શુક્રવાર, 27 એપ્રિલ, 2018

બીઝનેસ સૂત્ર | ૬.૨ | હેતુલક્ષી વિ. વિષયલક્ષી વાસ્તવિકતા



બીઝનેસ સૂત્ર | | માપ
સીએનબીસી - ટીવી ૧૮ પર રજૂ થયેલ દેવદત્ત પટ્ટનાઈકની ધારાવાહિક શ્રેણી 'બીઝનેસ સૂત્ર'ના પહેલા અંકમાં દેવદત્ત પટ્ટનાઈકે 'કોર્પોરેશન'ના વિષયની ચર્ચા કોર્પોરેશનનો અર્થ, તેનો હેતુ અને તેના દૃષ્ટિકોણના ફલક એમ ત્રણ ભાગમાં કરી. નેતૃત્ત્વની ભૂમિકા અને ખાસીયતો, નેતૃત્ત્વનો સંદર્ભ અને જૂદાં જૂદાં વ્યાપાર ચક્રમાં નેતૃત્વ એમ ત્રણ ભાગમાં આ શ્રેણીના બીજા વિષય તરીકે દેવદત્ત પટ્ટનાઈકે  નેતૃત્વ વિષે હિંદુ પુરાણોના દૃષ્ટિકોણની રજૂઆત કરી છે. બીઝનેસ સૂત્ર શ્રેણીના ત્રીજા અંકમાં દેવદત્ત પટ્ટનાઈકે ધર્મ : નીતિશાસ્ત્ર અને તેને અનુરૂપ નૈતિક આચાર-વિચારને ધર્મ અને સંકટ, માલિકના તેમની સંસ્થા સાથેના સંબંધ અને રામાયણ અને મહાભારત એમ ત્રણ ભાગમાં સાંકળી લીધેલ છે. ચોથા અંકમાં 'સંઘર્ષ'ની ચર્ચા  નિયામક મંડળ અને મુખ્ય સંચાલન અધિકારી વચ્ચે થતા રહેતા સંઘર્ષો અને સાધ્ય સાધનને ઊચિત ઠેરવી શકે?ના સંદર્ભમાં કરેલ છે. પાચમા અંકમાં સંચાલક તેની ભાવિ જવાબદારીઓ સક્ષમપણે સંભાળી શકે તે મુજબનું શિક્ષણ પૂરૂં પાડવાની ચર્ચાના પહેલા ભાગમાં પ્રાયોગિક શિક્ષણની વાત કરવા માટે રામનાં શિક્ષણ, બીજા ભાગમાં જ્ઞાન હસ્તાંતરણ અને ત્રીજા ભાગમાં પ્રશિક્ષણ માટેનાં પ્રોત્સાહનની ચર્ચા કરવામાં આવેલ.
આધુનિક મૅનેજમૅન્ટ સાહિત્ય અને કાર્યપ્રણાલિઓમાં બહુચર્ચિત વિષય 'માપ'ની ચર્ચાની શરૂઆત દેવદત્ત પટ્ટનાઈકે 'બીઝનેસ સૂત્ર' શ્રેણીના છઠ્ઠા અંકમાં 'શું માપી શકાય?'થી કરેલ છે.
બીઝનેસ સૂત્ર | ૬.૨ | હેતુલક્ષી વિ. વિષયલક્ષી વાસ્તવિકતા
મૅનેજમૅન્ટ વિજ્ઞાન પરનાં પાશ્ચાત્ય સાહિત્યમાં હેતુલક્ષી અને વિષયલક્ષી માપ માટે ઘણીવાર માત્રાત્મક અને ગુણાત્મક માપ જેવા શબ્દપ્રયોગ પણ ઉપયોગમાં લેવાતા રહ્યા છે. શબ્દપ્રયોગ જે કંઈ કર્યો હોય, પરંતુ પાશ્ચાત્ય મૅનેજમૅન્ટ સાહિત્યમાં હેતુલક્ષી અને વિષયલક્ષી માપની સાંદર્ભિક વ્યાખ્યાઓ, માપ કરવા માટેની જૂદી જૂદી રીતો અને તેવી લાભાલાભ જેવી બાબતો બહુ જ વિગતે ચર્ચાતી રહી છે. આપણે એ બધી ચર્ચાઓમાંથી બહુ જ સંક્ષિપ્ત સંદર્ભ અહીં લઈશું.
Difference Between Objective and Subjective માં કેટલીક પાયાઓની ચર્ચા આવરી લેવાઈ છે.
કામગીરી માપણીનાં વિશેષજ્ઞ, સ્ટેસી બાર, તેમના એક લેખ Are Your Performance Measures Objective or Subjective?માં આ બન્ને વચ્ચેના તફાવતને વધારે સ્પષ્ટ રીતે રજૂ કરતાં જણાવે છે કે, હેતુલક્ષીતા ધરાવતાં માપ વ્યક્તિની લાગણીઓ કે અભિપ્રાયો કે દૃષ્ટિકોણ કે માનસીક વલણોનાં ગળણાંથી પ્રભાવિત થતાં નથી. હેતુલક્ષી માપ હકીકતની ખુબ જ નજદીક ગણી શકાય. હેતુલક્ષી માપ આપણી નિર્ણાયક પ્રક્રિયાને શુધ્ધ બનાવતાં પરિબળો છે. જ્યારે માપમાં આ પ્રકારની હેતુલક્ષીતાની ઉણપ જોવા મળે ત્યારે તે વિષયલક્ષીતાના રંગમાં રંગાવા લાગે છે. કહેલુંસાંભળેલું, અભિપ્રાયો, બહુ નાના માહિતી જથ્થા પરથી લેવાયેલ માહિતી સામગ્રી નમૂના, અસ્પષ્ટ પરશ્નો પરના અડધાઅધૂરા જવાબો પરથી કાઢેલાં તારણો, પૂર્વધારણાઓ કે અટકળો વગેરેને આ પ્રકારનાં માપનાં ઉદાહરણોના દાખલાઓ  કહી શકાય. વિષયલક્ષી માપ ખૂબ ચરબી  કે ખાંડ ભરેલા ખોરાક છે, જે સ્વાદે સારા લાગે, પણ તેનાથી શરીરને માટે જરૂરી કોઈ પોષણ મળે નહીં.
આ અને આવાં લગભગ બધાં ટાંચણોનો સૂર એ નીકળતો જોઈ શકાય કે પાશ્ચાત્ય મૅનેજમૅન્ટ કાર્યપ્રણાલિ વિષયલક્ષીતામાં પણ હેતુલક્ષીતાનું પ્રમાણ વધારે હોય તેમ માને છે, અને ઈચ્છે પણ છે.
સમયે સમયે અને સંદર્ભે સંદર્ભે, આ ચર્ચા ઘણી વાર એક અંતિમથી બીજા અંતિમ તરફ ચાલ્યા જ કરતી રહી છે, અને કદાચ ચાલતી પણ રહેશે.
આ તબક્કે આપણે તો હિંદુ પુરાણોમાં આ વિષે શું કહેવાયું છે તે માટે દેવદત્ત પટ્ટનાઈકની છઠ્ઠા અંકના બીજા ભાગની ચર્ચા - હેતુલક્ષી વિ. વિષયલક્ષી વાસ્તવિકતા - તરફ આપણું ધ્યાન વાળીશું. આ ભાગની શરૂઆત પહેલા ભાગના અંત - 'માત્ર માપ' નહીં પરંતુ 'માપ ઉપરાંત પણ' સાથેનાં તારણ - સાથે સળંગ ચાલતી હોય  તેમ જણાશે એ બાબત ખાસ ધ્યાન પર આવશે.

'માત્ર માપણી' નહીં પરંતુ 'માપણી ઉપરાંત પણ' એ નિષ્કર્ષ સમજાય છે. પણ, આપણી વર્તમાન તંત્રવ્યવસ્થામાં માપણી જે રીતે વણાઇ હયેલ છે તેમાંથી બહાર કેમ કરીને અવાય? ૫-૧૦ લોકો કામ કરતાં એવી સંસ્થામાં હેતુલક્ષી ઓછી અને  વધારે એવી એકબીજાં સાથે સીધા સંપર્કો વધારે હોય, લખવાનું ઓછું અને વાત કરી લેવાનું વધુ એવાં વધારે વિષયલક્ષીપણાંથી ચાલી જાય. પણ ૧૦૦-૨૦૦-૧૦૦૦ લોકો કામ કરતાં હોય એવી સંસ્થાઓમાં તો આ માપણી પ્રક્રિયાઓને ખૂબ જ ઔપચારિક અને  પધ્ધતિસરની રાખ્યા સિવાય સમગ્ર સંસ્થામાં માપણી અને તેનાં પરનાં તારણોનાં, હંમેશાં,  એકસમાન ધોરણો કેમ કરીને પ્રસ્થાપિત કરી શકાય? આવડી વિશાળ કક્ષાએ એ સિવાય બીજી કોઈ રીતે માપી પણ કેમ શકાય?
સંસ્થા નાની હોય કે મોટી, છેવટે તો તે લોકોથી બને છે. દરેક સંસ્થામાં લોકોને નાની નાની ટીમોમાં વહેંચી કાઢવામાં આવે છે.આજના સમયના કોઈ પણ ઉપરીને પાંચ-સાતથી વધુ લોકો રીપોર્ટ ન કરતાં હોય એ જ રીતે દરેક ટીમનું ગઠન કરવામાં આવતું હોય છે આમ મોટી સંસ્થામાં પણ કાર્યશીલ ઘટક તો નાની ટીમ જ હોય છે.એટલે એ ટીમના ઉપરીએ તો પોતાની, નાની, ટીમ પૂરતું જ માપણીનું કામ કરવાનું રહે. વળી આપણે એ બાબતે પણ સહમત છીએ કે ૫૦%થી વધારે માપણી માત્રાત્મક માંડમાંડ રહી શકે છે, બાકીની માપણી એક યા બીજાં કારણસર વિષય્લક્ષી /ગુણાત્મક જ બની રહેતી હોય છે. આપણે એ બાબતે પણ સહમત છીએ કે ભલભલા હેતુલક્ષી ઓડીટરને કામે લગાડો તો પણ માપણી કરનાર ઉપરીના, કે જેઓ વિષે માપણી થાય છે તે કર્મચારીઓના, પોતપોતાના દષ્ટિકોણ પણ માપણીમાં ભાગ ભજવે જ છે. એટલે, આપણે કામ કરવાનું છે આ વ્યક્તિલક્ષી વલણોને દૂર કરવાનું, કે જેથી વ્યક્તિઓની વર્તણૂક હેતુલક્ષીતા સિધ્ધ કરવામાં ઓછામાં ઓછો ભાગ ભજવે. એટલે માત્ર માપણીની પ્રક્રિયાની ઉત્કૃષ્ટતાનો સવાલ નથી. જરૂરી તો એ છે કે આપણે લોકોની પાછળ એવા પ્રકારનું રોકાણ કરીએ કે તેમના વિષય્લક્ષી તારણો પણ હેતુલક્ષીતા તરફ ઢળે છે એવું ખાત્રીપૂર્વક માની શકાય.
મોટા ભાગે આપણું કહેવું હોય છે કે લોકોમાં રોકાણ કરવામાં બહુ મહેનત પડે છે, એટલે ચાલોને તંત્ર વ્યાવસ્થાને જ સુદૃઢ કરી લઈએ. વિષયલક્ષી માપણીમાં, માપતાં હોઇએ તેના પર કોઇનું સતત ધ્યાન રહે તે બહુ મહત્ત્વનું છે. તંત્ર વ્યવસ્થા - પ્રક્રિયામાં આટલું ધ્યાન આપવું આવશ્યક નથી. ધ્યાન આપવું એટલે સંબંધ કેળવવો. આ બન્નેમાં વ્યક્તિઓની નિષ્ઠા બહુ મહત્ત્વનું પરિબળ છે. પણ નિષ્ઠા માટે ખાત્રી ભરવી શક્ય નથી. એટલે તેને બદલે જો પ્રક્રિયા કે તંત્ર વ્યવસ્થા હોય ધ્યાન આપ્યા વગર પણ હકીકત સુધી પહોચી શકાય.
મારૂં એમ કહેવું નથી. જૂઓ, આપણી પરિસ્થિતિ આ છે:
ક) એક બાજૂ ખૂબ બધાં લોકો છે, અને
ખ) બીજી બાજૂ વિષયલક્ષી માપણી છે.
લોકો તો પોતાનાં વલણો સાથે લઈને આવવાનાં જ છે, એટલે હવે જ્યારે સામેની વ્યક્તિની કામગીરીની  માપણી કરીએ ત્યારે કોઈના ને કોઇના દૃષ્ટિકોણના કાચમાંથી જોઈને જ એ માપણી થવાની છે.એટલે તંત્ર વ્યવ્સ્થામાં ભલે કંઈક કચાશ હશે, પણ તેને કારણે માનવીય વલણમાંથી પેદા થતા પૂર્વગ્રહોની અસર કંઈક અંશે તો ઓછી થશે ને. એમ કરીને બહુ બધાં લોકોની સાથે કામ કરવામાં, માહિતીની આપલેમાં અમુક ચોક્કસ સમાન ધોરણ સ્થપવામાં અને માનવીય પૂર્વગ્રહોની અસર ઓછી કરવામાં એટલી હદે મદદ પણ થશે.ત્તંત્ર વ્યવસ્થા સંપૂર્ણ છે એવું કહેવાનો જરા પણ આશય નથી, કેમ કે કોઈ પણ માનવી પણ ક્યાં સંપૂર્ણ હોય છે.
આજે તો માનવીને સ્થાને તંત્ર વ્યવસ્થાને મૂકવાનું જ ચલણ છે. કોઈ પણ ભોગે માપણી હેતુલક્ષી થવી જોઈએ એજ મનોવૃત્તિ છે. વિષ્યલક્ષીતા ઘટાડાતી જાય છે, તેની સાથે સાથે ધ્યાન આપવાની જરૂરિયાત પણ ઘટાડાતી જાય છે.પરંતુ જરૂર છે 'માત્ર માપણી'ની નહીં પરંતુ, 'માપણી ઉપરાંતની પણ'. આ ચર્ચાનો આશય એટલો જ છે.
તેને  કારણે તો અનિશ્ચિતતા વધશે.
અનિશ્ચિતતા તો વધશે જ.
તો પછી, એ અનિશ્ચિતતાથી અંતર કેમ બનાવવું? આવતા ત્રણ માસમાં કેટલું કામ થશે, આવતાં વર્ષમાં કેટલી કમાણી  થશે, કોને કયું લક્ષ સોંપાશે, જરૂર પડ્યે, સંસ્થા પાસે આકસ્મીક પરિસ્થિતિને પહોચી વળવા કેટલાં સક્ષમ લોકો ફાજલ છે જેવી આગાહીઓ વડે સંસ્થામાં તો જે કંઈ કરવામાં આવે છે તે વધારે ને વધારે નિશ્ચિતતા માટે જ કરવામાં આવે છે. બધી જ દોડ નિશ્ચિતતા ભણી જ છે.
આપણે તો અમુક જ વસ્તુ માપી શકીએ છીએ, જ્યારે વિશ્વ તો અફાટ છે, અને માપણી તો મર્યાદિત જ પ્રમાણમાં શક્ય છે. શક્યતાઓ અમાપ છે જ્યારે માપણી તો હંમેશાં સીમિત જ શક્ય બની શકે છે.કોઈ પણ ઉદ્યોગ  સાહસિક્ને પૂછો કે તેણે પોતાનું સાહસ માપણીને આધારે ખડું કર્યું હતું? તમે જોશો કે મોટા ભાગે તેઓએ માપણીનો ઉપયોગ પોતાની કોઠાસૂઝની પુષ્ટિ કરવા જ કરેલ હશે.
આ કોઠાસૂઝ એ ઈચ્છાઓનો, લાલસાઓનો, માનવસહજ વૃત્તિઓનો દેવ, કામદેવ, છે. તેના પછી આવે છે મૃત્યુનો, માપણીનો દેવ, યમદેવ. એટલે માપણી પછી આવે, પહેલાં આવે છે આંતરભૂતિ. માપણી આંતરભૂતિનીની પુષ્ટિ કરે છે. એકલા કામદેવ પર બહુ વિશ્વાસ ન કરી શકય, એ તો બેજવાબદાર છે. તેના હાથમાં તો તીર અને કામઠું છે. તે તો જ્યાં જૂઓ ત્યાં પોતાની ઈચ્છાઓનાં  તીર જ છોડ્યા કરશે. તેના પર લગામ જોઈએ.એટલે જૂઓ કે યમના હાથમાં એક છેડે ગાળિયાવાળું દોરડું છે, જે લગામનું કામ કરે છે. બહુ વધારે નિયંત્રણો જો મૃત્યુને નોતરી શકે છે, તો બેલગામ વાસનાઓ સર્વથા અરાજકતા ફેલાવી શકે છે. એટલે સવાલ છે આ બન્ને વચ્ચે સંતુલન સ્થાપવાનો, જેમાં માનવ પરિબળની ભૂમિકા બહુ મહત્ત્વની બની રહે છે..
આપણે જ્યારે તંત્ર વ્યસ્થા કે પ્રક્રિયાઓના અંતિમની વાત કરી છીએ ત્યારે માનવ પરિબળને મીટાવી દેવાની વાત થતી હોય એમ લાગે છે.આ બહુ જ ખતરનાક પરિસ્થિતિ છે, આખરે તો જીવતાં માનવીઓથી જ બનતી હોય છે, ટકતી હોય છે.
આમ,પાશ્ચાત્ય મૅનેજમૅન્ટ વિચાસરણી જ્યાં વિષયલક્ષીતામાં વધારે ને વધારે હેતુલક્ષીતાની શોધમાં માને છે, ત્યાં હિંદુ પ્રાચીન શાસ્ત્રો, માપણી પ્રક્રિયાઓ અને તંત્ર વ્યવસ્થામાં  મહત્તમ હેતુલક્ષીતા લાવવામાં માનવીય સ્પર્શનાં મહત્ત્વ પર ભાર મૂકે છે. પહેલા ભાગનો અંત -'માત્ર માપણી' નહીં પરંતુ 'માપણી ઉપરાંત પણ' - આ દિશામાં ભારપૂર્વક આપણું ધ્યાન દોરે છે.
દેવદત્ત પટ્ટનાઇક સાથેની બીઝનેસ સૂત્રની આ સફરનો હવે પછીનો પડાવ છે આ લેખમાળાના છઠ્ઠા અંકનો ત્રીજો ભાગ, જેનો વિષય છે તમારૂ મૂલ્ય શું છે?.

નોંધ: આ પૉસ્ટમાં ઉપયોગમાં લેવાયેલ દરેક ચિત્રના પ્રકાશાનાધિકાર તેના રચયિતાના જ અબાધિત છે. અહીં તેમનો ઉપયોગ માત્ર ચર્ચાના સંદર્ભને સમજવામાં સરળતા રહે તે ઉદ્દેશ્યથી કરાયો છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો