બુધવાર, 26 ઑગસ્ટ, 2015

નેતૃત્વ અને પરંપરાગત માન્યતાઓ # ૧ # પરંપરાગત માન્યતાનું પ્રયોજન

- ગૅરી મૉન્ટી
clip_image004ગૅરી મૉન્ટી પ્રોજેક્ટ મૅનેજમૅન્ટ અને પરિવર્તન મૅનેજમૅન્ટનાં ક્ષેત્રે ૧૯૭૯થી સક્રિયપણ કાર્યરત છે. ૧૯૮૪માં જ્યારે તેમણે તેમનું PMP સીમાચિહ્ન પાર કર્યું ત્યારે તેમ કરનાર તેઓ ૧૪મી વ્યક્તિ હતા. તેઓ Myers-Briggs Type Indicator (MBTI)© પ્રમાણિત પણ છે.

બેંન્કિગ, ફાર્માસ્યુટિકલ્સ, ઑઇલ પ્રોસેસીંગ, રૉબૉટિક્સ, બાંધકામ અને રીયલ એસ્ટેટ, ઑટૉમૉટીવ, જથ્થાબંધ વેપાર અને છૂટક -સાંકળ મેનેજમૅન્ટ, ટેલીકોમ્યુનિકેશન્સ કે કોમ્પ્યુટર ઉત્પાદન જેવા વિવિધ ઉદ્યોગોમાં તેમણે તેમની સેવાઓ આપેલ છે.

ગૅરી મૉન્ટીનો gwmonti@mac.com દ્વારા કે ટ્વીટર પર @garymonti દ્વારા સંપર્ક કરી શકાય છે.

********

કોઈ પણ સંસ્થાને આજના સમયમાં નેતૃત્વ પૂરૂં પાડવું એ ઊંડી ખીણની બે બાજૂએ આવેલી પર્વતમાળા પર નટબજાણિયાના ખેલ બરાબર છે. નીચે ઘૂમરી લેતાં વમળો અને આજુબાજૂએ હિલોળા લેતા પવનોના વાયરાઓ વચ્ચેથી આગળની તરફ પૂર્વનિશ્ચિત ધ્યેય તરફ માર્ગ સિધ્ધ કરવા માટે જરૂરી એવાં સંતુલનની જાળવણી એ ઘણું દુષ્કર કામ છે.

કોઈ એક જ માન્યતા કે કૌશલના આધાર પર આ ખેલને પાર પાડવામાં જોખમ પૂરેપૂરૂં છે. અને તેમ છતાં, માર્ગ કાઢવા માટે આપણા મનમાં (અને હાથ ઉપર) એક ચોક્કસ યોજનાનું હોવું જરૂરી પણ છે.

આપણી વ્યૂહરચનાનાં દોરડાં પરથી જો પગ લસર્યો, તો બચાવવાવાળું પણ કોઈ નથી!

અને વળી આટલું પુરતું ન હોય તેમ આ દોરડાં પર બીજાં લોકો પણ આપણી પાછળ કતાર લગાવીને પોતાના ખેલ પણ પાર પાડી જ રહ્યાં હોય છે.

૧૯૮૪માં ગૅરી મૉન્ટી દ્વારા સ્થપાયેલ Center for Managing Change (CMC) આ પરિવર્તનોના વાળાઢાળાઓમાં સંતુલન જાળવી રાખવામાં, અને સાથે સાથે આપણાં ગ્રાહકોને ખુશ રાખવામાં, આપણને અને આપણી સંસ્થાને મદદરૂપ ભૂમિકા ભજવી રહેલ છે.

Change Management, Chaos and Complexity, Leadership Cancers, Character and Personality, Project Reality Check, Resilience Engineering જેવી શ્રેણીઓમાં મૅનેજમૅન્ટનાં અલગ અલગ પાસાંઓને અનોખા જ દૃષ્ટિકોણથી ગૅરી મૉન્ટી આવરી લેતા રહ્યા છે. આ શ્રેણીઓમાંથી આપણે અહીં ગુજરાતીમાં અનુવાદ દ્વારા રજૂઆત માટે Leadership and Mythology [નેતૃત્વ અને પરંપરાગત માન્યતાઓ]ની પહેલી પસંદગી કરી છે.
******** 

clip_image006પરિવર્તન મૅનેજમૅન્ટ વિષય પરના લેખ -Leadership: Navigating with an executive map and compass -માં ગૅરી મૉન્ટી જણાવે છે કે સતત બદલતાં રહેતાં પર્યાવરણમાં દરેક વ્યક્તિ પાસે પોતપોતાનો નકશો, દિશાસૂચક કંપાસ, અને રસ્તો ખોળી કાઢવાની પદ્ધતિ હાથવગી હોવી જ જોઈએ.

તો વળી Leadership Cancers પરના લેખ - Leave your heart at home -માં તેઓ કાર્યસ્થળ પર કામ કરતી વખતે સાથે રહેતાં લોકો, કામ કરતાં સહકર્મચારીઓ સાથે કામ સિવાયના સમયનાં એ જ લોકો કે પછી સામાજિક વર્તુળો કે મિત્રો સાથે એ જ લોકો જાણે અલગ અલગ પ્રજાતિની અવસ્થામાં રહેતાં હોય છે. સવાલ એ છે કે એ દરેક સમય-સમૂહમાં આપણી વ્યક્તિગત અને સામુહિક ભૂમિકા અલગ અલગ રહે છે ? આપણા બાહ્ય વ્યવહારો અલગ અલગ રહે છે? આપણે ખરેખર શું છીએ? આપણે આપણાં દિલની ઊંડાઈમાં જે છીએ તે અને આપણું વિચારશીલ દિમાગ આપણને જે થવા માટે કહે છે તે બંને ક્યારે એક થઈ શકશે?

આ બધી બાબતોને 'તમારી પરંપરાગત માન્યતાઓ અને વિચારો શું છે?' એ વ્યાપક અને આલોચનાત્મક સવાલના ભાગ રૂપે જોવી જોઈએ. Leadership and Mythology [નેતૃત્વ અને પરંપરાગત માન્યતાઓ]ની નવી શ્રેણી આ સવાલની જૂદા જૂદા દૃષ્ટિકોણથી તપાસ કરશે અને તેના જવાબોની આપણા પર, આપણી આસપાસનાં લોકો પર તેમ જ આપણા વ્યવસાય પર શું શું અસરો થઈ શકે તે ચકાસશે.

********

પરંપરાગત માન્યતાનું પ્રયોજન

રોજબરોજનાં જીવનમાં અગત્યની છાનબીન કરતાં પૌરાણીક શાસ્ત્રોના અમેરિકી વિદ્વાન જોસેફ કૅમ્પબેલ
· રહસ્યવાદી

· સ્થૂળ

· સામાજિક

· માનસિક
                         એમ આ સવાલનાં સર્વથા પ્રકારે ચાર ભિન્ન ભિન્ન પાસાંઓ નોંધે છે.

પરંપરાગત માન્યતાઓ - શું છે અને શું નથી
આ ચાર કક્ષામાં ઝંપલાવી દેતાં પહેલાં, પરંપરાગત (પૌરાણિક) માન્યતાઓ શું છે એ સમજી લઈએ. આપણાં બધાંનાં જીવનમાં જન્મ, મૃત્યુ, લગ્ન, સંતાન ઉછેર, કારકીર્દીનું ઘડતર જેવા નાટ્યાત્મક, ભારે ઉત્પાતભર્યા તબક્કા આવતા જ હોય છે. આ દરેક તબક્કા અર્થસભર બની રહે તેમ પણ આપણે ઈચ્છતાં રહીએ છીએ. જીવનની જૂદી જૂદી ઘટનાઓનું આ અર્થઘટન જ પારંપારિક માન્યતાઓને મૂળતઃ ઘડે છે. આપણા અનુભવોને જ્યારે આપણે કથાનકનું સ્વરૂપ આપીએ છીએ ત્યારે આપણે પારંપારિક માન્યતાઓનાં વિશ્વમાં દાખલ થઈએ છીએ. જ્યારે વ્યક્તિગત કથાનકોને એકઠાં કરીને સામુહિક અને સામાજિક લોકસમુહનાં સ્તરે પાર કરવાનો આયામ કરવામાં આવે છે ત્યારે પૌરાણિક કથાસાગર રચાય છે.

આમ પૌરાણિક કથાઓ એક સાથે વ્યક્તિગત તેમ જ સામુહિક છે. જે ટીમો વચ્ચે સમાન પરંપરાગત માન્યતાઓ હોય છે તે બહુ સારી રીતે કામ કરી શકે છે. તેમની વાતોમાં બહુ જ શક્તિશાળી, લાગણીસભર સત્ય અનુભવી શકાય છે. જે નેતૃત્ત્વ આ પરંપરાગત માન્યતામાં ડુબકી લગાવી શકે છે તે ઉત્કૃષ્ટ કામ કરી શકે છે અને તેમની ટીમને પણ સમજાવી શકે છે કે એક નિર્દિષ્ટ ઉદ્દેશ્ય તરફ કામ કરવું એ વ્યક્તિગત તેમ જ સામુહિક હિતમાં છે.

સામાન્યતઃ 'માન્યતા'ને કોઈ પરિસ્થિતિનું વ્યક્તિગત ફાયદા માટે ફાવતાં - મોટા ભાગે 'જૂઠ્ઠાણાંઓ’ ની કક્ષામાં પડે એવાં - અર્થઘટન કરવાના નકારાત્મક અર્થમાં જોવામાં આવે છે. પણ, અહીં પરંપરાગત માન્યતાઓનો ઉપયોગ જીવનની અરાજકતામાં કોઈ સરળ વૃતાંત શોધવાનો રહેશે. અહીં પણ, જો કે, દેખીતા પ્રવાહોની સપાટીની નીચે જઈને અગ્રણી જોઈ શકે કે આ પારંપારિક માન્યતાઓ કેવી કેવી વિકૃતિઓ પણ સર્જી શકે છે. કોઇ પણ પરિસ્થિતિનો પૂરેપૂરો ફાયદો ઊઠાવવામાં, ટીમને એકજૂથ રાખવામાં, સંઘર્ષોમાંથી માર્ગ કાઢવામાં કે વિરોધીઓની સાથે કામ લેવામાં આનાથી બહુ મહત્ત્વની માહિતી મળી રહે છે. કોઈ પણ વિધાન પાછળની માન્યતાને સમજવાથી આપણે ભાવનાત્મક પ્રતિક્રિયાશીલતા અને નૈતિક મૂલ્યાંકનોથી મુક્ત થવાની તક મળે છે. પરિણામે આપણાં હિતોની વધારે સારી રીતે સંભાળ લેવાનું પણ શકય બની શકે છે.

પરંપરાગત માન્યતાઓ - કોને જરૂરી ? શા માટે તેની માથાકૂટમાં પડવું ? 

આપણે હવે સાવ ધરતી પર આવીને વાત કરીએ. કોઈને સવાલ પૂછો, 'તમારા પ્રોજેક્ટમાં હાલ શું ચાલી રહ્યું છે?' અને પછી તેમનો જવાબ સાંભળો. થોડા સમય પછી એ જ વ્યક્તિને પૂછો કે 'તમારા આ પ્રોજેક્ટ (કે કામ)માં સૌથી સારો દિવસ કયો પરવડ્યો હતો?' એનો જવાબ પૂરો થાય એટલે પછી પૂછો કે, 'અને સૌથી ખરાબ દિવસ કયો રહ્યો હતો?'

કામ વિષેનો અહેવાલ અને સારાં / ખરાબ પાસાંના આકલન વચ્ચેના તફાવતની નોંધ કરો. શેમાં વધારે માહિતી છે ? શેમાં વધારે અર્થપૂર્ણ વર્ણન છે ? શેમાં વધારે સમૃદ્ધ સામગ્રી આવરી લેવાયેલી જોવા મળે છે ? કામ ખરેખર કેવું ચાલી રહ્યું છે કે ખરેખર એનો હેતુ શું છે જેવી બાબતો વિષે શેમાં વધારે સમજણ મળે છે ?

મને ખોટો ન સમજશો. મુદ્દાસરની ચોક્કસ માહિતી એકઠી કરવા માટે ઉપાર્જિત મૂલ્ય(Earned Value)કે એવી અન્ય પદ્ધતિઓની હું પણ તરફેણ કરૂં છું. પણ તે સાથે હું એમ પણ માનું છું કે આ પધ્ધતિઓને પણ વધારે અર્થપૂર્ણ બનાવવામાં તેની સાથેની આધારભૂત માન્યતાઓ પણ મહત્ત્વની ભુમિકા ભજવે છે.એટલે જ જોખમ વ્યવ્સ્થાપન [Risk Management] આટલું મહત્ત્વનું બની રહે છે. તે બધી વાતોને બહાર લાવી શકે છે. પણ એ તો આડવાતે ચડી જવા જેવું થશે.

હવે પછી આપણે ઉપર કહી છે તે ચાર કક્ષાની પારંપારિક માન્યતાઓ વિષે વાત કરીશું અને જોઈશું કે વ્યાપાર-ઉદ્યોગ સાથે સંકળાયેલ (કે કોઈપણ વ્યાવાસાયિક) સ્ત્રી કે પુરુષ માટે તેનું મહત્ત્વ શું છે.

આપના વિચારો, પ્રતિભાવો કે પ્રતિક્રિયાઓ જરૂરથી જણાવશો.