શુક્રવાર, 4 ઑગસ્ટ, 2017

બીઝનેસ સૂત્ર | ૩.૧| ધર્મ અને ધર્મ સંકટ


બીઝનેસ સૂત્ર | | ધર્મ : નીતિશાસ્ત્ર અને તેને અનુરૂપ નૈતિક આચાર-વિચાર
સીએનબીસી - ટીવી ૧૮ પર રજૂ થયેલ દેવદત્ત પટ્ટનાઈકની ધારાવાહિક શ્રેણી 'બીઝનેસ સૂત્ર'ના પહેલા અંકમાં દેવદત્ત પટ્ટનાઈકે 'કોર્પોરેશન'ના વિષયની ચર્ચા ત્રણ ભાગમાં કરી, જેમાં તેમણે કોર્પોરેશનનો અર્થ, તેનો હેતુ અને તેના દૃષ્ટિકોણના ફલક વિષે ભારતીય પુરાણશાસ્ત્રનાં અર્થઘટનોની રસપ્રદ રજૂઆત કરી.
નેતૃત્ત્વની ભૂમિકા અને ખાસીયતો, નેતૃત્ત્વનો સંદર્ભ અને જૂદાં જૂદાં વ્યાપાર ચક્રમાં નેતૃત્વ એમ ત્રણ ભાગમાં આ શ્રેણીના બીજા વિષય તરીકે દેવદત્ત પટ્ટનાઈકે  નેતૃત્વના વિષય વિષે હિંદુ પુરાણોના દૃષ્ટિકોણની રજૂઆત કરી છે..
બીઝનેસ સૂત્ર શ્રેણીના ત્રીજા અંકમાં દેવદત્ત પટ્ટનાઈકે વ્યાપાર (અને તેની સાથે સંકળાયેલા
અગ્રણીઓ)ના આચાર-વિચારના નીતિનિયમોને 'ધર્મ'માં સાંકળી લીધેલ છે.નીતિ અને નૈતિક આચાર-વિચાર એ મનુષ્યની નિપજ છે. વનસ્પતિ અને પ્રાણી જગત તો કુદરત (પ્રકૃતિ)વડે ઘડાતા સંજોગો પ્રમાણે વર્તે છે. તેમને પસંદગીનો અવકાશ નથી.દરેકને પોતાની કોઈને કોઈ કુદરતી લાક્ષણિકતાઓ છે. માણસ જાત (પ્રુરૂષ)ને જ પોતાની પસંદગી મુજબ વર્તી શકવાની ક્ષમતા મળી છે, એટલે જો તે ઈચ્છે તો તેના 'જાતિગત' ભાવને અતિક્રમી શકે છે. ધર્મ - માણસની પોતાની નીતિ અને તેનાં આચાર-વિચાર -નો મૂળભૂત સિધ્ધાંત આ વિચારમાં રહેલ છે. આ સમગ્ર વિભાવનાને રામાયણ અને મહાભારતમાં બહુ સરસ રીતે રજૂ કરાયેલ છે. ધર્મ એક સિધ્ધાંત છે, નિયમ નહીં. એટલે જ રામાયણમાં નિયમોનાં પાલન વડે તો મહાભારતમાં નિયમો તોડીને, એ પરિસ્થિતિના ખરા સદર્ભ અનુસાર, ધર્મનું પાલન કરાયું છે.
બીઝનેસ સૂત્ર | ૩.૧| ધર્મ અને ધર્મ સંકટ
આ વિષય પરની ચર્ચાની વિગતોમાં જતાં પહેલાં પાશ્ચાત્ય મૅનેજમૅન્ટ સાહિત્ય નીતિ અને આચાર-વિચાર વિષે શું કહે છે તે આપણે સમજી લઈએ.
Understanding ethics and morality in businessમાં બહાઉદ્દીન મુજ઼્તબાનું કહેવું છે કે મૂલ્યો એ વ્યક્તિગત માન્યતાઓનું સ્વીકારેલ કથન છે, નીતિ એ પોતે સ્વીકારેલ મૂલ્યોનું પાલન છે અને નૈતિક આચાર-વિચાર એ સમાજની નજરોમાં સદવ્યવહાર છે જેનાથી માનવજાતનું ભલું થાય છે..મૂલ્યો, નીતિ અને નૈતિક આચાર-વિચારને સમજણમાં ઉતારીને સંસ્થાનો માલિક (કે સંચાલકો) વિધિસરની વ્યૂહરચના અને નિર્ણય-પ્રક્રિયાનું અસરકારક માળખું બનાવી શકે છે.નિર્ણય-પ્રક્રિયામાં નીતિ વિષયક સિધ્ધાંતોને સામેલ કરવાની તૈયારી પોતાની ન્યાયસંગત રહેવા માટેની પ્રતિબધ્ધતા દર્શાવે છે, તેમ જ સંભવિત  નૈતિક સમસ્યાઓનાં નિવારણ માટેની ભૂમિકા રચે છે.

Difference Between Morals and Ethicsમાં સુરભિ એસ નીતિ અને નૈતિક આચાર-વિચાર વચ્ચેના ફરકને સ્પષ્ટપણે સમજાવે છે. Morals (નૈતિક આચાર વિચાર)ગ્રીક મૂળ “Mos” પરથી ઉતરી આવેલ છે, જેનો અર્થ થાય છે રીત-રિવાજ. જ્યારે Ethics (નીતિ) ગ્રીક મૂળ શબ્દ “Ethikos” પરથી ઉતરી આવેલ છે, જેનો અર્થ થાય છે ચારિત્ર્ય.બીજા અર્થમાં કહીએ તો નૈતિક આચાર વિચાર આસપાસના સમાજ વડે નક્કી થાય છે જ્યારે નીતિ એ વ્યક્તિનું ખુદનું, પોતાની આંતર્દષ્ટિથી જોવાતું ચારિત્ર્ય છે.
સરખામણીનો આધાર
નૈતિક આચાર-વિચાર
નીતિ
અર્થ
નૈતિક આચાર-વિચાર એ વ્યક્તિ કે તેની આસપાસના સમાજની શું યોગ્ય અને શું અયોગ્ય તે વિષેની માન્યતાઓ છે
નીતિશાસ્ત્ર વ્યક્તિ કે સમાજને શું સાચું અને શું ખોટું એ નક્કી કરવા માટેના માર્ગદર્શક સિધ્ધાંતો પૂરા પાડે છે.
શું છે?
સામુદાયિકપણે નક્કી થયેલા સર્વમાન્ય સિધ્ધાંતો  
ચોક્કસ સંજોગો સામેનો પ્રતિભાવ
મૂળ શબ્દ
Mos - જેનો અર્થ છે રીત-રિવાજ
Ethikos - જેનો અર્થ છે ચારિત્ર્ય.
નક્કી થાય છે
સામાજિક અને સાંસ્કૃતિક રિવાજોથી
વ્યક્તિગત કે કાયદાકીય,માપદંડો
શેની સાથે સંકળાય છે?
સાચું અને ખોટુંના સિધ્ધાંતો  
સાચી કે ખોટી વર્તણૂક
વ્યાપારમાં લાગૂ પડે  
ના
હા
સુસંગતતા
સામાજિક કે સાંસ્કૃતિક વાતવરણ અનુસાર નૈતિક આચાર-વિચાર અલગ હોઈ શકે છે.
નીતિ, સામાન્યતઃ, બદલતી નથી.
અભિવ્યક્તિ
નૈતિક આચાર વિચાર નિયમો અને વિધાનોનાં રૂપે વ્યક્ત થતા હોય છે.
નીતિ અમૂર્ત છે.
વિચારવાની અને અમલ વિષે નક્કી કરવાની છૂટ 
ના
હા
Business Ethicsમાં વિષયની સંક્ષિપ્તમાં છણાવટ કરાયેલ છે.
Conventional Approach to Business Ethics Business and Society પુસ્તકનાં Business Ethics Fundamentals શીર્ષસ્થ સાતમા પ્રકરણ પરથી તૈયાર કરાયેલું પ્રેઝન્ટેશન છે, જેમાં પણ આપણને ઘણી મૂળભૂત બાબતોનો પરિચય થાય છે.

12 Ethical Principles for Business Executives : જ્યારે નૈતિક વ્યક્તિએ કેમ વર્તવું કે ન વર્તવું એ નક્કી કરતા માપદંડો નક્કી કરતાં સક્રિય પગલાંઓનાં રૂપમાં જ્યારે નૈતિક મૂલ્યો રૂપાંતરિત થાય છે ત્યારે તે નૈતિક સિધ્ધાંતો બની રહે છે.અહીં કેટલાક સિધ્ધાંતો રજૂ કરાયા છે જેના વડે વ્યક્તિની નૈતિક વર્તણૂક સાથે તેની લાક્ષણિકતાઓ અને મૂલ્યોને લોકો સાંકળી લેતાં હોય છે.

  • પ્રામાણિકતા - બધાજ વ્યવહારોમાં પ્રમાણિક અને સાચાચોખાપણું
  • નૈતિકતા - વ્યક્તિગત નૈતિકતા અને પોતાની માન્યતાઓમાં વિશ્વાસ, જે ગમેતેવા વિપરિત સંજોગોમાં પણ પોતે માને છે તે કરવા પ્રેરણા પૂરી પાડતાં રહે.
  • વચનપાલન અને ભરોસાપાત્રતા - વિશ્વાસ મૂકવા લાયક
  • વફાદારી - વિશ્વાસમૂકવા પાત્ર, વ્યક્તિ કે સંસ્થા પ્રત્યે અવળા સંજોગો દરમ્યાન પણ મિત્રને છાજે એ રીતે પડખે ઊભા રહેવું અને કર્તવ્ય પ્રત્યે પ્રતિબધ્ધતા
  • ન્યાય અને ઔચિત્યસંગતિ - બધા જ વ્યવહારોમાં ન્યાય અને ઔચિત્યસંગતિ
  • અન્યની પરવા - લાગણી, સંવેદનશીલતા, ભલું ઈચ્છવું / કરવું
  • બીજાં માટે સમ્માન - નિર્ણયો સાથે લાગતાં વળગતાં લોકોનાં માનવસહજ ગૌરવ, સ્વાયત્તતા, સ્વાભાવિક હક્કો અને હિતો પ્રત્યે સમ્માનની દૃષ્ટિ 
  • કાયદાપાલક - વ્યાપારને લગતા કાયદાઓ, નિયમો અને નિયમનોનું પાલન
  • ઉત્કૃષ્ટતા માટે પ્રતિબધ્ધતા - કર્તવ્યપાલનમાં પોતાથી બનતું શ્રેષ્ઠ કરવાની ભાવના, પોતાનાં કામમાં હંમેશાં વધારે સાંરૂ કરવા માટે હંમેશાં માહિતગાર અને પ્રયત્નશીલ રહેવું
  • નેતૃત્વ - પોતાનાં સ્થાનને અનુરૂપ જવાબદરી અને તકો પ્રત્યે સભાન; સકારાત્મક, આદર્શ વિચાર, વાણી અને વર્તન,
  • આબરૂ અને મનોબળ - સંસ્થાની આબરૂ અને પોતાની સાથેનાં લોકોનાં મનોબળને ટકાવી રાખવાં / વધારવાં 
  • ઉત્તરદાયિત્વ - પોતાના નિર્ણયો અને ભૂલોની નૈતિકતા માટે પોતાની સાથેનાં લોકો, પોતાની સંસ્થા અને સમાજ પ્રત્યેની જવાબદારીની સ્વયંસ્વીકૃતિ

The Seven-Step Path to Better Decisions - આપણે દરરોજ કેટલાંય નિર્ણયો કરતાં હોઈએ છીએ. મોટાભાગનાં લોકો નિર્ણય પહેલાંનાં પ્રલંબ વિચાર કરવાને યોગ્ય નથી ગણતાં, પણ મહત્ત્વના
નિર્ણયો વિષે સવાલ ઊઠે છે ત્યારે જવાબ દેવું આકરૂં પડતું હોય છે. Making Ethical Decisions પુસ્તકમાંથી આ નિર્ણય પ્રક્રિયા માટે સારાં ગણાય એવાં સાત કામોને અહીં નોંધેલ છે.

  • થોડું રોકાઓ અને વિચારો  - સારા નિર્ણયો લેવા માટે સૌથી જૂની સલાહ - પહેલેથી વિચારો. 
  • લક્ષ્યો સ્પ્ષ્ટ રાખો  - ટુંકા તેમ જ લાંબા ગાળાનાં લક્ષ્યો બાબતે સ્પષ્ટતા કેળવવાનો આગ્રહ રાખો
  • હકીકત નક્કી કરો - હકીકત અને તેના સંદર્ભને લગતાં દરેક પાસાંને સમજવાં
  • વિકલ્પો વિકસાવો - લક્ષ્ય સિદ્ધિમાટે શક્ય એટલા વિકલ્પો વિષે વિચારો અને તેમના લાભાલાભનું  વિશ્લેષ્ણ કરો  
  • પરિણામોનો વિચાર કરી રાખો - બે પધ્ધતિઓથી સંભવિત પરિણામોનો અંદાજ બાંધી શકાય - 'વિકલ્પોને “Pillar-ize” કરવા' - ચારિત્ર્ય, ભરોસાપાત્રતા, સમ્માન, જવાબદારી, ન્યાયસંગતિ, બીજાંની પરવા અને સારા નાગરિક બનવું એવાં છ ગળંણાં વડે વિકલ્પોનું વિશ્લેષણ કરો. અને 'હિતધારકો નક્કી કરો' - નિર્ણયની અસર કોને કોને થઈ શકે છે
  • નક્કી કરો - નિર્ણય લો  
  • ધ્યાન રાખતાં રહો અને જરૂર મુજબ ફેરફાર કરો - આયોજન પ્રમાણે આગળ વધાઈ રહ્યું હોય કે ન રહ્યું હોય, પરિસ્થિતિ અને નિર્ણયોની સમય સમયે સમીક્ષા કરો
પાશ્ચાત્ય મેનેજમૅન્ટ સાહિત્યની દૃષ્ટિએ નીતિ અને નૈતિક આચાર-વિચાર વિષેની કેટલીક પાયાની બાબતોની ચર્ચાથી પરિચિત થયા પછી આપણે હવે વ્યાપાર-ઉદ્યોગમાં પ્રવૃત્ત સંસ્થા કે અગ્રણી સંચાલકના સંદર્ભમાં શું કહેવાયું છે જાણવાની કોશીશ કરીએ.
એક સરસ રજૂઆત સાથેના HBRમાં પ્રકાશિત થયેલા લેખ - How did Peter Drucker see Corporate Responsibility? -માં ફ્રાંસેસ હૅસલબીઈન નોંધે છે કે પીટર ડ્રકરનું કહેવું છે કે ' દરેક ક્ષેત્રની દરેક સંસ્થાનાં અગ્રણી....ની બે જવાબદારીઓ છે. એ લોકો સંસ્થામાં તેમની કામગીરી બાબતે જવાબદાર અને ઉત્તરદાયી છે. એ માટે તેમણે અને તેમની સંસ્થાઓએ એકાગ્ર થવું પડે, એકધ્યાન થવું પડે અને સિમિત થવું પડે. તે ઉપરાંત, તેઓ સમગ્ર સમાજને પણ જવાબદાર છે.'…પીટર ડ્ર્કર વેપાર જગતના અગ્રણીઓને તેમની સંસ્થાની સમાજ પ્રત્યેની જવાબદારી વિષે જાગૃત થવા કહેતા રહ્યા છે. તેમનાં આચાર વિચાર અને નૈતિક વર્તણૂકમાં ઉચ્ચ કક્ષાનાં પ્રામાણિક નૈતિકતાનાં શિખરો સર કરીને; પરિણામો પર ખાસ ભાર મૂકીને; પોતાનાં સબળાં પાસાંઓને હજૂ વધારે સબળ બનાવીને અને અંશધારકોની આવશ્યકતાઓની સીમાઓના વાડા અતિક્રમીને સર્વજનાય હિતમાં પોતાની 'કામગીરીના જુસ્સા'ને મૂતિમંત કરવાના કોલ તેમણે અગ્રણીઓને અનેકવાર આપ્યા છે.'
What is Business Ethics?’ - પીટર ડ્રકર બહુ સ્પષ્ટતાથી કહેતા રહ્યા છે પાશ્ચાત્ય નૈતિકવાદીઓ માટે નીતિમય વ્યાપાર એ મૂળતઃ વિરોધાભાસ છે. જોકે પાશ્ચાત્ય પરંપરાનાં દરેક અધિકૃત વૃતાંતોમાં એક વાતે તો સંપૂર્ણ સહમતી છે : વ્યક્તિગત વર્તણૂક માટે એક જ નીતિશાસ્ત્ર હોય, એક જ આચાર-વિચાર સંહિતા હોય જેમાં દરેકને એક સામન નિયમો લાગૂ પડતા હોય. નૈતિક રીતે શું સાચું કે શું ખોટું તેનો આધાર તેમના સામાજિક કે સાંસ્કૃતિક સંદર્ભ પર આધાર રાખે છે. સમગ્ર  લેખમાં તેમણે છેક ૧૮મી સદીથી નીતિમય વેપારની પરિભાષાના વિકાસને ગ્રંથસ્થ કરીને નીતિમય વેપારના પરિપ્રેક્ષ્યને આપણી સમક્ષ રજૂ કરેલ છે.
સંસ્થાની એક એક વ્યક્તિના, કંઇક અંશે જૂદા પડતા, નૈતિક આચાર અને વિચાર સંસ્થાની સમગ્ર પ્રામાણિકતામાં રૂપાંતરીત કરવાના રહે છે.

એચબીઆર પર પ્રકાશિત થયેલ લેખ, Managing for Organizational integrity.માં  લીન એસ પૈન વ્યક્તિના નૈતિક આચાર-વિચારનાં ઘડતરમાં સંસ્થા શું અને કેમ ફાળો આપી શકે તે રજૂ કરે છે.  

આજના વિષયને લગતા કેટલાક વિડીયો જોઈએ:

DuPont Sustainable Solutionsએ કાર્યસ્થળ પર નૈતિકતાને સમજાવવા માટે ૧૭ રોજબરોજની પ્રવૃત્તિઓ પસંદ કરી છે અને પછી હળવા સૂરમાં એ પ્રવૃત્તિઓને કરવાની, નૈતિક દૃષ્ટિકોણથી,સાચી રીત કઈ અને ખોટી રીત કઈ તે બતાવ્યું છે.

Creating ethical cultures in business: Brooke Deterline at TEDxPresidio –
Heroic Imagination Project (HIP)નાં કોર્પોરેટ ડીરેક્ટર તરીકે બ્રૂક ડીટરલીન સંચાલન મંડળો, સંચાલકો અને ટીમોને પડકારભર્યા સંજોગોમાં હિંમત અને નૈતિકતાથી વર્તવા માટે જરૂરી કૌશલ્ય ઘડવામાં મદદ કરે છે. આને કારણે નેતૃત્વ વિષે વિશ્વનિયતા અને નિખાલસતાનું વાતાવરણ બને છે. પરિણામે આપસી વિશ્વાસ વધે છે અને કર્મચારીઓનું સંસ્થા સાથે તાદત્મ્ય પણ ઘનિષ્ઠ બને છે, જે આગળ જતાં જોખમો ઘટાડવામાં મદદરૂપ બને છે.



Legal vs. Ethical Liability: A Crisis of Leadership and Culture | Mel Fugate | TEDxSMU
પ્રો. ફ્યુગેટ અહીં સમજાવે છે કે, વ્યક્તિગત  તેમ જ સંસ્થાગત,  દરેક સ્તરે સંચાલકોએ કાયદાકીય જવાબદારીથી ઉપર ઊઠીને નૈતિક જવાબદારી પર ધ્યાન આપવું જોઈએ.નૈતિક જવાબદારી સંચાલકનાં ચારિત્ર્યની સાચી કસોટી છે તેમજ સંસ્થાનાં વાતાવરણની ગુણવત્તાનો માપદંડ છે.આ માટ એતેમણે ઉચ્ચ  શિક્ષણનું ઉદાહરણ લીધું છે. તેમનું કહેવું છે કે ઉત્તરદાયિત્વના અભાવને કારણે આ ક્ષેત્રમાં નેતૃત્વ અને સાંસ્કૃતિક વાતાવરણને લગતી ગંભીર સમસ્યા ઊભી થઈ છે. કોલેજ કક્ષાના રમતગમતને લગતા કાર્યક્રમોનાં બદનામ કિસ્સાઓનાં  ઉદાહરણ લઈને યુનિવર્સિટી નેતૃત્વને લઈને જે વ્યાપકપણે સમસ્યા પ્રસરેલી જોવા મળે છે તેની ચર્ચા કરે છે.અનૈતિક વર્તણૂકના જૂદા જૂદા પ્રકારો જોવ મળે છે તેનાં સંભવિત કારણોની ચર્ચા કરવા સાથે આ પડકારોનો સામનો કેમ થઇ શકે તેની પણ તેઓ વાત કરે છે.

પાશ્ચાત્ય સાહિત્યના અનેકવિધ વિચારો અને રજૂઆતો પર નજર કર્યા પછી આપણે હવે આ વિષયમાં દેવદત્ત પટ્ટનાઇકનું શું કહેવું છે તેના તરફ ધ્યાન આપીએ. ત્રીજા મણકાના પહેલા ભાગ -ધર્મ ને ધર્મ સંકટ-માં નૈતિક પ્રામાણિકતાના ધર્મનાં પાલનમાં કેવાં કેવાં સંકટ આવી પડી શકે છે એ વાતનો તંતુ પક્ડીને આપણી સમક્ષ વિષયનું આખું ફલક રજૂ કરે છે.

                                              *     *     *     *

માનવ જાતને પોતામાં રહેલ પશુને અતિક્રમી જંગલના કાયદાને ઉલટાવી નાખવાની ક્ષમતા મળી છે. વધારે ને વધારે સારાં વિશ્વ વિષેની આપણી કલ્પના શક્તિ આ શાશ્વત દ્વંદ્વને ઈંધણ પૂરૂં પાડે છે.
પરંતુ કલ્પનાની એક સમસ્યા એ છે કે તે આપણા ભયને પણ વધારી મૂકી શકે છે.મને ખરાબને ખરાબ પરિસ્થિતિના જ વિચારો આવ્યા કરી શકે. જે સમસ્યા ન હોય તે મને મોટીમસ થઈને જ દેખાય.જે વર્ષે અઢળક અનાજ પાક્યું હોય ત્યારે પણ મને તો દુકાળના ઓળા જ દેખાયા કરતા હોય.કલ્પનાની આ કરૂણ વાસ્તવિકતા છે કે તેના થકી મને જેટલા સારા વિચારો આવી શકે એટલા જ ખરાબ વિચારો પણ આવી શકે.જેટલી તે ખુશી વધારી શકે એટલી જ તે ડરને પણ વધારી શકે. કલ્પનાની સૌથી ખાસ, અને એટલી જ કરૂણ, વાત એ છે કે આપણને ઓચિંતો જ આપણાં મૃત્યુનો વિચાર આવી જાય છે. આપણે જાણી છીએ કે મૂત્યુ તો આવવાનું જ છે. અને જાણીએ છીએ માટે તેની કલ્પના પણ કરતાં જ રહીએ છીએ.એક વાર એ વિચાર આવે એટલે જીવન અસાર લાગવા લાગે. બધું અહીંથી જ શરૂ થાય છે. ઘર જ આ છે. આપણા ઉપાયો અને આપણી સમસ્યાઓ, બન્નેનો સ્ત્રોત જ આ છે.
આને ધર્મ સાથે શું સંબંધ?
મને ડર નથી એવી પણ હું કલ્પના કરી શકું. કોઈ પણ દેવીદેવતાની મુદ્રા જોશું તો તેઓ ખુલ્લી હથેળી દેખાય એ રીતે હાથ આપણી સામે કરીને ઊભેલાં દેખાશે, જાણે તેઓ એમ કહે છે કે ડર ન રાખશો. આ અભય મુદ્રા છે. ધ્યાનથી જોશો તો જણાશે દરેક દરેક દેવીદેવતા આ અભય મુદ્રા તો બતાવતાં જ હોય છે. નેતા એ પણ આમ જ કરવાનું છે.

આંકડાઓના આલેખની કલ્પના કરો. તેની એક બાજૂએ ધન અને બીજી બાજૂએ ૠણ સંખ્યાઓ છે.શૂન્ય એવું બિંદુ છે જેને આપણે મત્સ્ય ન્યાય - જંગલનો કાનૂન - તરીકે ઓળખી શકીએ.મોટી માછલી નાની માછલીને ખાય.
એનો અર્થ એ કે હું મારો અડ્ડો જમાવીને બેસી શકું. મારે ટકી રહેવું છે એટલે હું બીજાંને દબાવી શકું.આ છે પશુ વૃત્તિ. જો હું કોઈ પણ ભોગે ટકી જવાની આ પશુ વૃત્તિને અતિક્રમી શકું તો હું બીજાં વિષે વિચારવાનું શરૂ કરી શકું. મને સહાનુભૂતિ થાય કારણ કે હું તમારો ડર કલ્પી શકું છું.હું તમારો ડર કલ્પી શકું છું એટલે જ તમારી સાથે સહાનુભૂતિ દાખવી શકું છું. જો હું સહાનુભૂતિ દાખવાનું કરી શકું તો હું પશુ વૃત્તિથી દૂર જઈ રહ્યો ગણાઉં. પણ જો તમારા ડરને કારણે હું મારો ડર વધવા દઉં તો હું વિચારીશ કે મારે પણ ટકવાનું છે, મારે પણ સલામત થવાનું છે, માટે બીજાનું જે થવું હોય તે થાય.મારા સિવાય બીજાં કોઇનું કોઈ જ મહત્ત્વ નથી.હું હવે બીજાંને દબાવીશ. આ તબક્કે હું પશુ કરતાં પણ ખરાબ બની જાઉં છું.
પ્રાણીઓ શોષણ ન કરે, માણસ કરે. પ્રાણીઓ ક્રૂર નથી હોતાં, માણસ હોય. આમ સહાનુભૂતિ કે શોષણ એ બન્ને માણસની કલ્પનાશક્તિ અને તેને કારણે તેની સર્જનાત્મકતામાંથી નીપજે છે. આમ કલ્પનાશક્તિમાંથી બન્ને શક્યતાઓ પરિણમી શકે છે.જેમ જેમ હું ધન દિશામાં વધારે ખસું એટલો વધારે હું ધર્મ તરફ ઢળું છું અને જેટલો હું ડરનો માર્યો ૠણ દિશા તરફ વધારે ખસું એટલો હું અધર્મ તરફ ઢળું છું. આ સતત ચાલતી પ્રક્રિયા છે. તેનો કોઇ અંત નથી. પસંદગી આપણે કરવાની છે. દરેક પસંદગીનાં પોતાનાં પરિણામો પણ આપણે જ ભોગવવાનાં છે. આ જન્મે નહીં તો આવતે જન્મે.
તો ધર્મ સંકટ શું છે?
ધર્મ સંકટ એટલે આ નિર્ણય કરવાની ક્ષમતા. જીવન શું છે? દરેક ક્ષણે આપણે કોઈને કોઈ નિર્ણય કરતાં હોઈએ છીએ. કોઈ પણ ઘડીએ આપણે શું નિર્ણય કરી છીએ? આપણે એક વાર્તાનાં ઉદાહરણ દ્વારા આ બાબત જોઈએ. એક ગરૂડ એક કબૂતરનો પીછો કરતું હતું. કબૂતર ભાગીને રાજાની શરણે ગયું અને કહ્યું કે મને બચાવો. રાજાએ કહ્યું, 'તું મારા શરણમાં છો, ત્યાં સુધી તને અભય છે.' આ સાંભળીને ગરૂડે કહ્યું, તો પછી હું શું ખાઈશ? ગરૂડ તો બીજાં કબૂતરને પકડી્ને ખાઈ ગયું. આ તો ક્રૂરતા હતી.  રાજાએ ગરૂડને કહ્યું તું કબૂતરને બદલે ઉંદરને ખા. ગરૂડે જવાબમાં કહ્યૂં, એ તો ક્યાંનો ન્યાય? કબૂતરની જાન બચાવવા ઉંદરની જાન લેવી એ તો બહુ ક્રૂરતા કહેવાય.હવે રાજાએ પોતાની સત્તા વાપરીને કહ્યું હું કહું છું ને, માટે તારે એમ જ કરવું પડશે. ગરૂડે હસીને કહ્યું, આ તો મૂર્ખામી છે. તમે મને આ રીતે ક્યાં સુધી ખવડાવ્યા કરશો? વહેલા મોડા તમે તો મૃત્યુ પામશો, એટલે હું તો પાછો કબૂતર ખાવાનું શરૂ કરી દઈશ. તમે તો અત્યારે કબૂતરનું મોત થોડું પાછું જ ઠેલો છો. આ છે ધર્મ સંકટ.
કુદરતના ન્યાય મુજબ કબૂતરને બચાવવા કોઈ ન આવત. કબૂતરને બચાવીને રાજા માને છે કે તેણે બહુ ઉમદા કામ કર્યું છે, પણ ગરૂડ માટે તો ક્રૂર પરવડ્યો છે. તેણે માન્યું કે ગરૂડ ખરાબ છે, માટે તેનાથી કબૂતરને બચાવવું જોઈએ. હવે જૂઓ થયું કેવું છે - કબૂતર રાજાને બહુ ભલો રાજા કહે છે, પણ ગરૂડ તેને બહુ ક્રૂર રાજા કહે છે. આ ત્રણેમાં સાચું કોણ?
તો હવે રાજાએ શું કરવું?
આનો કોઈ જ, એક, ઊપાય નથી.
આ આખી પરિસ્થિતિને વેપાર કે કોર્પોરેટ જગતના સંદર્ભમાં શી રીતે જોઈ શકાય? વેપાર જગતના અગ્રણીઓ કેવાં કેવાં પ્રકારનાં ધર્મ સંકટોનો સામનો કરવો પડતો હોય છે? એ લોકો પાસે એના ઉપાય શું હોઈ શકે?
મંદી ચાલી રહી છે. કંપનીએ ખર્ચા ઘટાડવા પડે તેમ છે. આ માટે બે રસ્તા છે - ક્યાં તો વરિષ્ઠ સંચાલકોના પગારભથ્થાં ઘટાડીએ અથવા તો નીચેનાં કેટલાંક લોકો સાથે  ' સોનેરી હસ્તધુનન' કરીએ. કયો રસ્તો અપનાવવો?
પહેલો ઉપાય ઓછો ક્રૂર જણાય છે, જોકે જે લોકોને અસર થશે તેમના માટે તો એ ક્રૂર જ નીવડ્યો ગણાશે.
એમ કરવામાં એક બીજી શક્યતા પણ છે. વરિષ્ઠ સંચાલકો જ કંપની ચલાવે છે. નારાજ થવાને કારણે  એ લોકો નોકરી છોડી દે. તો કંપની તો ખાડામાં જાય. માલીકીઅંશધારકો અને નાણાકીય હિતધારકો તેમનાં નાણાંની પણ પઠાણી વસૂલી કરવા લાગે. એટલે વળી કંપની હજૂ વધારે ભીંસમાં આવે. અંતે નીચેનાં જે લોકોની નોકરી બચી દેખાતી હતી તે પણ પાછી ખતરામાં તો છે જ.
તો શું કરવું?
તો ધર્મ સંકટ છે. વાસ્તવિક જગતની આવી પરિસ્થિતિઓની સામે ઊભા રહેવા માટે તો (ખરા અર્થમાં) નેતા જોઈએ.જો નિર્ણય લેવાનું સહેલું હોત, તો તો નેતાની જરૂર પણ શું? જો મારે મારી જાતને ઊંચા સ્તર પર લઈ જવી હોય તો મારે મારી જાતને સવાલ પૂછવો જોઈએ કે ખરેખર હું નિર્ણય શા માટે લઈ રહ્યો છું? મને મારી સલામતીનો ભય છે? મારે મારી આબરૂને બચાવવી છે? સંસ્થાની આબરૂ બચાવવી છે? - જે એક રીતે તો, થોડી લાંબી નજરે જોતાં મારી જ જાતનો બચાવ છે- કે પછી, હું આ બીજાં લોકોનાં ભલાં માટે કરી રહ્યો છું. કહેવાતું ગમે તે હોય, પણ મોટા ભાગના કિસ્સાઓમાં લોકોનું ભલું તો ભાગ્યે જ થતું હોય છે.
*     *     *     *
આમ, આજે આપણે જોયું કે નીતિ અને નૈતિકતાના તત્વતઃ સંદર્ભમાં પાશ્ચાત્ય કે હિંદુ વિચારસરણીઓ મહદ અંશે એક દિશામાં જતી જણાય છે. આ બન્ને વિચારસરણી એ બાબતે પણ સહમત થતી જણાય છે કે ધર્મનું અર્થઘટન અને આચરણ એ બન્ને સંપૂર્ણપણે નિરપેક્ષ પણ નથી. સમય સમયના સાંસ્કૃતિક અને સામાજિક પરિવેશનો તેના પર ઓછાયો જરૂર પડે છે.
મૂલ્યોનાં ઘડતરને લગતાં બન્ને વિચારસરણીનાં સાહિત્યને જોઈએ છીએ તો જણાય છે કે અહીં બન્નેના અભિગમમાં તફાવત છે. જોકે આ વિષય હાલ તો આપણા વિચારાધીન વિષયની સીમાની બહાર ગણી શકાય. એક વાતે બન્ને મહદ અંશે સહમત છે કે મૂલ્યો વ્યક્તિની, અને તેના થકી સમાજની, નૈતિક માન્યતાઓ અને આચાર વિચાર પર પ્રભાવ જરૂર પાડે છે.
આપણા હવે પછીના અંકમાં આ વિષયનાં હવે પછીનાં સ્વાભાવિક કદમ - માલિક અને સંસ્થા વચ્ચેનો સંબંધ-ની વાત દેવદત્ત પટ્ટનાઈકની શ્રેણી બીઝનેસ સૂત્રના ત્રીજા અંકના બીજા ભાગના સંદર્ભે કરીશું.
નોંધ: આ પૉસ્ટમાં ઉપયોગમાં લેવાયેલ દરેક ચિત્રના પ્રકાશાનાધિકાર તેના રચયિતાના જ અબાધિત છે. અહીં તેમનો ઉપયોગ માત્ર ચર્ચાના સંદર્ભને સમજવામાં સરળતા રહે તે ઉદ્દેશ્યથી કરાયો છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો