બુધવાર, 8 ફેબ્રુઆરી, 2017

જયાં રબર માર્ગને મળે છેતન્મય  વોરા

જ્યારે ટાયર માર્ગને સ્પર્શે ત્યારે જ વાહન ગતિ પામે છે કે પછીથી ગતિમાંથી થંભી જઈ શકે છે. આમ આ મુહાવરો એવી પરિસ્થિતિ માટે વપરાય જ્યાં કોઈ અમૂર્ત વિચારને અમલ માટે મુકાય અને ખબર પડે કે એ વિચાર માર્ગ પર દોડશે કે નહીં.બીજા શબ્દોમાં કહીએ તો સફળતા હાંસલ કરવા માટેની વ્યૂહરચનાઓના વિચારોમાંથી બહાર આવીને, નક્કર નિર્ણયો લઈને, તેમને અમલ મુકવાની ઘડી.

તમારી સંસ્થાનાં અગ્રણી તરીકે, રબર ત્યારે માર્ગને મળે
૧. જ્યારે તમારી સંસ્થા તમારાં ગ્રાહક માટે ખરેખર મૂલ્યવાન અનુભવ સિધ્ધ કરતી રહે [માત્ર વાતોનાં વડાંથી ગ્રાહકને (થોડા સમય માટે) મંત્રમુગ્ધ ન કરે].
  જ્યારે અથાકપણે અમલ થતો રહે [માત્ર કાગળ પર ઉત્તમ વ્યૂહરચના ઘડીને બેસી ન રહે].
૩. જ્યારે મહત્ત્વની પ્રક્રિયાઓમાં અસરકારક અને લાંબા ગાળા સુધી ટકાઉ સુધારણાઓ કરાય [માત્ર નાના મોટા સુધારાઓ દસ્તાવેજ કરવા ખાતર ન કરાય].
૪. જ્યારે કોઈ કારણથી સખત નારાજ થયેલ કે ખુબ ગુસ્સે ભરાયેલ ગ્રાહક સાથે તેને સંતોષ થાય એ મુજબની વાત તમે ખુદ કરો [માત્ર ઈ-મેલના વ્યવહારોથી કામ ન ચલાવે].
૫. જ્યારે તમે પોતે પોતાનાં મૂલ્યો અને દર્શનનાં વાણી અને વિચારનો, દરેક પરિસ્થિતિમાં, વર્તનમાં અમલ કરો [માત્ર બીજાંઓએ અમલ કરવાનાં સૂચનો ન આપો કે કંપનીની વેબસાઈટ પર આકર્ષક દસ્તાવેજ મૂકીને બેસી ન રહો].
૬. જ્યારે તમારા ગ્રાહકના પ્રતિભાવનો ખરા અર્થમાં અમલ થાય [માહિતી એકઠી કરીને સરસ અહેવાલ બનાવીને બેસી ન રહેવાય].
૭. જ્યારે સંસ્થાનાં લોકો સાથે 'માણસ' તરીકેના વ્યવહાર થાય [સંસાધન કે અસ્કાયમતની સાથે કારાતો હોય એવો ભાવહીન યાંત્રિક વ્યવહાર નહીં].
૮. જ્યારે જે અને જેટલું 'કહેવાય' એટલું અથવા તેનાથી વધારે કરી બતાવાય [તેનાથી ઊંધું નહીં].
૯. જ્યારે સમસ્યાનું 'નિવારણ' કેન્દ્રમાં રખાતું હોય [ઘટના થઈ  ગયા પછી 'સુધારો' કરવાનો અભિગમ માત્ર કાર્યદક્ષતાનો માપદંડ ન હોય].
૧૦. જ્યારે સંસ્થાને લગતી દૂરગામી બાબતોના સંદર્ભમાં વર્તમાનના નિર્ણયો કરાય [માત્ર ભૂતકાળને નજરમાં લઇને વર્તમાનનાં સમાધાનો કરીને બેસી ન રહેવાય].
૧૧. જ્યારે  લોકોને તેમના પ્રતિભાવો યોગ્ય સમયે જણાવાતા હોય અને તેની અર્થપૂર્ણ ચર્ચા થતી હોય [ત્રિમાસિક મિટીંગમાં જ ઔપચારિક ચર્ચા ન કરાતી હોય].
૧૨. જ્યારે સમસ્યાના ઉપાયો શોધવામાં અગ્રેસર રહીને સકારાત્મક વાતાવરણ પેદા કરાતું હોય [નહીં કે દોષારોપણને કારણે નકારાત્મક વાતવરણ પેદા કરાતું હોય].
૧૩. જ્યારે વિચારો અને સંવાદોની આપલે ચપળતાપૂર્વક, સંસ્થાની માળખાંગત વ્યવસ્થામાં ગુંચવાયા વગર અને જવાબદેહીપૂર્વક થાય [નહીં કે તુમારશાહીના લાલ ફીતામાં કે ઉપરથી નીચેના એકતરફી સૂચનો વડે થતી હોય].
૧૪. જ્યારે સ્વીકારવામાં આવતું હોય કે ઉત્કૃષ્ટ કામગીરીમાં દરેક વ્યક્તિ પોતાની ભૂમિકા અનુસાર યોગદાન કરી શકે છે [નહીં કે માત્ર 'બહુ' આવડતવાળાં કેટલાંક જ લોકોથી જ સંસ્થા ચાલે છે તેમ મનાતું હોય].
૧૫. જ્યારે સામેની વ્યક્તિ કંઈ કહી રહી હોય ત્યારે તેને ખરા અર્થમાં, પૂરેપૂરી, સાભળવામાં આવે અને તે પછી જ તેના પર પ્રતિકિયા કરાતી હોય [નહીં કે 'હા..હુ" 'વિચારવાલાયક છે', 'સરસ વિચાર છે'જેવી ઉપરછલ્લી પ્રતિક્રિયાઓ જોવા મળતી હોય]


Ø  અનુવાદકઃ  અશોક વૈષ્ણવ, અમદાવાદ