રકારના નેતા બનવાની જરૂર છે જે બીજાંની દરકાર કરવાની સમજ ધરાવે છે. નેતા તમારો ભૌતિક (લક્ષ્મી), બૌદ્ધિક (સરસ્વતી) અને ભાવનાત્મક (દુર્ગા) વિકાસ થવામાં મદદરૂપ થાય છે. નેતાની મુખ્ય ભૂમિકા જ એ છે. આમ કરતાં કરતાં, તમારા વિકાસ દ્વારા એ પોતાનો પણ વિકાસ કરે છે.

હવે વિચારવાનુ છે કે સમગ્ર વિશ્વનાં સર્જન કરનારને બીજા બે ભગવાન જેટલું મહત્ત્વ કેમ નથી અપાયું.

આ સવાલનો જવાબ મેળવવા આપણે એ જાણવું રહ્યું કે તેમને શેની રચના કરી છે. એ જાણવા આપણે ફરીથી પુરાણો તરફ વળવું પડશે.અહીં જોવા મળે છે કે તેમણે ઇછા પેદા કરી, અજ્ઞાન પેદા કર્યું, તેમણે ભાગદોડ પેદા કરી છે. તેમણે આંધળાપાટાની,પાગલપન કહી શકાય તેવી દોડ સરજી છે. બોલો, તો જેમણે તમને ઊભૂ પૂંછડીએ દોડતા કર્યા તેમની તમે પૂજા કરશો કે કે તમને આ બધાંથી દૂર ખસીને દેવી તમારી તરફ આવે તેમ કરવા કહે તેમની પૂજા કરશો. નક્કી તમારે કરવાનું છે.

દેખીતી રીતે, પાશ્ચાત્ય અને હિંદુ દૃષ્ટિકોણ નેતૃત્વનાં બે અંતિક સ્વરૂપો આપણી સમક્ષ રજૂ કરતાં હોય તેમ જણાય છે. પરંતુ શું પ્રસ્તુત છે તે એ સમયના સંદર્ભ પર આધારિત છે. નેતૃત્વનાં કયાં સ્વરૂપને અપનાવવું એ આપણે નક્કી કરવાનું છે.
એક બીજી વાત પણ નોંધવી જોઈએ - આ બધી જ ચર્ચા માત્ર સંચાલન ક્ષેત્રમાં નેતૃત્ત્વને નહીં પણ જીવનનાં કોઈ પણ ક્ષેત્રની પ્રવૃતિમાં નેતૃત્વને પણ એટલી જ લાગુ પડે છે.
આવતા મહિને આપણે દેવદત્ત પટ્ટનાઇકની ટીવી શ્રેણી 'બીઝનેસ સૂત્ર'ના બીજા હપ્તાના બીજા ભાગ  - નેતૃત્વનો સંદર્ભ -ની વાત કરીશું.
નોંધ: આ પૉસ્ટમાં ઉપયોગમાં લેવાયેલ દરેક ચિત્રના પ્રકાશાનાધિકાર તેના રચયિતાના જ અબાધિત છે. અહીં તેમનો ઉપયોગ માત્ર ચર્ચાના સંદર્ભને સમજવામાં સરળતા રહે તે ઉદ્દેશ્યથી કરાયો છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો